તમારા સંતાનો તો નશાખોરીના રવાડે નથી ચડ્યાને, 828 વિદ્યાર્થી HIV પોઝિટિવ હોવા પાછળ આ કારણ પણ જવાબદાર!
સમાચારોમાં ઝાઝું નહીં ચમકતું ભારતનું નાનકડું રાજ્ય ત્રિપુરા હાલમાં ચર્ચાના ચકડોળે ચઢ્યું છે. કારણ છે ત્રિપુરામાં એચઆઈવી(HIV)ને કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ. એય બે-ચાર નહીં પૂરા 47 વિદ્યાર્થીઓ એચઆઈવીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. એટલું જ નહીં, ત્યાં અત્યાર સુધીમાં 828 HIV પોઝિટિવ વિદ્યાર્થીઓ મળી આવ્યા છે. ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS) દ્વારા કહેવાયું છે કે 828 એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી 572 હજુ જીવિત છે.
કયા કારણે ફેલાયો છે વિદ્યાર્થીઓમાં HIV?
ત્રિપુરામાં વિદ્યાર્થીઓમાં વકરેલા HIVના પ્રમાણનું મુખ્ય કારણ છે ડ્રગ્સ. કોલેજિયન વિદ્યાર્થીઓ તો ઠીક ત્યાં તો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે. સ્કૂલો અને કોલેજોમાં ડ્રગ્સ સરળતાથી મળી રહે છે. એક જ ઇન્જેક્શનમાં ડ્રગ્સ ભરીને વારાફરતી એકથી વધુ વિદ્યાર્થીઓ એ ઇન્જેક્શન પોતાના શરીરમાં ખોસતા હોય છે. જેને લીધે એ ઇન્જેક્શનની સીરિંજ પર ચોંટેલા લોહીમાં રહેલા HIV વાયરસને ફાવતું મળી જાય છે અને એકીસમયે એને એકથી વધુ નવા શિકાર મળી જાય છે. અફસોસની વાત એ કે મોંઘા ડ્રગ્સ માટે હજારો ખર્ચનારા વિદ્યાર્થીઓ સસ્તા અને સુલભ એવા ઇન્જેક્શન સહિયારી ઢબે વાપરે છે, જે એમને HIVની ગર્તામાં ધકેલી દે છે. ડ્રગ્સના ભાવ ધનિક વર્ગના વિદ્યાર્થીઓને જ પોસાય એવા હોવાથી એના થકી ફેલાઈ રહેલા HIV નામના રાક્ષસનો ભોગ પણ મોટેભાગે પૈસાદાર ઘરના સંતાનો જ બની રહ્યા છે.
સરહદપારથી પગપેસારો કરતું દૂષણઃ કયો દેશ છે અસલી ગુનેગાર?
મિઝોરમ સાથે ત્રિપુરા વચ્ચે 107 કિમી લાંબી સરહદ છે. એ સરહદ વટોળીને મિઝોરમમાંથી ત્રિપુરામાં ડ્રગ્સ ઘૂસાડાય છે. પણ સાચું ગુનેગાર મિઝોરમ નથી. અસલી વિલનપાઠ ભજવે છે પડોશી દેશ મ્યાનમાર. મ્યાનમારમાં ઉત્પાદન થતું ડ્રગ્સ મિઝોરમ મોકલાય છે અને ત્યાંથી ત્રિપુરામાં પહોંચાડાય છે. સરહદ પર મોટેભાગે હેરોઈનની દાણચોરી થાય છે. પશ્ચિમ સરહદેથી ડ્રગ્સ ઘૂસાડી-ઘૂસાડીને પાકિસ્તાને પંજાબના યુવાનોને બરબાદ કરી નાંખ્યા, એ જ પ્રકારે હવે પૂર્વ સરહદેથી ડ્રગ્સ ઘૂસાડીને મ્યાનમાર ત્રિપુરાના યુવા વર્ગને ધન અને તનથી પાયમાલ કરી રહ્યું છે.
ત્રિપુરામાં HIV નાથવા સામેના પડકાર
સુરક્ષાકર્મીઓ માટે મેદાની પ્રદેશોની ચોકી કરવી સરળ હોય છે, પણ પહાડી વિસ્તારમાં વસેલું હોવાથી ત્રિપુરામાં કડક જાપ્તો રાખવો મુશ્કેલ છે. પહાડો અને જંગલો ચીરીને ઘૂસણખોરો એક દેશમાંથી બીજા દેશમાં ઘૂસી જતા હોય છે અને ભેગા ડ્રગ્સની હેરાફેરી પણ કરતા હોય છે. એ ઉપરાંત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લાવતાં-લઈ જતાં વાહનોમાં પણ અન્ય સામાન સાથે ડ્રગ્સ ઘૂસાડી દેવામાં આવે છે. મ્યાનમારના ડ્રગ માફિયાઓ ઘણીવાર આસામની સરહદેથી પણ ત્રિપુરામાં ડ્રગ્સ ઘૂસાડે છે.
ત્રિપુરામાં પોલીસ સ્ટાફની કિલ્લતને પરિણામે પણ સરહદપારથી આવતાં ડ્રગ્સને નાથી શકાતું નથી. ત્રિપુરા-મિઝોરમની 107 કિમી લાંબી આંતર-રાજ્ય સરહદ પર ગણીને ફક્ત ત્રણ પોલીસ સ્ટેશન છે અને એ ત્રણમાંય પૂરતો સ્ટાફ નથી. એટલે ત્રિપુરા પોલીસ માટે બધે પહોંચી વળવું શક્ય નથી બનતું. પોલીસસ્ટાફની સંખ્યા વધારાય તો જાપ્તો કડક બને અને એમ થાય તો ડ્રગ્સ અને એને પરિણામે વકરતી HIVની સમસ્યા પર અંકુશ આવે એમ છે.
શું છે ચિંતાજનક બાબત?
આંકડા જણાવે છે કે ત્રિપુરામાં HIV પીડિતોની કુલ સંખ્યા 5,674 છે અને રાજ્યમાં દરરોજ પાંચથી સાત નવા HIV કેસ નોંધાઈ રહ્યા છે. આ તો પ્રકાશમાં આવેલા કેસ છે, બાકી HIV નો ચેપ લાગ્યાની ખબર જ નહીં હોય એવા લોકો તથા આ ચેપ લાગ્યાના ડરે શારીરિક તપાસ કરાવવાથી જાણીજોઈને દૂર રહેલા લોકોની સંખ્યા ક્યાંય વધારે હોઈ શકે છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને ડ્રગ્સને કારણે HIV પોઝિટિવ થયા છે એમાંના ઘણા ત્રિપુરાની બહાર અન્ય રાજ્યોમાં ભણવા ગયા છે, જેને કારણે તેઓ બીજા લોકોને HIVનો ચેપ લગાડે એવી ભીતિ સર્જાઈ છે.
HIV વકરાવવામાં ભાગ ભજવતો ભારતનો સામાજિક ઢાંચો
HIV ફેલાવાનું એક પ્રમુખ કારણ અસુરક્ષિત યૌન સંબંધ છે અને ભારતમાં સામાજિક ઢાંચો એવો છે કે HIV પીડિતને યૌન સંબંધ થકી જ HIVનો ચેપ લાગ્યો હશે, એવું ધારી લેવામાં આવે છે, જેને કારણે સમાજમાં નીચાજોણું થવાનો ડર મોટાભાગના HIV પિડિતોને હોય છે. આ કારણસર પોતાને HIVનો ચેપ લાગ્યો હોઈ શકે એવો અણસાર આવે તોય લોકો તબીબી તપાસ કરાવતા નથી. આમ થવાથી એવા લોકો જાણ્યે-અજાણ્યે અન્યોને HIVનો ચેપ લગાડતા ફરે છે. HIVનો ચેપ વર્ષો સુધી પોતાનો પરચો બતાવતો ન હોવાથી પણ એના વાહક એવા ઘણા પોઝિટિવ દર્દીઓ એના ફેલાવામાં નિમિત્ત બનતા હોય છે.