Get The App

શું ટ્રમ્પના રાજમાં અમેરિકનો દેશ છોડશે? ગૂગલ પર શોધે છે નવા દેશ, જુઓ કયા છે હોટ ફેવરિટ

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
શું ટ્રમ્પના રાજમાં અમેરિકનો દેશ છોડશે? ગૂગલ પર શોધે છે નવા દેશ, જુઓ કયા છે હોટ ફેવરિટ 1 - image


Donald Trump: અમેરિકાના પ્રમુખ તરીકેની સત્તા સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ એમનો કાર્યકાળ શરૂ થાય એ પહેલાં જ જાહેરાત કરી ચૂક્યા છે કે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા શરણાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે. એ તો થતાં થશે, પણ એ પહેલાં કોઈએ ન ધાર્યું હોય એવું ચલણ અમેરિકામાં જોવા મળી રહ્યું છે.

શું છે એ અણધાર્યું ચલણ? 

ટ્રમ્પને પસંદ નહીં કરનારો વર્ગ અમેરિકામાં બહુ મોટો છે. આ વર્ગ હાલ અમેરિકા છોડીને કોઈ બીજા દેશમાં વસી જવાનું વિચારી રહ્યો છે. ટ્રમ્પ સત્તામાં રહેશે એટલો સમય, એટલે કે ચાર વર્ષ માટે અમેરિકનો ક્યાંક બીજે આશ્રય લેવા માંગે છે. ભારતીયો સહિત આખી દુનિયાના લોકો બહેતર ભવિષ્ય અને જીવનશૈલીની આશામાં અમેરિકા જઈને વસી જવા ઈચ્છતા હોય છે ત્યારે અમેરિકનોનું આવું ‘ઉલ્ટી ગંગા’ જેવું વલણ નવાઈ પમાડે એવું છે.

Donald Trump

કઈ રીતે ખબર પડી આ ચલણની?

અમેરિકનોના આવા વલણ વિશેની જાણ ઇન્ટરનેટના ડેટા પરથી થઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીતની જાહેરાત થઈ ત્યારથી અમેરિકનો ઇન્ટરનેટ પર ‘અમેરિકાની બહાર કેવી રીતે જવું?’, ‘લાંબા સમયના વિઝા કયા દેશમાં મળી શકે?’, ‘વિદેશીઓને સરળતાથી કામ મળી રહે એવા દેશો કયા?’ એવું બધું લખીને સર્ચ કરી રહ્યા છે.

વળી, આવું કરનારા લોકોની સંખ્યામાં હજારોમાં છે. અગાઉ પણ આવું સર્ચ થતું જ હતું, પણ આ મુદ્દે ચૂંટણી પછી થયેલો વધારો 1500 ટકા જેટલો છે! ઈમિગ્રેશન સંબંધિત સર્ચમાં પણ 338 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ ઉપરાંત મહિનાની શરૂઆતમાં એક મીડિયા હાઉસે ચાર હજાર અમેરિકનો પર એક સર્વે કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે દર પાંચમાંથી એક અમેરિકન દેશ છોડી જવા વિશે વિચારી રહ્યો છે.

શું ટ્રમ્પના રાજમાં અમેરિકનો દેશ છોડશે? ગૂગલ પર શોધે છે નવા દેશ, જુઓ કયા છે હોટ ફેવરિટ 3 - image

આ દેશો તરફ નજર માંડી રહ્યા છે અમેરિકનો

ઈન્ટરનેટ સર્ચના ડૅટા કહે છે કે સૌથી વધુ તપાસ ન્યુઝીલેન્ડમાં સ્થાયી થવા બાબતે થઈ છે. એ ઉપરાંત અમેરિકનો યુ.કે., ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોમાં જવા ઇચ્છે છે. કેનેડા જવા ઈચ્છતા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. કેનેડા અને અમેરિકા વચ્ચે ઘણા સારા રાજદ્વારી સંબંધો હોવાથી અમેરિકન નાગરિકો માટે કેનેડામાં વર્ક વિઝા મેળવવું ખૂબ જ સરળ છે. બંને પડોશી દેશોની સંસ્કૃતિમાં પણ ખાસ્સી સમાનતા હોવાથી અમેરિકનો કેનેડા પર પસંદગી ઉતારે છે. 

સામાન્ય લોકો જ નહીં, સેલિબ્રિટીઓ પણ 

ફક્ત સામાન્ય લોકો જ નહીં, શેરોન સ્ટોન, અમેરિકા ફેરેરા, સોફી ટર્નર, ચેર, બિલી ઇલિશ, જિમી કિમેલ અને ઇવા લોંગોરિયા જેવી સેલિબ્રિટીઓ પણ ટ્રમ્પ-રાજમાં દેશ છોડી દેવાની ઈચ્છા જતાવી ચૂક્યા છે. મોટાભાગની સેલિબ્રિટીઓની પહેલી પસંદ લંડન છે, કેમ કે લંડનમાં પણ હોલિવુડની જેમ મનોરંજન ઉદ્યોગ ખાસ્સો વિકસિત છે.

આ પણ વાંચો : ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિ ભારતીયો માટે જોખમી સાબિત થશે, હજારો લોકોનો દેશનિકાલ થવાની શક્યતા

શા માટે આટલા બધા લોકો ટ્રમ્પને નાપસંદ કરે છે

ટ્રમ્પના બેજવાબદારીભર્યા નિવેદનો અને વર્તનને કારણે અમેરિકાનો મોટો વર્ગ તેમને નાપસંદ કરે છે. વર્ષ 2016માં ટ્રમ્પ પહેલીવાર અમેરિકાના પ્રમુખ બન્યા હતા ત્યારે પણ અમેરિકનો ડિપ્રેશનમાં આવી ગયા હતા અને વિવિધ સોશિયલ મીડિયા માધ્યમોમાં હતાશા વ્યક્ત કરી રહ્યા હતા. આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે. અમેરિકનોને લાગે છે કે ટ્રમ્પ જેવો તોછડો માણસ દુનિયા સામે અમેરિકાનું નીચાજોણું કરશે અને દુનિયાને ગમે ત્યારે વિશ્વયુદ્ધમાં ધકેલી દેશે. ગન્સ, ગર્ભપાત, ઈમિગ્રેશન અને સમલૈંગિકોના હકો જેવા મુદ્દે ટ્રમ્પ જે વિચારો ધરાવે છે એ અમેરિકનોને નથી ગમતાં.

શું ટ્રમ્પના રાજમાં અમેરિકનો દેશ છોડશે? ગૂગલ પર શોધે છે નવા દેશ, જુઓ કયા છે હોટ ફેવરિટ 4 - image

આ વર્ગના લોકોને છે સૌથી વધુ તકલીફ

ઉદારમતવાદી લોકો ટ્રમ્પથી સૌથી વધુ નારાજ છે. ટ્રમ્પ પર યૌન શોષણના અનેક કેસ ચાલી રહ્યા હોવાથી   મહિલાઓનો મોટો વર્ગ તેમને નાપસંદ કરે છે. LGBTQ સમુદાયના લોકો પણ ટ્રમ્પ-રાજમાં પોતાને સુરક્ષિત નથી માનતા. અન્ય દેશમાંથી જઈને અમેરિકામાં વસી ગયેલા લોકો પણ ટ્રમ્પની નીતિઓ પર ભરોસો નથી કરતા, કેમ કે તેમને ડર છે કે ગમે ત્યારે તેમને દેશનિકાલ કરવામાં આવશે.

બીજા દેશમાં વસવું અમેરિકનો માટે મુશ્કેલ નથી

અમેરિકાનો પાસપોર્ટ ઘણો પાવરફુલ હોવાથી અમેરિકનો માટે બીજા દેશના વિઝા મેળવવું સરળ છે. મોટાભાગના દેશો અમેરિકનોને લાંબા સમય સુધી અપનાવવા તૈયાર હોય છે. ઘણા દેશોમાં અમેરિકનોને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે, તો ઘણા ઓન અરાઈવલ વિઝાની સુવિધા આપે છે. અન્ય દેશના નાગરિકોની સરખામણીમાં અમેરિકનોને વર્ક પરમિટ પણ ઝડપથી મળી જાય છે.

આ પણ વાંચો : ટ્રમ્પની જીત બાદ અમેરિકામાં ગર્ભનિરોધક દવા માટે પડાપડી: વેચાણમાં 1000 ટકાનો વધારો, સ્ટોક ખતમ

દેશ છોડવાનું ચલણ નવું નથી

રાજકીય અસ્થિરતા અને રાજકીય મતભેદોને કારણે દેશ છોડવાનું ચલણ નવું નથી. બીજા વિશ્વયુદ્ધ પહેલા, દરમિયાન અને પછી યુરોપના ઘણા નાગરિકો તેમના દેશની નીતિઓથી અસહમત હોવાથી દેશ છોડી ગયા હતા. અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન પણ હજારો રશિયનો અને અમેરિકનો એમનો દેશ છોડીને અન્ય વધુ સલામત દેશોમાં વસી ગયા હતા. ટ્રમ્પ-રાજની દહેશતમાં ફરી એકવાર આવું ચલણ જોવા મળે, તો નવાઈ નહીં.  

શું ટ્રમ્પના રાજમાં અમેરિકનો દેશ છોડશે? ગૂગલ પર શોધે છે નવા દેશ, જુઓ કયા છે હોટ ફેવરિટ 5 - image


Google NewsGoogle News