તિરુપતિ મંદિરના પરિસરમાં રાજકીય ભાષણો પર પ્રતિબંધ, પવિત્રતા જાળવવા મોટો નિર્ણય
Tirupati Temple: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)એ મંદિરની શાંતિ અને પવિત્રતા જાળવવા ભગવાન વેંકટેશ્વર મંદિર ખાતે રાજકીય અને નફરત ફેલાવતા ભાષણો પર પ્રતિબંધ મુક્યો છે. દર્શન અને પૂજા કર્યા પછી રાજકીય નેતાઓ સહિત કેટલીક વ્યક્તિઓ મીડિયા સામે રાજકીય અને ભડકાઉ ભાષણો આપતા હોવાની ફરિયાદ થઈ હતી. જેના કારણે તિરુમાલાની શાંતિ જોખમમાં મુકાતા આ પગલું લેવામાં આવ્યું હતું. ટીટીડીએ સ્પષ્ટતા કરી કે, ગોવિંદા જેવા સૂત્રોચ્ચારથી સર્જાતા દિવ્ય વાતાવરણ માટે જાણીતા આ મંદિરની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ.
ટીટીડીએ અપનાવ્યું કડક વલણ
મળતી માહિતી મુજબ, ટીટીડીએ કડક વલણ અપનાવતા કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. મંદિરની પવિત્રતા જાળવી રાખવા લોકોને સહયોગ આપવાની અપીલ કરી છે. મંદિર પ્રશાસને તમામ ઉલ્લંઘન કરનારને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે.
આ પણ વાંચોઃ શિંદેની ચાલમાં ભાજપ ફસાયું! એનું જ ઉદાહરણ આપી મહારાષ્ટ્રના CM પદનું કોકડું ગુંચવ્યું
અગાઉ ભેળસેળવાળા ઘીનો લાગ્યો હતો આરોપ
અગાઉ મંદિરની ઓળખ સમા લાડુના પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીના વપરાશના આરોપો બાબતે વિવાદ સર્જાયો હતો. આ દાવાએ વ્યાપક ચર્ચા જગાવી હતી તેમજ વિવિધ રાજકીય વર્તુળોમાંથી ટીકા પણ શરૂ થઈ હતી. દૈનિક સરેરાશ 60 હજાર ભક્તો જ્યાં આવે છે એવું આ મંદિર ધાર્મિક આસ્થા અને રાજકીય નિવેદનોનું કેન્દ્ર બની ગયું.
આ પણ વાંચોઃ 'તારું માથું વાઢી નાખીશું...' અજમેર દરગાહને શિવ મંદિર ગણાવનારા અરજદારને મળી ધમકી
નોંધનીય છે કે, જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અગાઉની વાય.એસ.જગન મોહન રેડ્ડી સરકાર પર પ્રાણીની ચરબીવાળું ઘી ખરીદવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારથી ઘી વિવાદ શરૂ થયો હતો. ટીડીપીએ પોતાના દાવાના સમર્થનમાં લેબના અહેવાલ પણ રજૂ કર્યા હતાં.