ઝારખંડમાં મોટી ટ્રેન દુર્ઘટના, ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત
Howrah-Mumbai Mail Derails: ઝારખંડના ચક્રધરપુરમાં આજે (30 જુલાઈ) વહેલી સવારે ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઝારખંડ(Jharkhand)ના ચક્રધરપુર (Chakradharpur) નજીક મુંબઈ હાવડા મેલની માલગાડી સાથે ટક્કર થયા બાદ 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 2 જણના મૃત્યુ થયા છે જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના રાજખારસ્વાન અને બડાબામ્બો વચ્ચે બની હતી.
વહેલી સવારે બની દુર્ઘટના
રેલવે અધિકારીઓના જણાવ્યાનુસાર સવારના લગભગ પોણા 4 વાગ્યે ચક્રધરપુર રેલવે ડિવિઝન પર ઇમરજન્સી ઍલર્ટ આવ્યું હતું. હાવડાથી મુંબઈ જતી મેલ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાના સમાચારથી ઑફિસમાં ખળભળાટ મચી ગયો હતો.