મહિને પાંચથી દસ લાખ કમાય છે આ ટ્રક ડ્રાઈવર, શું કરે છે એ જાણીને તમને પણ આશ્ચર્ય થશે
Truck Driver Rajesh Rawani Success Story: ઝારખંડના ટ્રક ડ્રાઈવર રાજેશ રવાણીએ સખત મહેનત અને જુસ્સાથી પોતાનું નસીબ બદલી નાખ્યું છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ટ્રક ચલાવી રહ્યા છે. ટ્રક ડ્રાઇવિંગની સાથે રાજેશ રવાણીને રસોઈ બનાવવાનો પણ શોખ છે. જેના કારણે તે દેશભરમાં ફેમસ વ્લોગર કે યુ-ટ્યૂબર તરીકે જાણીતા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, રાજેશ આજે મહિને પાંચથી દસ લાખ કમાય છે. તેમની 'R Rajesh Vlogs'નામની યુટ્યુબ ચેનલ છે, જેમાં 1.87 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. તે યુટ્યુબ દ્વારા લોકો રૂપિયા કમાઈ રહ્યા છે.
તો ચાલો જાણીએ આ સફળતા પાછળના તેમના સંઘર્ષ વિશે...
રાજેશ રવાણીએ યૂટ્યુબ ચેનલ કેવી રીતે શરૂ કરી?
એક ઈન્ટરવ્યૂમાં રાજેશ રવાણી જણાવે છે કે, 'ટ્રક ચલાવતી વખતે મેં જ્યાં પણ સુંદર સ્થળો જોયા, હું મારા પરિવારને તે જણાવવા માટે તે સ્થળોનો વીડિયો બનાવતો હતો. મારા બંને પુત્રે મને કહ્યા વગર તે વીડિયો યુટ્યુબ પર મુકી દીધા. પછી તેને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. મને ત્યારે આ વિશે ખબર નહોતી. જ્યારે પરિવારના સભ્યોએ વીડિયો માંગવાનું શરૂ કર્યું ત્યારે મને આશ્ચર્ય થયું. આમ છતાં તે મારા માટે શક્ય ન હતું. ત્યારબાદ મારો પુત્ર સાગર મારી સાથે ટ્રકમાં મુસાફરી કરવા લાગ્યો અને હું હાઈ વે પર રસોઈ બનાવું, તેના વીડિયો બનાવવા લાગ્યો. ત્યારથી શરૂ થયેલી સફર હજુ પણ ચાલુ છે.'
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં થશે પરિવર્તન, સ્ક્વેરની જગ્યાએ હવે વર્ટિકલ ફોટો અપલોડ થઈ શકશે
સંઘર્ષના એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે કે 'મારી માતા પાડોશીઓ પાસેથી 20 રૂપિયા ઉછીના લેતી અને બજારમાંથી શાકભાજી લાવતી. અકસ્માતમાં મારો હાથ તૂટી ગયો હતો. ડોક્ટરોએ ત્રણ મહિના માટે બેડ રેસ્ટ માટે કહ્યું હતું પરંતુ તે શક્ય ન બન્યું. તેથી જ્યાં સુધી મારું શરીર મને સાથ આપશે ત્યાં સુધી હું ટ્રક ચલાવતો રહીશ.'
પરિવારના સહયોગ વિના આ અશક્ય
રાજેશ રવાણી પરિવાર વિશે કહે છે કે 'ટ્રક ચલાવવી અને ત્યારે વીડિયો પણ બનાવવા, તે પરિવારના સહકાર વિના શક્ય નથી. મારા દીકરા વીડિયો શૂટિંગથી લઈને એડિટિંગ સુધીનું કામ કરે છે.'
આ દરમિયાન પોતાના જીવન વિશે વાત કરતા તેઓ કહે છે કે 'મારો જન્મ ઝારખંડમાં થયો હતો. મારા પિતા પણ ટ્રક ડ્રાઈવર હતા. મેં 25 વર્ષ પહેલા ટ્રક ચલાવવાની શરૂઆત કરી હતી. મારા પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. હું મિકેનિક હતો. પરિવારનું ભરણપોષણ કરવા માટે ટ્રક ડ્રાઇવિંગ શરૂ કર્યું હતું.'
ટ્રકમાં રસોઈ બનાવવાનો પર રાજેશે જણાવ્યું હતું કે, 'ટ્રક ડ્રાઈવરને ખબર હોય છે કે દરેક રૂટ પર ક્યાં ક્યાં ભોજનની સમસ્યા છે. તહેવાર કે અન્ય કોઈપણ સમયે ડ્રાઈવરો હંમેશા ઘરની બહાર રહે છે. આવી સ્થિતિમાં અમે સાથે મળીને ભોજન બનાવીએ છીએ. અમે ટ્રકમાં ભોજન બનાવવાની સામગ્રી લઈ જઈએ છીએ. લોકો ખાસ કરીને ફૂડ વીડિયો જોવાનું જ પસંદ કરે છે.'
ત્રણ વર્ષમાં કેટલી કમાણી કરી?
કમાણી વિશે વાત કરતા રાજેશ રવાણી કહે છે કે, 'હું જાન્યુઆરી 2021માં યુટ્યુબમાં જોડાયો હતો. 12 લાખની કિંમતની મેં ટ્રક ખરીદી છે. નવું ઘર બનાવવા માટે પણ યુટ્યૂબની કમાણી મદદરૂપ થઈ રહી છે. ટ્રકની કમાણીમાંથી હપ્તા ભરું છું. સાગર, સૌરભ અને શુભમ એમ ત્રણ પુત્રો છે, તેમને સારું જીવન આપી શક્યો છું. અત્યાર સુધી અમે રૂ. 6 કરોડની કમાણી કરી છે. આમ, યુટ્યુબથી દર મહિને 5-10 લાખ રૂપિયાની કમાણી થાય છે.'