બે વખત ભૂલ કરી, હવે રાજદ સાથે ક્યારેય જોડાણ નહીં : નીતિશ કુમાર
- તેજસ્વી સાથે મુલાકાત પછી યુ-ટર્નની અટકળો જદયુએ ફગાવી
- એસસી એસટી અનામત સહિતના મુદ્દાઓ પર ભાજપથી અલગ વલણ અપનાવતા એનડીએમાં ભંગાણની અફવા ઊડી હતી
પટના : લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાણ કરીને પલટુરામ તરીકે કુખ્યાત થઈ ગયેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એક વખત પલટી મારીને રાજદ સાથે જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડયું છે. જોકે, નીતિશ કુમારે શુક્રવારે આ અટકળો પર વિરામ મૂકતા કહ્યું હતું કે, બે વખત ભૂલ કરી ચૂક્યા છીએ. હવે રાજદ સાથે ક્યારેય જોડાણ નહીં કરીએ.
જદયુ પ્રમુખ નીતિશ કુમારે ત્રણ દિવસ પહેલાં પટનામાં રાજદ નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. આ સાથે નીતિશ કુમાર ફરી એક વખત પલટી મારીને ભાજપનો સાથ છોડી રાજદ સાથે જોડાણ કરશે તેવી અટકળો થવા લાગી હતી.
આ પહેલાં જદયુએ એસસી એસટી અનામત, લેટરલ એન્ટ્રી સહિતના કેટલાક મુદ્દાઓ પર ભાજપથી અલગ વલણ અપનાવતા નીતિશ કુમારના છેડો ફાડવાની સંભાવનાઓ વધી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાતું હતું. જોકે, નીતિશ કુમારે શુક્રવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેઓ રાજદ સાથે ક્યારેય નહીં જાય. તેઓ બે વખત રાજદ સાથે ગયા હતા, જે તેમની સૌથી મોટી ભૂલ હતી. હવે અમે આ ભૂલ ક્યારેય નહીં કરીએ. ભાજપ સાથે મળીને બિહારમાં ખૂબ સારું કામ કર્યું છે.
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નીતિશ કુમારે અનેક વખત કહ્યું હતું કે તેઓ હવે ક્યારેય રાજદ સાથે નહીં જાય. હવે ચૂંટણી પછી પહેલી વખત નીતિશ કુમારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના બિહાર પ્રવાસ પછી આ નિવેદન કર્યું હતું.
નીતિશ કુમારના નિવેદન પછી તેજસ્વી યાદવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે નીતિશ કુમારે તેમની સામે ભોજનની થાળી આંચકી લીધી હતી. હવે આ જ નીતિશ કુમાર પીએમ મોદીના ચરણસ્પર્શ કરી રહ્યા છે. નીતિશ કુમારે પોતાને વિચારવાનું છે કે તેઓ શું કહેતા હતા અને શું કરી રહ્યા છે?