ટ્રમ્પના ટેરિફ બોમ્બની અમેરિકાને પણ મોટાપાયે નુકસાનની આશંકા
- આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો દાવો
- અમેરિકન અર્થતંત્ર પર મંદી તરફ ધકેલાવાનું જોખમ અને તેની અસર સમગ્ર વિશ્વ પર પડવાની શક્યતા : અર્થશાસ્ત્રી રોઝનબર્ગ
નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે દુનિયાના ૬૦ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાંખવાની જાહેરાત કરી દીધી છે, જેમાં ભારત પર ૨૭ ટકા ડિસ્કાઉન્ટેડ ટેરીફ નાંખવામાં આવ્યો છે. જોકે, ટ્રમ્પનું આ પગલું અમેરિકન અર્થતંત્રને લાભ પહોંચાડવાના બદલે નુકસાન વધુ કરશે અને ભારત પર તેની નહીવત્ અસર થશે તેમ ટોચના અર્થશાસ્ત્રીઓમાંના એક રઘુરામ રાજને કહ્યું હતું. અમેરિકન અર્થશાસ્ત્રી ડેવિડ રોઝનબર્ગે કહ્યું કે, ટ્રમ્પના ટેરિફ અમેરિકન અર્થતંત્રને મંદી તરફ ધકેલી શકે છે અને તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બધા જ ટ્રેડિંગ પાર્ટનર્સથી આયાત પર ૧૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધીના વધારાની એડ-વેલોરમ ડયુટી નાંખવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, ટૂંકાગાળાને ધ્યાનમાં રાખીએ તો ટ્રમ્પના ટેરિફની અમેરિકન અર્થતંત્ર પર સૌથી વધુ વિપરિત અસર થશે. ફૂટબોલની ભાષામાં કહીએ તો આ એક સેલ્ફ ગોલ છે.
ટ્રમ્પના ટેરિફની ભારતની નિકાસ પર ટેરિફની સીધી અસરોની વાત કરીએ અમેરિકન ગ્રાહકો માટે ભાવ વધી જશે. તેનાથી માગ ઘટશે અને ભારતની આર્થિક વૃદ્ધિ પર અસર થશે. જોકે, હકીકતમાં અમેરિકાએ અન્ય દેશો પર પણ ટેરિફ નાંખ્યા છે તથા ભારત એ દેશોના ઉત્પાદનો સાથે પ્રતિસ્પર્ધા કરે છે એવામાં ભારત પર અસર ઓછી થશે, કારણ કે અમેરિકન ગ્રાહકો વિકલ્પ તરીકે બિન ટેરિફ ઉત્પાદકો પાસે જઈ શકશે નહીં.
રાજને ઉમેર્યું કે, ટ્રમ્પનો લાંબાગાળાનો આશય અમેરિકામાં ઉત્પાદન વધારવાનો છે, પરંતુ તે શક્ય થાય તો પણ તેમાં ઘણો સમય લાગશે. રેસિપ્રોકલ ટેરિફથી ભારતમાં મોંઘવારી વધવાની શક્યતા ઓછી છે, કારણ કે ભારત ઓછી નિકાસ કરે છે. ભારતીય અર્થથંત્રમાં સ્થાનિક માગનો હિસ્સો વધુ છે. ચીન જેવા અન્ય દેશો પણ અમેરિકાના બદલે ભારતમાં નિકાસ કરવાનું પસંદ કરશે. અમેરિકામાં રોઝનબર્ગ રિસર્ચના સ્થાપક અને મુખ્ય અર્થશાસ્ત્રી ડેવિડ રોઝનબર્ગનું માનવું છે કે ૨૦૨૫ના અંત સુધીમાં અમેરિકા મંદીમાં ધકેલાઈ શકે છે. રોઝનબર્ગ વૈશ્વિક અર્થતંત્ર અને નાણાકીય બજારો પર તેમના વિશ્લેષણ અને મંતવ્યો માટે જાણીતા છે. તેઓ મેરિલ લિંચના મુખ્ય અર્થશાસ્ત્રી પણ રહી ચૂક્યા છે.
નિષ્ણાતોના મતે યુએસ અર્થતંત્ર પહેલાથી જ નીચા વૃદ્ધિદરનો સામનો કરી રહ્યું હતુ. એક મહિના પહેલા જ, રોઝનબર્ગે આગાહી કરી હતી કે ૨૦૨૫માં યુએસ જીડીપી વૃદ્ધિ ૧ ટકા કરતા પણ ઓછી હોઈ શકે છે.
હવે ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલા કડક રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત સાથે આ ખતરો વધુ વધી ગયો છે. જો કોઈ દેશનો જીડીપી વૃદ્ધિ દર સતત બે ત્રિમાસિક ગાળામાં ઘટે છે, તો તે અર્થતંત્ર મંદીમાં હોવાનું માનવામાં આવે છે.
ટ્રમ્પે ટેરિફ નાંખ્યા બાદ હવે અન્ય દેશો પણ અમેરિકા સામે બદલો વાળવા ટેરિફ લાદી શકે છે, જેનાથી વૈશ્વિક વેપારને ગંભીર ફટકો પડશે. અમેરિકાના વેપારી ભાગીદારો ચીન, યુરોપ અને અન્ય દેશો પણ વળતા પ્રહારરૂપે નવા ટેરિફ અને વેપાર પ્રતિબંધો લાદી શકે છે.