મહારાષ્ટ્રમાં કોંગ્રેસને લાગશે ઝટકો! બે ધારાસભ્યો એકનાથ શિંદેને મળવા પહોંચતાં અનેક તર્કવિતર્ક
Image Source: Twitter
Congress MLAs Meets Eknath Shinde: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે હવે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે. ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આ ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસ પાર્ટીના બે ધારાસભ્યોએ મંગળવારે મોડી રાત્રે સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. હવે તેમની આ મુલાકાત બાદ એવી અટકળોએ જોર પકડ્યું છે કે, આ બંને નેતા પક્ષપલટો કરી શકે છે. આ બંને ધારાસભ્યોના નામ હીરામન ખોસકર અને જિતેશ અંતાપુરકર છે. બંને સીએમના આવાસ વર્ષા બંગલો પર પહોંચ્યા હતા. બંનેએ મોડી રાત્રે સીએમ સાથે મુલાકાત કરી હતી. એક મહિના પહેલા યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના મતો વહેંચાઈ ગયા હતા.
ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો પર કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે, ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો પર કાર્યવાહી કરવામાં આવી છે. તેથી પાર્ટીઓ સંકેત આપ્યો છે કે, આ ધારાસભ્યોને આગામી ચૂંટણીમાં ટીકિટ નહીં મળશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બંને નેતા ટિકીટ કપાવાના ડરથી શિંદે સેનામાં જ એન્ટ્રી કરી શકે છે. જિતેશ અંતાપુરકર નાંદેડની ડેગલૂર બેઠક પરથી ધારાસભ્ય છે, જ્યારે હિરામન ખોસ્કર નાશિકની ઈગતપુરીથી ચૂંટાયા છે. અંતાપુરકરને ભાજપના સાંસદ અશોક ચવ્હાણના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ત્યારે અંતાપુરકરનું નામ ચર્ચામાં હતું. એવી ચર્ચા હતી કે, અંતાપુરકર પણ પાર્ટી છોડી દેશે.
બંને ધારાસભ્યોએ સ્પષ્ટતા આપી
જો કે, બંને ધારાસભ્યોએ આ અંગે સ્પષ્ટતા આપી છે અને કહ્યું કે, અમારી પક્ષપલટાની કોઈ યોજના નથી. અમે અમારા વિસ્તારો માટે મદદ માંગવા આવ્યા હતા. અંતાપુરકરે કહ્યું કે, અમે ઈ-પાક નિરીક્ષણ રિપોર્ટને લઈને મુખ્યમંત્રી શિંદે સાથે મુલાકાત કરી હતી. અંતાપુરકરે કહ્યું કે, 2023માં ભારે વરસાદ દરમિયાન ડેગલૂર અને બિલોરીમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. પરંતુ હજુ સુધી તેમને મદદ મળી નથી. તે માટે હું મુખ્યમંત્રીને મળ્યો હતો. કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયા મળે છે. આ સહાય નજીવી છે અને હજુ સુધી મળી નથી. અંતાપુરકરે કહ્યું, કે આ જ કારણોસર મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.
ઈગતપુરીના ધારાસભ્ય હીરામન ખોસકરે પણ શિંદે સાથે મુલાકાત અંગે જણાવ્યું છે. તેમણે કહ્યું કે ત્યાં બે કે ત્રણ વિદ્યાર્થીઓના કામ હતા. સમાજ કલ્યાણનું ખાતું મુખ્યમંત્રી પાસે છે. તેથી હું તેમને મળવા ગયો હતો. તેમણે શિંદે સેના સાથે જવાની ચર્ચા પર પણ જવાબ આપ્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, હું જ્યાં છું ત્યાં જ રહીશ અને 100 ટકા ટિકિટ મેળવીશ. તેમને પૂછવામાં આવ્યું કે શું તમારી પાર્ટીના વરિષ્ઠોને કોઈ ખ્યાલ છે કે, તમે શિંદે સાથે મુલાકાત કરશો. હું દરેક મંત્રી પાસે ફંડ માટે જાઉં છું. હું ડેપ્યુટી સીએમ અજિત પવાર પાસે પણ ગયો હતો.