પત્રકાર સાગરિકા ઘોષને તૃણમૂલ રાજ્યસભાના સાંસદ બનાવશે, મમતાએ કરી કુલ ચાર નામની જાહેરાત
રાજ્યસભાની 56 બેઠકો માટે 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
Rajya Sabha Elections: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. સાથે પત્રકાર સાગરિકા ઘોષ, મમતા બાલા ઠાકુર અને સાંસદ નદીમુલ હકનું નામ યાદીમાં છે.
તૃણમૂલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'અમે આગામી રાજ્યસભા ચૂંટણી માટે સાગરિકા ઘોષ, સુષ્મિતા દેવ, સાંસદ મોહમ્મદ નદીમુલ હક અને મમતા બાલા ઠાકુરની ઉમેદવારીની જાહેરાત કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે તેઓ તૃણમૂલની અદમ્ય ભાવના અને દરેક ભારતીયના અધિકારોની હિમાયતના કાયમી વારસાને જાળવી રાખવા માટે કામ કરશે.'
કોણ છે ચાર ઉમેદવારો?
સુષ્મિતા દેવ પહેલા પણ તૃણમૂલના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં કોંગ્રેસમાંથી તૃણમૂલમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પુરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ છે. મમતા ઠાકુરે 2019માં બનગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ભાજપના શાંતનુ ઠાકુર દ્વારા પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે.
ચૂંટણી પંચે રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી
નોંધનીય છે કે ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.