શિકાગોમાં છેતરપિંડી બદલ ગુજરાતી સહિત બે ભારતીયને જેલની સજા
ગ્રાહકો અને રોકાણકારો સાથે અબજ ડોલરની ઠગાઈ કરી
રિશી શાહ અને શ્રધ્ધા અગ્રવાલે અધૂરા કામના પૂરા બીલ ઊભા કરીને ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવી લીધી હતી
નવી દિલ્હી: શિકાગો સ્થિત હેલ્થ ટેકનોલોજી સ્ટાર્ટ-અપના ભારતીય મૂળના બે ભૂતપૂર્વ એક્ઝેક્યુટીવ્સને મોટા પાયાની છેતરપિંડી યોજનામાં તેમની ભૂમિકા બદલ સજા ફટકારવામાં આવી હતી. આઉટકમ હેલ્થના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ ૩૮ વર્ષીય રિશી શાહ તેમજ ૩૮ વર્ષીય સહ-સ્થાપક અને ભૂતપૂર્વ પ્રમુખ શ્રદ્ધા અગ્રવાલ કંપનીના અસીલો, ધિરાણદારો અને રોકાણકારો સાથે આશરે એક અબજ ડોલરની છેતરપિંડીમાં સામેલ હતા. તેમની સાથે ૩૫ વર્ષીય ભૂતપૂર્વ સીઓઓ અને સીએફઓ બ્રેડ પર્ડીને પણ દોષી ઠરાવાયા હતા.
૨૦૦૬માં સ્થપાયેલી અને અગાઉ કોન્ટેક્સ્ટ મીડિયા તરીકે ઓળખાતી આઉટકમ હેલ્થ સમગ્ર અમેરિકામાં ખાસ કરીને ફાર્મા કંપનીઓ માટે ડોક્ટરોની ઓફિસોમાં જાહેરાતોના પ્રદર્શન માટે ટેલીવીઝન સ્ક્રીન અને ટેબ્લેટ બેસાડવાનું કામ કરતી હતી. શાહ, અગરવાલ અને પર્ડીએ તેમની માલિકીની ન હોય તેવી જાહેરાતોનું વેચાણ કર્યું હતું, તેમના કરારોનું ઓછું પાલન કરવા છતાં તેમના અસીલોને પૂરુ કામ કર્યું હોય તેવા બીલ આપ્યા હતા. અસીલો અને રોકાણકારોને છેતરવા તેમણે ઓછા કામને છુપાવીને આંકડાઓ વધુ દર્શાવ્યા હતા.
૨૦૧૧થી ૨૦૧૭ સુધી ચાલેલી આ છેતરપિંડીને કારણે અસીલોને ઓછામાં ઓછા ૪૫ મિલિયન ડોલરનું વધુ બિલિંગ કરાયું હતું જેના કારણે ૨૦૧૫ અને ૨૦૧૬ માટે આઉટકમની આવક વધુ દર્શાવાઈ હતી.એપ્રિલ ૨૦૨૩માં એક ફેડરલ જ્યુરીએ શાહને મેલ છેતરપિંડી, વાયર છેતરપિંડી, બેન્ક છેતરપિંડી અને મની લોન્ડરીંગ જેવા અનેક ગુનામાં દોષી ઠેરવ્યો હતો. અગરવાલને પણ મેલ, વાયર અને બેન્ક છેતરપિંડી માટે દોષી ઠરાવાઈ હતી. શાહને સાડા સાત વર્ષની કેદની સજા થઈ હતી જ્યારે અગરવાલને ત્રણ વર્ષની હાફવે હાઉસમાં અને પર્ડીને બે વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા થઈ હતી. કંપનીના ત્રણ અન્ય કર્મચારીઓએ પણ ટ્રાયલ અગાઉ પોતાનો અપરાધ કબૂલી લીધો હતો.