Explainer: ગેરકાયદે ભારતીયોને ટ્રમ્પે આખરે તગેડી મૂક્યા, જાણો ‘ડંકી રુટ’ પરથી કેવી રીતે અમેરિકામાં ઘૂસણખોરી થાય છે
Trump Finally Deports Illegal Indians: અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા સમૃદ્ધ દેશોમાં ભારતીયો દ્વારા થતી ગેરકાયદે ઘૂસણખોરી કંઈ આજકાલની વાત નથી. એજન્ટોને લાખો રૂપિયા ખવડાવીને સરહદ પાર કરી જનાર લોકોની હવે ખેર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બીજી ઈનિંગમાં આવા ઘૂસણખોરો પર કરડી ચાબુક વીંઝી છે, જેના પરિણામ સ્વરૂપ આજ રોજ અમેરિકાના ટેક્સાસ શહેરથી 104 ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને આર્મી પ્લેન અમૃતસર આવી ગયું છે.
બહેતર ભવિષ્યની લાયમાં ઘૂસણખોરી તો કરી, પણ…
ભારત પરત મોકલાવાઈ રહેલા આ તમામ લોકો બહેતર ભવિષ્યની લાયમાં ‘ડંકી રુટ’ મારફતે અમેરિકા પહોંચ્યા હતા. ફ્લાઈટમાં આવી રહેલા લોકો પંજાબ-ગુુુુુજરાત અને હરિયાણાના સૌથી વધુ છે. લાખો રૂપિયા ખર્ચીને ગયેલા આ લોકો ખાલી હાથે સ્વદેશ પાછા આવી ગયા છે.
અમેરિકાએ કહ્યું- આ તો હજુ શરૂઆત છે
આ મુદ્દે અમેરિકાએ કહ્યું છે કે, આ તો હજુ શરૂઆત છે, આગામી સમયમાં ક્યાંય વધુ ભારતીયોને અમેરિકામાંથી તગેડી મૂકવામાં આવશે. અમેરિકન સરકારના ચોપડે ચઢેલા ઘૂસણખોરોની સંખ્યા હાલમાં લગભગ 18,000 જેટલી છે, જેમાંના 5000 ભારતીયોને તાત્કાલિક ધોરણે પાછા મોકલવામાં આવશે. બાકીનાનો વારો એ પછી આવશે.
ભારત સરકારે શું કહ્યું?
નવેમ્બર 2024 માં અમેરિકાએ ત્યાં ગેરકાયદે રહેતા 18,000 ભારતીયોનું લિસ્ટ રજૂ કરીને તેમને ભારત મોકલી આપવાની વાત કરી હતી, જેના જવાબમાં ભારત સરકારે તેમને પરત લેવાની તૈયારી બતાવી હતી. ભારત સરકારે કહ્યું હતું કે, ભારત ગેરકાયદે ઈમિગ્રેશનનો સખત વિરોધ કરે છે.
કોણ છે આ 205 લોકો?
આજે ભારત પરત મોકલાઈ રહેલા 105 લોકોની ઓળખ છતી કરાઈ નથી. NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી), પોલીસ ખાતું અને ગૃહ મંત્રાલય બધા આ મુદ્દે એલર્ટ મોડ પર છે, કારણ કે પાછા ફરી રહેલા લોકો પૈકી અમુક રીઢો ગુનેગારો પણ હોઈ શકે છે.
આ ગુનેગારોનું શું કરાશે?
પોલીસને એવી આશા છે કે એમાંના ઘણાં એવા ગુનેગાર પણ હોઈ શકે છે, જેમના પ્રત્યાર્પણ માટે ભારત દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. એ લોકો આવે પછી જ બધાની ઓળખ શક્ય બનશે. આ બાબતે પંજાબના ડીજીપી ગૌરવ યાદવે કહ્યું છે કે, સરકાર પરત ફરનારાઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ વલણ જાળવશે. જોકે, ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
શું છે ડંકી રુટ?
ડંકી રુટ શબ્દ પંજાબી ભાષામાંથી આવ્યો છે. પંજાબીમાં ‘ડંકી’નો અર્થ થાય છે ‘કૂદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું’. બીજા દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતી વખતે પણ સીધે રસ્તે જવાને બદલે એક દેશમાંથી બીજા દેશમાં અને બીજાથી ત્રીજામાં, એમ કૂદી-કૂદીને જવાનું હોવાથી એના માટે ‘ડંકી રુટ’ શબ્દ જામી ગયો છે. આ માટે ‘ડોન્કી રુટ’ (ગધેડા માર્ગ) શબ્દ પણ વપરાય છે.
ભારતના આ રાજ્યો ડંકી રુટથી જવામાં સૌથી આગળ
ભારતના પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા રાજ્યોના લોકો ડંકી રુટ લેવામાં સૌથી આગળ છે. એ પછી કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના લોકોનો નંબર આવે છે. ઘણી વખત આ માર્ગનો લાભ લઈને ગંભીર ગુના કરનારા લોકો પણ ભારત છોડીને ભાગી જાય છે.
કઈ રીતે કામ કરે છે આ રુટ?
સમૃદ્ધ દેશોમાં ગેરકાયદે ઘૂસ મારવા લોકો ટ્રાવેલ એજન્ટની મદદ લે છે; ઘર, સંપત્તિ, જમીન વેચીને લાખો રૂપિયા ચૂકવે છે. એજન્ટ રેસિડન્સી પરમિટ અને ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી આપે છે. દરિયાઈ જહાજોમાં અથવા પ્લેનમાં બેસાડીને લોકોને ગ્વાટેમાલા અને નિકારાગુઆ જેવા મધ્ય અમેરિકી દેશોમાં પહોંચાડવામાં આવે છે. ત્યાંથી પછી તેમને સરહદ પાર કરાવનારા એજન્ટોને સોંપી દેવામાં આવે છે. એવા એજન્ટો લોકોને મેક્સિકો પાર કરાવીને અમેરિકન બોર્ડર પર છોડી દે છે. પછી લોકોએ પોતાના જોખમે સરહદ પાર કરીને અમેરિકામાં ઘૂસવાનું હોય છે. પકડાયા તો ગોળી ખાઈને મરવું પણ પડે અથવા તો પછી જેલમાં સબડવું પડે. લાંબે ગાળે ભારત પરત..!
ટ્રમ્પના આકરા વલણે ફરક તો પાડ્યો, છતાં…
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે લોકોને દેશનિકાલ કરવા તત્પર જણાતા છેલ્લા થોડા મહિનાથી ભારતીયોનો ‘ડંકી રુટ’ પ્રત્યેનો મોહ ઘટ્યો તો છે, પણ સાવ શૂન્ય નથી થયો. આ પ્રવૃત્તિ હજુ પણ સંપૂર્ણપણે બંધ થઈ નથી. લોકો હજુ પણ એજન્ટોને પકડીને પૂછપરછ કરતા રહે છે.