ટ્રેઈની ડૉક્ટર પર ગેગરેપ નહીં, ક્રાઈમ સીન સાથે ચેડાં થયા : સીબીઆઈ

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
ટ્રેઈની ડૉક્ટર પર ગેગરેપ નહીં, ક્રાઈમ સીન સાથે ચેડાં થયા : સીબીઆઈ 1 - image


એફઆઈઆરમાં 14 કલાકના વિલંબ બદલ સુપ્રીમે પોલીસને ઝાટકી

- રેપ-હત્યા રાતે થયાં અને હોસ્પિટલે પોલીસને છેક સવારે 10.10 જાણ કેમ કરી, તંત્રની કામગીરી શંકાસ્પદ : સુપ્રીમ

નવી દિલ્હી : કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયેલો છે અને વિરોધ પ્રદર્શન અને દેખાવો થઈ રહ્યા છે. ટ્રેઈની ડૉક્ટર પર સામુહિક બળાત્કારની આશંકા પણ વ્યક્ત થઈ રહી હતી. જોકે, સીબીઆઈએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં ટ્રેઈની ડૉક્ટર પર સામુહિક બળાત્કારની શક્યતાઓ નકારી કાઢી છે. સાથે જ સીબીઆઈએ દાવો કર્યો છે કે ગુનાના સ્થળ સાથે ચેડાં થયા છે અને હોસ્પિટલ તંત્રનું વલણ શંકાસ્પદ છે. બીજીબાજુ આ ઘટનામાં એફઆઈઆર નોંધવામાં ૧૪ કલાક જેટલો વિલંબ થતા સુપ્રીમે પોલીસની ઝાટકણી કાઢી હતી.

કોલકાતામાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આખા દેશમાં આક્રોશ ફેલાયેલો છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લઈ સીબીઆઈને ગુરુવાર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચ સમક્ષ સીબીઆઈએ આજે તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા.

સીબીઆઈએ જણાવ્યું કે, તેની અત્યાર સુધીની તપાસમાં જણાયું છે કે સંજય રોયે જ પીડિતા પર બળાત્કાર અને પછી હત્યા કરી હતી. એટલે કે બળાત્કાર અને હત્યામાં તેના એકલાની જ સંડોવણી છે. ડીએનએના નિષ્કર્ષ પણ સંજય રોયની જ સંડોવણીની પુષ્ટી કરે છે. એટલે કે ટ્રેઈની મહિલા ડોક્ટર પર સામુહિક બળાત્કારના અહેવાલો ખોટા છે. જોકે, સીબીઆઈએ ઉમેર્યું છે કે તેણે હજુ સુધી અન્ય લોકોની સંડોવણી અને ગેંગરેપના સિદ્ધાંત પર તેની તપાસ પૂરી નથી કરી. 

સીબીઆઈએ એમ પણ કહ્યું છે કે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત હોસ્પિટલ તંત્રનું વર્તન ઘણું જ શંકાસ્પદ છે. ગુુનાના સ્થળ સાથે ચેડાં થયાના પુરાવા મળ્યા છે. સીબીઆઈનું માનવું છે કે બધા જ પ્રોટોકોલ જાણવા છતાં હોસ્પિટલના અધિકારી વિશેષરૂપે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ ગૂનાના સ્થળની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા. સંદીપ ઘોષે હત્યાની માહિતી મળ્યા પછી પણ સક્રિયતાથી કામ કર્યું નહીં.

દરમિયાન સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ રિપોર્ટ વાંચ્યા પછી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ તેમજ બેન્ચમાં સામેલ ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાએ કોલકાતા પોલીસની ઝાટકણી કાઢી હતી. સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના ડૉક્ટરો અને પીડિતાના સાથીઓના દબાણના પગલે ઘટના સ્થળની વીડિયોગ્રાફી કરાઈ હતી. એટલે કે તેમને આ કેસમાં ભીનુ સંકેલાવાની આશંકા હતી. વધુમાં પીડિતાના પિતાએ એફઆઈઆર નોંધાવી હતી. આ ઘટનામાં હોસ્પિટલે એફઆઈઆર નોંધાવી નહોતી. સીબીઆઈએ ઘટનાના પાંચ દિવસ પછી તપાસ શરૂ કરી હતી. ત્યાં સુધીમાં ઘટના સ્થળે ચેડાં થઈ ગયા હતા.તેમણે કહ્યું કે, પહેલી એફઆઈઆર પીડિતાના અગ્નિસંસ્કાર કરાયા પછી રાતે ૧૧.૪૫ કલાકે નોંધાઈ હતી. શરૂઆતમાં હોસ્પિટલ તંત્રે માતા-પિતાને આત્મહત્યા અને પછી અકુદરતી મોત થયું હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે એફઆઈઆર નોંધવામાં ૧૪ કલાકનો વિલંબ થવા બદલ પોલીસ અને પીડિતાના પોસ્ટમોર્ટમમાં વિલંબ માટે હોસ્પિટલ તંત્રની ઝાટકણી કાઢી હતી. બેન્ચે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબલને સવાલ કર્યો કે, પોસ્ટમોર્ટમ ક્યારે થયું? સિબલે કહ્યું સાંજે ૬.૧૦થી ૭.૧૦ વચ્ચે. ત્યાર પછી બેન્ચે સવાલ કર્યો કે, ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર-હત્યા ૮-૯ ઑગસ્ટની રાતે થયો હતો, પરંતુ પોલીસને ૯ ઑગસ્ટે સવારે છેક ૧૦.૧૦ વાગ્યે જાણ કરાઈ. હોસ્પિટલનું તંત્ર આટલા લાંબા સમય સુધી શું કરતું હતું? 

ન્યાયાધીશ પારડીવાલાએ કહ્યું કે, પોલીસ દ્વારા ગુનાઈત કાયદામાં અપનાવાતી પ્રક્રિયા આવી નથી હોતી, જેવી સીઆરપીસીમાં દર્શાવાઈ છે અથવા મેં મારી ૩૦ વર્ષની કારકિર્દીમાં જોઈ છે. આસિસ્ટન્ટ પોલીસ સુપરીન્ટેડેન્ટનું આચરણ પર શંકાસ્પદ છે. બેન્ચે ઉમેર્યું કે, આ સિવાય પોલીસે અકુદરતી મોતની નોંધ રાતે ૧૧.૩૦ વાગે કરી તો તે પહેલાં પોસ્ટ મોર્ટમ કેવી રીતે કરાયું? આ સાથે બેન્ચે આ કેસમાં પહેલી એન્ટ્રી નોંધનારા કોલકાતા પોલીસ અધિકારીને પોલીસ ડાયરીમાં એન્ટ્રીનો સમય તેમજ વિગતવાર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. આ સાથે બેન્ચે આગામી સુનાવણી પાંચ સપ્ટેમ્બરે મુલતવી રાખી હતી. દરમિયાન એક વકીલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ૧૫૦ ગ્રામ સીમેન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સમયે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે તુરંત તેમની ટીકા કરી હતી અને તેમને સોશિયલ મીડિયાના આધારે દલીલો નહીં કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું અમારી પાસે વાસ્તવિક પીએમ રિપોર્ટ છે અને ૧૫૦ ગ્રામ કેટલું થાય તે પણ અમને ખબર છે.


Google NewsGoogle News