ફરિદાબાદની ખાનગી શાળામાં ભીષણ આગ શિક્ષિકા અને તેના બે બાળકોનાં મોત

- ફાયર બ્રિગેડને પહોંચતા વાર લાગી હોવાની સ્થાનિકોની ફરિયાદ

- વેકેશન હોવાથી શાળા બંધ હતી, તેમાં રહેતી શિક્ષિકાનું કુટુંબ વિખરાયું

Updated: Jun 9th, 2019


Google NewsGoogle News
ફરિદાબાદની ખાનગી શાળામાં ભીષણ આગ શિક્ષિકા અને તેના બે બાળકોનાં મોત 1 - image


(પીટીઆઈ) ફરિદાબાદ, તા.8 જૂન, 2019, શનિવાર

ગત મહિને સુરતના ટયુશન ક્લાસમાં લાગેલી આગે મોટા ભાગના બાળકો સહિત ૨૨નો ભોગ લીધો હતો ત્યારે શનિવારે દિલ્હી પાસે ફરિદાબાદમાં આવેલી ખાનગી શાળામાં લાગેલી આગથી તે ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. ફરિદાબાદની ડુબુઆ કોલોનીમાં આવેલી ખાનગી શાળામાં આગ લાગતા બે બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે.

શાળાની નીચે આવેલી કપડાની વખારમાં ઓચિંતા જ કોઈ કારણસર આગ લાગી હતી જેથી સમગ્ર બિલ્ડિંગ આગના ભરડામાં આવી ગઈ હતી. સ્થાનિકોએ સુરતની ઘટનાની માફક જ ફરિદાબાદમાં પણ ફાયર બ્રિગેડ મોડી પહોંચી હોવાની ફરિયાદ કરી હતી. સાંકડી ગલીઓવાળા રસ્તાઓના કારણે ફાયર બ્રિગેડને ત્યાં પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. 

ઉનાળુ વેકેશનના કારણે શાળા બંધ હતી પરંતુ તેમાં ભણાવતી એક મહિલા પોતાના બે બાળકો સાથે ત્યાં જ રહેતી હોવાથી દુર્ઘટનાનો ભોગ બની હતી. પાડોશીઓએ આગની જ્વાળાઓનો ભોગ બનેલા તેમના શરીરને છાપરામાંથી બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ પહોંચાડયા હતા પરંતુ આખરે તેઓ મોતને ભેટયા હતા.

તેમને બચાવવાના પ્રયાસમાં અન્ય બે લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. સુરતની ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરની મિલિભગત સામે આવી હતી. આ ઉપરાંત ટયુશન ક્લાસની છત નીચી હતી અને બેસવા માટે ખુરશીઓને બદલે ટાયરો હોવાથી આગ વધારે વકરી હતી. 

ભારતમાં ઘણી વખત ફાયર સેફ્ટીની અવગણના કરવામાં આવે છે જે ભયંકર કરુણાંતિકાને નોતરે છે. સરકારી અહેવાલ મુજબ ૨૦૧૫ની સાલમાં આગના કારણે ૧૭,૦૦૦થી પણ વધારે લોકોના મોત થયા હતા. સુરતની ઘટનામાં મોટા ભાગના બાળકો સહિત ૨૨ લોકો મૃત્યુ પામ્યા હતા. અનેક બાળકોએ જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદકા મારવાનું જોખમ લીધું હતું જેથી ગંભીર રીતે ઘવાયા હતા અને મૃત્યુ પામ્યા હતા.


Google NewsGoogle News