Get The App

ટ્રમ્પનો વધુ એક અમેરિકા તરફી નિર્ણય! અબજો ડૉલરનું રોકાણ કરનાર કંપનીઓને આપી ઓફર

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પનો વધુ એક અમેરિકા તરફી નિર્ણય! અબજો ડૉલરનું રોકાણ કરનાર કંપનીઓને આપી  ઓફર 1 - image


Donald Trump News | પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં એક અબજ કે તેથી વધુનું રોકાણ કરનાર કંપનીઓને સંપૂર્ણપણે ઝડપી મંજૂરીઓ અને પરમિટોની ઓફરની યોજનાઓ જાહેર કરી છે. ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરાયેલી આ જાહેરાતમાં નેશનલ એન્વાયર્નમેન્ટલ પોલિસી એક્ટ (એનઈપીએ) હેઠળ ઝડપી મંજૂરીઓ સામેલ છે જે પ્રક્રિયામાં થતા વિલંબને કારણે ઘણીવાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી પ્રોજેક્ટ ખોરંભે ચડયા હતા. ટ્રમ્પના પ્રસ્તાવને અનેક કંપનીઓએ આવકાર્યો હતો પણ દેશની પર્યાવરણવાદી સંસ્થાઓએ તેનો ભારે વિરોધ કર્યો છે.

આ પહેલનો હેતુ દેશમાં અબજ ડોલરના સાહસોને આકર્ષવાનો છે, ખાસ કરીને તેને કુદરતી ગેસ પાઈપલાઈન, સોલાર ફાર્મ, પવન ઊર્જા અને નિકાસ ટર્મિનલો જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. યોગ્યતા વિશેની વિગતો હજી જાહેર નથી કરાઈ, પણ નોકરશાહીના અવરોધો પસાર કરવા ઈચ્છતી કંપનીઓને આ પ્રસ્તાવ આકર્ષશે એવું માનવામાં આવે છે. નોંધનીય છે કે  ટેસલાના સીઈઓ એલન મસ્કે આ યોજનાનું સમર્થન કરીને તેને અદ્ભુત ગણાવી છે. ઉલ્લેખનીય છે કે ટેસલાના અનેક પ્રોજેક્ટ પર પર્યાવરણના નિયમોનો ભંગ કરવાનો આરોપ લાગ્યો છે.

ટ્રમ્પની નીતિની જો કે આલોચકોએ ટીકા કરતા દલીલ કરી છે કે તેનાથી પર્યાવરણની સુરક્ષા જોખમાશે. એવરગ્રીન એક્શન એન્ડ ધી નેચરલ રિસોર્સીસ ડીફેન્સ કાઉન્સિલ (એનઆરડીસી) જેવી સંસ્થાઓેએ આ પગલાની ટીકા કરતા તેને એનઈપીએના ઉલ્લંઘન સમાન ગણાવી હતી. સંસ્થાએ ટ્રમ્પની ટીકા કરતા જણાવ્યું કે તેઓ પર્યાવરણ અને જાહેર કલ્યાણના સ્થાને કંપનીઓનું હિત જોઈ રહ્યા છે. તેમણે આ યોજનાને ગેરકાયદે અને અમેરિકાના ઊર્જા ક્ષેત્ર માટે નુકસાનકારક ગણાવી છે.

વિવેચકોએ ઝડપથી અપાતી મંજૂરીના સંભવિત દુરુપયોગ સામે પણ આંગળી ચીંધી છે.  એનઆરડીસીએ ચેતવણી આપી છે કે આવી નીતિઓથી નુકસાન પણ થઈ શકે છે. તેમણે માર-એ-લાગો અથવા બેડમિન્સટર ગોલ્ફ ક્લબ જેવી ટ્રમ્પની માલિકીની મિલકતો નજીક આવા વિવાદાસ્પદ પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે તો તેની શું અસર થાય તેના વિશે સવાલ ઊભા કર્યા હતા.

ટ્રમ્પના પ્રસ્તાવોમાં આર્થિક પ્રોત્સાહનો અને પર્યાવરણીય નિયમો વચ્ચેનો તણાવ સ્પષ્ટ થાય છે. એક તરફ આવી યોજનાઓ કંપનીઓને અમેરિકામાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે, તો તેના વળતા નુકસાન પણ આર્થિક લાભો માટે પર્યાવરણ અને જાહેર જનતાના હિતો સાથે સમાધાન થવાના ભય સર્જે છે. 

અનેક સંસ્થાઓએ આરોપ કર્યો છે કે ટ્રમ્પે સૌથી વધુ બિડરને દેશ વેંચી નાખવા કાઢ્યો છે. તેમના મતે પ્રદુષણ કરનારા અને વિશેષ હિતો ધરાવનારાના હાથમાં લગામ સોંપવાના આ નિર્ણયથી અમેરિકન નાગરિકોએ પ્રદુષણ, ફુગાવો અને ઊર્જાની અછતનો સામનો કરવો પડશે.


Google NewsGoogle News