પંજાબમાં 105 કિગ્રા હેરોઈન સાથે બે ડ્રગ્સ પેડલરની ધરપકડ
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ
ચંડીગઢ: પંજાબ પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને અત્યાર સુધીમાં સૌથી વધુ હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ તુર્કી સ્થિત ડ્રગ્સ માફિયાના બે સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી પંજાબ પોલીસે રવિવારે આપી હતી.
પંજાબ પોલીસે તુર્કી સ્થિત દાણચોર નવપ્રીત સિંહ ઉર્ફે નવ ભુલ્લરના બે પેડલર નવજોત સિંહ અને લવપ્રીત કુમારની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ૧૦૫ કિગ્રા હેરોઈન, ૩૧.૯૩ કિગ્રા કેફીન એનહાઈડ્રસ, ૧૭ કિગ્રા ડીએમઆર, ૫ વિદેશી બનાવટની પિસ્તોલ અને ૧ દેશી કટ્ટો જપ્ત કરવામાં આવ્યો છે.
અમૃતસરની કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમને સૂચના મળી હતી કે, વિદેશી દાણચોર પાકિસ્તાન સમર્થિત ડ્રગ્સ રેકેટનું સંચાલન કરી રહ્યો છે. તેનો સહયોગી બાબા બકાલામાં એક ભાડાના મકાનમાં રહેતો હોવાની પણ જાણકારી પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને તેમની કાર સાથે ઝડપી લીધા હતા. કારમાં ૭ કિલો હેરોઈન મળી આવ્યું હતું.
પોલીસે આરોપીઓના નિવેદનોના આધારે ભાડાના મકાનમાંથી હથિયારો, કેફીન એનહાઈડ્રસ અને ડીએમઆર સાથે ૯૮ કિગ્રા હેરોઈન જપ્ત કર્યું હતું. પોલીસે કહ્યું કે, ડ્રગ્સના કન્સાઈનમેન્ટની દાણચોરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલા રૂટની તપાસ કરવામાં આવી રહી છે.