Twitter CEO પરાગ અગ્રવાલે કંપની ભરતી પર મૂક્યો પ્રતિબંધ, 2 વરિષ્ઠ અધિકારીઓને કાઢી મૂક્યા
નવી દિલ્હી, તા. 13 મે 2022, શુક્રવાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે (Twitter CEO Parag Agrawal) કંપનીના 2 ટોચના અધિકારીઓને હટાવી દીધા છે અને કંપનીમાં નવી નિમણૂકો પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્વિટરે ગુરૂવારે આ અંગે પુષ્ટિ કરી હતી કે, 2 વરિષ્ઠ અધિકારીઓને હટાવી દેવાની પ્રક્રિયા આગળ વધી રહી છે અને કંપનીમાં મોટાભાગની ભરતી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહી ત્યારે થઈ છે જ્યારે એલોન મસ્ક (Elon Musk) આ વૈશ્વિક મેસેજિંગ પ્લેટફોર્મના નવા માલિક બનવા તરફ પ્રયાણ કર્યું છે.
ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપનીના સંશોધન, ડિઝાઈન અને એન્જિનિયરિંગ વિભાગનું નેતૃત્વ કરતા જનરલ મેનેજર કાયવાન બેકપોર અને પ્રોડક્ટ હેડ બ્રુસ ફાલ્ક બંને પદ છોડી રહ્યા છે.
આ દરમિયાન બેકપોરે કહ્યું હતું કે, તેમને સૈન ફ્રાંસિસ્કો સ્થિત ટેક કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, સત્ય એ છે ટ્વિટર છોડવાની કલ્પના ક્યારે અને કેવી રીતે થઈ મને ખબર નથી પરંતુ આ મારો નિર્ણય નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ટ્વિટરના પ્રમુખ પરાગ અગ્રવાલે મને તે જણાવ્યા બાદ મારૂં પદ છોડવાનું કહ્યું હતું કારણ કે, તે ટીમને અલગ દિશામાં લઈ જવા માંગે છે.
ટ્વિટરએ પણ પુષ્ટિ કરી છે કે, તે આ સપ્તાહમાં પ્રભાવી, વ્યવસાયિક મહત્વપૂર્ણ ભૂમિકાઓ સિવાય તમામ ભરતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટ્વિટર ખરીદવા માટે એલોન મસ્કના 44 અબજ ડોલરનો સોદોની જાહેરાત ગયા મહીને કરવામાં આવી હતી પરંતુ તેને હજુ પણ શેરધારકો અને નિયમનકારોના સમર્થનની જરૂર છે. આ સંપાદન 2022ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.