દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા, પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યાં
Dubai 2 Indian Died | દુનિયાના સૌથી સુરક્ષિત શહેર ગણાતા દુબઈમાં બે ભારતીયોની હત્યાના આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. તેલંગાણાના બે કામદારોની દુબઈમાં પાકિસ્તાનીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
મંગળવારે બે પીડિતોના પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે એક પાકિસ્તાની નાગરિકે દુબઈની એક બેકરીમાં ધાર્મિક સૂત્રોચ્ચાર કરતા હુમલો કર્યો હતો. આ હુમલામાં તેલંગાણાના બે લોકો માર્યા ગયા હતા અને ત્રીજો ઘાયલ થયો હતો.
પીડિત બેકરીમાં કામ કરતા હતા
મૃતકોમાંથી એકના કાકા એ પોશેટ્ટીએ જણાવ્યું હતું કે નિર્મલ જિલ્લાના સોન ગામના અષ્ટપુ પ્રેમસાગર (35) ની 11 એપ્રિલના રોજ તલવાર વડે હત્યા કરવામાં આવી હતી. આ કથિત ઘટના તે બેકરીમાં બની હતી જ્યાં પીડિતો કામ કરતા હતા. પોશેટ્ટીએ જણાવ્યું હતું કે પ્રેમસાગરના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો સામેલ છે. તેમના પરિવારના સભ્યોને આ અંગે જાણ કરવામાં આવી નથી.
તેમણે સરકારને મૃતદેહને ભારત લાવવામાં મદદ કરવા વિનંતી કરી. દરમિયાન, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે બીજા મૃતકનું નામ શ્રીનિવાસ હતું, જે નિઝામાબાદ જિલ્લાનો રહેવાસી હતો. જ્યારે બીજી બાજુ હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિની પત્ની ભવાનીએ નિઝામાબાદ જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમના પતિ સાગરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.