ટ્રમ્પ ઈફેક્ટ : ભારતે રશિયા પાસેથી ઓઈલની આયાત ઘટાડી, યુરોપિયન થિંક ટેન્કનો દાવો
Donald Trump and India Oil business News | અમેરિકાના દબાણથી હોય કે પછી રશિયન કંપનીઓએ ડિસ્કાઉન્ટ ઘટાડયું એ કારણ હોય, પરંતુ ભારતે રશિયા પાસેથી ઓઈલની આયાત ઘટાડી છે. નવેમ્બર અને ડિસેમ્બર-2024ના મહિનાઓના આંકડાંનું એનાલિસિસ કરીને યુરોપિયન થિંક ટેંકે દાવો કર્યો કે રશિયાથી ક્રૂડની આયાત ઘટાડી છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં જે વાતચીત થઈ એમાં ભારત-અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઈલનો વેપાર વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે ને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ધીમે ધીમે બંધ કરે.
યુરોપિયન થિંક ટેંક સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના અહેવાલમાં દાવો થયો કે રશિયા-યુક્રેનના યુદ્ધ પછી સૌથી વધુ રશિયન ક્રૂડ ખરીદનારો ભારત ચીન પછી બીજો દેશ હતો. રશિયાના કુલ ઓઈલમાંથી 45-47 ટકા ચીન ખરીદે છે. 40થી 42 ટકા ભારત ખરીદે છે. ભારત કુલ જરૂરિયાતમાંથી 85 ટકા ઓઈલની આયાત કરે છે. ભારતે ડિસ્કાઉન્ટ કિંમતે ક્રૂડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું એ પછી છેક ગયા વર્ષે નવેમ્બરમાં પહેલી વખત આયાત ઘટી હતી. અમેરિકામાં ટ્રમ્પ જીતી જશે એવી પૂરી શક્યતા વચ્ચે નવેમ્બરમાં અમેરિકાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એ જ મહિને ભારતની રશિયન ક્રૂડની આયાતમાં માતબર 55 ટકાનો ઘટાડો થયો હતો. એટલે કે ભારત રશિયાના ક્રૂડની 40 ટકા આયાત કરતું હતું એના વિકલ્પે ભારતે સાઉદી અરબ અને ઈરાન પાસેથી વધુ ઓઈલ ખરીદ્યું હતું. ભારતે આયાત ઘટાડી એનાથી રશિયાની ક્રૂડની આવકમાં 17 ટકાનો માતબર ઘટાડો થયો હતો. નવેમ્બરમાં ભારતે સાઉદીમાંથી પ્રતિદિન 6.21લાખ બેરલ ક્રૂડની આયાત કરીને રશિયાના ક્રૂડની ખાદ્ય પૂરી કરી હતી.
ડિસેમ્બર-2024માં પણ આયાતમાં ઘટાડાનો સિલસિલો આગળ વધ્યો હતો ને 17 ટકા ઓછું ક્રૂડ ભારતે આયાત કર્યું હતું. ભારતે ડિસેમ્બરમાં દૈનિક 14.4 લાખ બેરલની આયાત કરી હતી. જે અગાઉ દૈનિક 17.8 લાખ બેરલની આયાત કરતાં ઓછી હતી. તેના બદલે ઈરાન પાસેથી ભારતે વધુ જથ્થો ખરીદ્યો હતો. ભારતે ડિસેમ્બરમાં ઈરાન પાસેથી ૧૨.૩ લાખ બેરલ પ્રતિદિન મંગાવ્યા હતા. અગાઉના મહિનાઓમાં આ સરેરાશ 8.9 લાખ બેરલની હતી.
દુનિયામાં અમેરિકા ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. અમેરિકન કંપનીઓનો ક્રૂડ ઓઈલની સપ્લાયમાં દબદબો છે. અમેરિકા ઈચ્છે છે કે પોતાની જરૂરિયાતમાંથી 85 ટકા જેટલો મોટો હિસ્સો આયાત કરતો ભારત જેવો ક્રૂડનો સૌથી મહત્ત્વનો આયાતકાર દેશ અમેરિકન કંપનીઓ પાસેથી ક્રૂડ ખરીદે તો અમેરિકાને મોટો આર્થિક લાભ થાય. ભારત દર વર્ષે ૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુના ઓઈલની જે આયાત કરે છે એ બધા જ કે પછી એમાંથી મોટો હિસ્સો અમેરિકામાં આવે એવી ટ્રમ્પની ગણતરી છે.
રશિયાએ ફેબુ્રઆરી-2022માં યુક્રેન પર હુમલો કર્યો તે પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે અમેરિકા પર ઘણાં પ્રતિબંધો મૂક્યા હતા. યુરોપિયન સંઘે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કર્યું હતું. એના વિકલ્પે રશિયાએ ભારત-ચીનને ડિસ્કાઉન્ટ કિંમતે ક્રૂડ આપવાનું શરૂ કર્યું હતું. બાઈડેન સરકારના વિરોધના ગણગણાટ વચ્ચે ભારતે મક્કમ રહીને ડિસ્કાઉન્ટ કિંમતે રશિયાથી ઓઈલ મંગાવવાનું શરૂ રાખ્યું હતું. યુએનના પ્રતિબંધ છતાં ભારતે એ તરફ ખાસ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે ટ્રમ્પના હાથમાં સત્તા આવી પછી ભારતનું વલણ બદલાયું છે. ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ વિભાગના સેક્રેટરી પંકજ જૈને તાજેતરમાં એક નિવેદન કર્યું કે ભારતને ઓઈલ આપતી રશિયન કંપનીઓ તેમના પર અમેરિકાનો પ્રતિબંધ નથી એ દર્શાવવું પડશે. જે શિપ પર પ્રતિબંધ હશે એની પાસેથી ઓઈલ ખરીદાશે નહીં. ભારત અત્યારે ચીન પછી રશિયન ઓઈલનો બીજા ક્રમનો આયાતકાર દેશ છે. એ જોતાં જો ભારત આ પ્રકારની ડિમાન્ડ કરશે તો રશિયાએ ક્રૂડના નિકાસ માટે નવા વિકલ્પો તલાશવા પડશે.
રશિયા પાસેથી ભારતને ઓઈલ સસ્તું પડતું હતું. રશિયા મોટું ડિસ્કાઉન્ટ આપતું હતું એટલે ભારતીય કંપનીઓ એ ઓઈલની અન્ય દેશોમાં નિકાસ કરીને કમાણી પણ કરતી હતી. સાઉદી અરેબિયા અને ઈરાન કે અમેરિકા એક બેરલના જે ભાવ લગાડતા હતા એનાથી રશિયન ક્રૂડ 25-30 ટકા સુધી સસ્તું પડતું હતું. તેના પરિણામે ભારતમાં પેટ્રોલિયમની કિંમતો અંકુશમાં પણ રહેતી હતી. હવે અમેરિકાનું ક્રૂડ ઓઈલ ભારતને મોંઘું પડશે. રશિયાને તો યુદ્ધના કારણે યુરોપની નિકાસ બંધ થઈ ગઈ એટલે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારતને ડિસ્કાઉન્ટ આપતું હતું. અમેરિકાને એવી કોઈ જરૂરિયાત નથી. માત્ર બિઝનેસ કરીને રોકડી કરવાનો એકમાત્ર હેતુ છે. તેના કારણે ભારતને સરવાળે અમેરિકન ઓઈલ બજાર ભાવે જ મળશે અને અન્ય દેશોમાં મોકલીને જે કમાણી થતી હતી એ પણ અટકી જશે.
અમેરિકા દુનિયાનો પ્રથમ ક્રમનો ઓઈલ ઉત્પાદક દેશ છે. વિશ્વની કુલ જરૂરિયાતમાંથી 14.5 ટકા હિસ્સો અમેરિકન કંપનીઓ પૂરો પાડે છે. અમેરિકા પછી બીજા ક્રમે રશિયા છે. વિશ્વની ક્રૂડની જરૂરિયાતનો ૧૩.૧ ટકા હિસ્સો રશિયા પૂરો પાડે છે. ભારત-ચીન રશિયા પાસેથી જે રીતે ક્રૂડ ઓઈલ ખરીદે છે એ જોતાં અમેરિકાને પોતાનું સ્થાન જોખમમાં લાગે છે. જો રશિયા ભારત અને ચીનને સતત આ રીતે જથ્થો મોકલે તો રશિયન કંપનીઓનો નફો અમેરિકન ઓઈલ કંપનીઓથી વધી જાય. અમેરિકા ચીનનું નાક દબાવી શકે તેમ નથી એટલે ભારતને એક નહીં તો બીજી રીતે પોતાનું ઓઈલ ખરીદવા મનાવે-સમજાવે છે.