બે બોર્ડ પરીક્ષાઓ સિવાય NCFથી શું બદલાશે? શાળાના શિક્ષણમાં કેટલો બદલાવ આવશે, સમજો વિગતવાર
આ અભ્યાસક્રમ ફ્રેમવર્ક લગભગ 36 વર્ષથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલી શકે છે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF-2023) શરૂ કર્યું
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બે દિવસ પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP)ની અનુરૂપ શાળા શિક્ષણ માટે એક નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF-2023) શરૂ કર્યું છે. આ અભ્યાસક્રમ ફ્રેમવર્કની અસર માત્ર બોર્ડની પરીક્ષાઓ પર જ નહીં પરંતુ સમગ્ર શાળાના શિક્ષણ પર પડશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે (NCF-2023) શરૂ કર્યું
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF-2023) શરૂ કર્યું છે. આ અભ્યાસક્રમ ફ્રેમવર્ક લગભગ 36 વર્ષથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલી શકે છે. આ નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. અભ્યાસક્રમ ફ્રેમવર્કમાં ભારતમાં ધોરણ 1 થી 12 સુધી ઘણા મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે જેમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરશે, તેઓ શું શીખશે, તેઓ કેવી રીતે શીખશે, એસેમ્બલી કેવી હશે, બેગ પુસ્તકો કેવા હશે, વિદ્યાર્થીઓની પ્રતિભાનું મૂલ્યાંકન કેવી રીતે થશે. આવા ઘણા મોટા ફેરફારોની દરખાસ્ત કરવામાં આવી છે.
એસેમ્બલીથી લઈને યુનિફોર્મમાં થશે ફેરફાર
આ નવા અભ્યાસક્રમ ફ્રેમવર્કમાં શાળાના શિક્ષણમાં વિદ્યાર્થીઓને ઘણા વિષયો શીખવવા ઉપરાંત, વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ અને ધોરણ 12માં સેમેસ્ટર સિસ્ટમનો અમલ એ મહત્વના ફેરફારો છે. NCFમાં વર્ગખંડોમાં બાળકો માટે બેઠક વ્યવસ્થા, શાળાઓમાં એસેમ્બલી, યુનિફોર્મ, ભાષા અને સાંસ્કૃતિક જોડાણ જેવા અન્ય વિષયોમાં પણ ફેરફાર સામેલ છે. ઉદાહરણ તરીકે જો તમે વર્ગની બેઠક વ્યવસ્થા લો, તો NCFમાં, વર્ગોને ગોળાકાર આકાર અને અર્ધ-ગોળાકાર આકારમાં બેસવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, શાળાઓમાં એસેમ્બલીને ટેક્નિકલને બદલે મીનિંગફુલ બનાવવામાં આવશે. યુનિફોર્મમાં ફેરફાર વિશે વાત કરતાં, શાળાઓમાં સ્થાનિક હવામાન અનુસાર પરંપરાગત, આધુનિક અથવા લિંગ તટસ્થ યુનિફોર્મ પસંદ કરવાનો વિકલ્પ સામેલ છે.
ધોરણ 11 અને 12ની પરીક્ષાનો પ્લાન શું છે?
NCF મુજબ, માધ્યમિક તબક્કાને ચાર ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓએ કુલ 16 વિકલ્પ-આધારિત અભ્યાસક્રમો પૂર્ણ કરવાના હોય છે. સેકન્ડરી સ્ટેજને 9મા, 10મા, 11મા અને 12મા ક્લાસ એમ ચાર ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે. આ તબક્કામાં વિદ્યાર્થીઓએ 8-8 ગ્રુપમાં કુલ 16-16 પેપર આપવાના રહેશે. 11-12ના ભાગોને એક સાથે રાખવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓએ બે વર્ષ દરમિયાન 8 વિષયોમાંથી દરેક જૂથના બે વિષયો (16 વિષયો) અભ્યાસ કરવાના રહેશે. ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થી સામાજિક વિજ્ઞાન વિષયમાંથી ઈતિહાસ પસંદ કરે છે, તો તેણે ઈતિહાસના ચાર પેપર (અભ્યાસક્રમો) પૂરા કરવા પડશે.
નવા અભ્યાસક્રમ ફ્રેમવર્કથી આ વિશેષ ફેરફારો થશે
બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સ્કોર કરવાની મંજૂરી આપવામાં આવશે. ધોરણ 11,12માં વિષયોની પસંદગી માત્ર સ્ટ્રીમ સુધી મર્યાદિત રહેશે નહીં, વિદ્યાર્થીઓને પસંદગીમાં સુગમતા મળશે. 2024 શૈક્ષણિક સત્ર માટે પાઠયપુસ્તકો વિકસાવવામાં આવશે. પૂર્ણ વર્ગમાં પાઠ્યપુસ્તકોને 'કવર' કરવાની વર્તમાન પ્રથા ટાળવામાં આવશે. પાઠ્યપુસ્તકોની કિંમત પણ ધ્યાનમાં લેવામાં આવશે. શાળા બોર્ડ યોગ્ય સમયે 'ઓન ડિમાન્ડ' પરીક્ષાઓ આપવાની ક્ષમતા વિકસાવશે.
કેવી રહેશે સેમેસ્ટર સિસ્ટમ?
બંને વર્ષના અભ્યાસ અને પરીક્ષાઓ સેમેસ્ટર પદ્ધતિથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ તે જ સેમેસ્ટરમાં તેમની પસંદગીના વિષયને પૂર્ણ કરવાનો રહેશે. 16માંથી 8 વિષયોના પેપર પ્રથમ વર્ષમાં એટલે કે 11મા અને બાકીના 8 વિષયોના પેપર બીજા સેમેસ્ટર એટલે કે 12મા ધોરણમાં પૂર્ણ કરવાના રહેશે. તમામ 16 પેપર (કોર્સ) પૂર્ણ કર્યા પછી, તમને 12મા ધોરણનું પ્રમાણપત્ર મળશે. આ જ પેટર્ન 9મા અને 10માની પરીક્ષામાં પણ હશે.
ભારતીય શાળાકીય વ્યવસ્થા કેવી હશે?
નર્સરીથી ગ્રેડ 2માં ફાઉન્ડેશન સ્ટેજ 3થી 8 વર્ષની વયના બાળકો માટે છે. ગ્રેડ 3 થી 5માં પ્રાથમિક તબક્કો ત્રણ વર્ષ માટે છે અને તેમાં ગ્રેડ 3, 4 અને 5નો સમાવેશ થાય છે. ગ્રેડ 6થી 8માં મધ્યમ તબક્કો ત્રણ વર્ષ માટે છે અને ગ્રેડ 6, 7 અને 8નો સમાવેશ થાય છે. ગ્રેડ 9થી 12માં સેકન્ડરી સ્ટેજ ચાર વર્ષ માટે છે અને તેમાં ગ્રેડ 9, 10, 11 અને 12નો સમાવેશ થાય છે.
નવી શિક્ષણ નીતિમાં આપવામાં આવેલ 5+3+3+4 ફોર્મેટ શું છે?
નવી શિક્ષણ નીતિમાં 10+2 ફોર્મેટને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે તેને 10+2થી 5+3+3+4 ફોર્મેટમાં વહેંચવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે શાળાના પ્રથમ પાંચ વર્ષમાં પૂર્વ-પ્રાથમિક શાળાના ત્રણ વર્ષ અને ધોરણ 1 અને વર્ગ 2 સહિત ફાઉન્ડેશન સ્ટેજનો સમાવેશ થશે. ત્યારબાદ આગામી ત્રણ વર્ષને વર્ગ 3થી 5 માટે તૈયારીના તબક્કામાં વિભાજિત કરવામાં આવશે. આ પછી મધ્યમ તબક્કાના ત્રણ વર્ષ (વર્ગ 6 થી 8) અને માધ્યમિક તબક્કાના ચાર વર્ષ (વર્ગ 9થી 12) આવે છે. આ ઉપરાંત શાળાઓમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ સ્ટ્રીમનું ચુસ્તપણે પાલન નહીં થાય, વિદ્યાર્થીઓ હવે ગમે તે કોર્સ કરી શકશે.