જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ, 2 આતંકીઓ હથિયાર સાથે ઝડપાયા
Image Source: Twitter
- બંને આતંકવાદીઓ કુપવાડા જિલ્લાના રહેવાસી
રાજૌરી, તા. 22 નવેમ્બર 2023, બુધવાર
જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સવારથી ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત મોર્ચાની ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શરૂ થયેલી અથડામણ ચાલુ જ છે.
આ વચ્ચે પોલીસે શ્રીનગરના બેમિના વિસ્તારમાંથી બે આતંકવાદીઓને હથિયારો અને દારૂ ગોળા સાથે પકડ્યા છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક હસીબ મુગલે જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષા દળોની ટીમે ખૂબ જ વિશિષ્ટ ઈનપુટ પર આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે, સંયુક્ત ટીમ શંકાસ્પદ ક્ષેત્ર તરફ પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ સંયુક્ત દળ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના કારણે અથડામણ શરૂ થઈ ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, બંને આતંકવાદીઓ કુપવાડા જિલ્લાના રહેવાસી છે. તેમને મંગળવારે રાત્રે શ્રીનગરના બટમાલૂમાં બેમિનામાં તપાસ દરમિયાન પકડ્યા હતા. તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, તેમની પાસેથી મળી આવેલા હથિયારોમાં બે પિસ્તોલ અને 10 ગ્રેનેડ સામેલ છે.