અજીબો ગરીબ કિસ્સો- બે ભાઇઓ વચ્ચે થયો ઝગડો, વાત અંતિમ સંસ્કાર માટે પિતાની લાશના ટુકડા કરવા સુધી પહોંચી
પાંચ કલાક સુધી ચાલવાથી પિતાની લાશ રસ્તા પર પડી રહી હતી.
નશાની હાલતમાં હોવાથી શબના બે ટુકડા કરીને આપવાની વાત કરી
ઇન્દોર,૩ ફેબુ્આરી,૨૦૨૫,સોમવાર
મધ્યપ્રદેશના તિકમગઢમાં લાગણી શૂન્ય કરી દેતો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. પરિવારમાં મતભેદો અને ભાગલા થતા હોય છે પરંતુ પિતાના મૃત્યુ પછી મૃતદેહના પણ ભાગવા પાડવાની વિચિત્ર ઘટના બની છે. પિતાના મુત્યુ પછી અંતિમ સંસ્કાર માટે બે ભાઇઓ વચ્ચે મતભેદ પિતાની લાશના ભાગલા પાડવા સુધી પહોંચ્યા હતા. આ મતભેદ થોડીક મિનિટો માટેની નહીં પરંતુ પુરા પાંચ કલાક સુધી ચાલવાથી પિતાની લાશ રસ્તા પર પડી રહી હતી.જે લોકો આ વિવાદના સાક્ષી બન્યા તેમના માટે આ અત્યંત કમનસીબ અને પીડાદાયક હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવાર સવારે પ વાગે ધ્યાનીસિંહનું નિધન થયું હતું. ધ્યાનીસિંહનું નિધન થવાની સાથે જ તેમના બે પુત્ર કિશનસિંહ ઘોષ અને દામોદર ઘોષ વચ્ચે મતભેદ ઉભા થયા હતા. પરિવારના સભ્યો, સગા સંબંધીઓ અને આસપાસના લોકોએ ખૂબ સમજાવ્યા હતા પરંતુ કિશનસિંહ પોતાની જીદ પર રહયા હતા. શબને સડક પર પડેલું જોઇને ગ્રામીણોએ તરત જ હદમાં આવતા જતારા પોલીસ થાણામાં સમગ્ર વિગત જણાવીને પોલીસને જાણ કરી હતી.
પોલીસ માટે પણ આવો કિસ્સો પહેલીવાર ધ્યાનમાં આવ્યો હતો. બબાલ અને ઝગડો આગળ ના વધે તે માટે પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમજાવટથી મામલો શાંત પાડયો હતો. પિતાના અંતિમ સંસ્કાર પોલીસની હાજરીમાં સમ્પન થતા તર્ક વિર્તક થવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ધ્યાનીસિંહ ઉંમર વર્ષ ૮૪ પોતાના નાના પુત્ર દેશરાજ સાથે રહેતા હતા. રવિવારે લાંબી માંદગી બાદ અવસાન થતા મોટા ભાઇ કિશને અંતિમ સંસ્કાર કરવાની માંગણી કરતા મામલો બિચકયો હતો. કિશન નશાની હાલતમાં હોવાથી શબના બે ટુકડા કરીને આપવાની વાત કરી હતી. (ઇમેજ પ્રતિકાત્મક છે)