ગાઝા માટે ટ્રમ્પે 5 પોઇન્ટનો પ્લાન કર્યો તૈયાર, કબજો કર્યા બાદ શું કરશે અમેરિકા થયું જાહેર
Donald Trump's Plan For Gaza: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. ગાઝા સીઝફાયર વચ્ચે તેમણે વોશિંગ્ટન પહોંચીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે મુખ્ય મુદ્દો ગાઝા રહ્યો હતો. પરંતુ હવે ટ્રમ્પે એ કહીને બધાને ચોંકાવી દીધા કે અમેરિકા ગાઝા પર કબજો કરશે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગાઝા અંગેના એક રોડમેપ વિશે વાત કરી. ટ્રમ્પનું કહેવું છે કે, અમે ગાઝા પટ્ટીને અમારા અધિકારક્ષેત્રમાં લઈશું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ માટે અમેરિકન સેનાની મદદ લેવામાં આવશે? આના પર ટ્રમ્પે કહ્યું કે, આ વાતનો ઇન્કાર ન કરી શકાય. અમે સંભવિત રૂપે અમેરિકન સેનાની મદદ લઈશું.
ગાઝા માટે ટ્રમ્પે 5 પોઇન્ટનો પ્લાન કર્યો તૈયાર
ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત બાદ પ્રેસને સંબોધતા ટ્રમ્પે ફરી એકવાર ગાઝા પટ્ટી ખાલી કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'પેલેસ્ટિનિયનોએ ગાઝા પટ્ટી ખાલી કરવી પડશે. તેમણે ઈજિપ્ત, જોર્ડન અને અન્ય દેશોમાં કાયમી સ્થાયી થઈ જવું જોઈએ. હવે ગાઝા રહેવા યોગ્ય નથી રહ્યું. તેઓ ત્યાં નરકની જેમ રહી રહ્યા છે. પેલેસ્ટિનિયનો ગાઝાના ભવિષ્યમાં નથી.'
ટ્રમ્પે કહ્યું કે 'મેં ઘણા મહિનાઓથી ગાઝાની સ્ટડી કરી છે. મેં તેની ખૂબ જ બારીકાઈથી સ્ટડી કરી છે. ગાઝામાં પેલેસ્ટિનિયનો પાસે કોઈ વિકલ્પ નથી. તેમની પાસે શું છે? ત્યાં માત્ર કાટમાળ છે. પેલેસ્ટિનિયનોએ ગાઝાને બદલે કોઈ સુંદર સ્થાને સ્થળાંતર કરી લેવું જોઈએ. અમે ગાઝા પર નિયંત્રણ મેળવીને ત્યાંના બધા ખતરનાક, ન ફૂટેલા બોમ્બ અને અન્ય હથિયારોનો નાશ કરવાથી લઈને સ્થળને સમતળ કરવા અને નષ્ટ થયેલી ઇમારતોનો કાટમાળ હટાવવાની જવાબદારી લઈશું.' ગાઝાને ખાલી કરાવ્યા બાદ અહીં પુનર્નિર્માણ કાર્ય જોરશોરથી હાથ ધરવામાં આવશે. અમે ગાઝાને Riviera of Middle Eastમાં પરિવર્તિત કરીશું.
ગાઝા વિશ્વભરના લોકોનું ઘર બની શકે
ટ્રમ્પે આગળ કહ્યું કે, આ નિર્ણય સંપૂર્ણ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આ બ્લુપ્રિન્ટ વિશે મેં જેમની સાથે પણ વાત કરી છે તેમને તે પસંદ આવી છે. ગાઝા પર અમેરિકન કબજા પછી઼ આ વિસ્તારનું પુનઃનિર્માણ કરવામાં આવશે અને પછી અહીં હજારો રોજગારની તકો પૂરી પાડીને તેનો વિકાસ કરવામાં આવશે. ગાઝા વિશ્વભરના લોકોનું ઘર બની શકે છે. અમે ગાઝાને મિડલ ઇસ્ટનો રિવેરા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. રિવેરા વાસ્તવમાં ઈટાલિયન શબ્દ છે, જેનો અર્થ કોસ્ટલાઇન એટલે કે દરિયાકિનારો થાય છે. ફ્રેન્ચ રિવેરા અને ઇટાલિયન રિવેરા સમગ્ર વિશ્વમાં પોતાના પર્યટન માટે પ્રખ્યાત છે. એવી જ રીતે ટ્રમ્પ ગાઝાને પર્યટન હબ તરીકે વિકસાવવા માગે છે.
હમાસનો ખાતમો
ટ્રમ્પે કહ્યું કે, ઇઝરાયલ પર હમાસના હુમલાએ ઘણા નિર્દોષ લોકોના જીવ લીધા છે. આજે પેલેસ્ટિનિયનોએ જે કિંમત ચૂકવી છે તેના માટે હમાસ જવાબદાર છે. આવી સ્થિતિમાં ગાઝાને આતંકથી મુક્ત કરાવવું પડશે. આ માટે ગાઝા ખાલી કરાવવું જરૂરી છે.
ઈરાન પણ ટ્રમ્પના હિટ લિસ્ટમાં
અમેરિકન પ્રમુખે ગાઝા અંગેની 5-પોઇન્ટ બ્લુપ્રિન્ટમાં ઈરાન પણ સામેલ છે. ટ્રમ્પે ચેતવણી આપી કે, જો ઈરાન મને મારવાનો પ્રયાસ કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે મેં મારા સલાહકારોને નિર્દેશ આપ્યો છે કે જો ઈરાન હુમલો કરે તો તેને તબાહ કરી દેવું. ટ્રમ્પે ઈરાનની કમર તોડવા માટે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા છે જેમાં અમેરિકન સરકારને ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનું કહેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલ પહેલા ક્યારેય આટલું શક્તિશાળી નહોતું જ્યારે ઈરાન ક્યારેય આટલું નબળું નહોતું. મેં પ્રમુખ ટ્રમ્પ સાથે આપણા પ્રદેશમાં શાંતિ લાવવા અને આપણા ભવિષ્યને બચાવવા અંગે ચર્ચા કરી. ગાઝામાં ઇઝરાયલના ત્રણ ઉદ્દેશ્યો છે: પહેલું, હમાસનો સંપૂર્ણ ખાતમો. બીજું, આપણે આપણા તમામ બંધકોને મુક્ત કરાવવાની ખાતરી કરવી પડશે અને ત્રીજું, ગાઝા ફરી ક્યારેય ઈઝરાયલ માટે ખતરો ન બનવું જોઈએ.