Get The App

VIDEO: ઓડિશામાં ગુડ્સ ટ્રેન-કોરોમંડલ એક્સપ્રેસ વચ્ચે અકસ્માતમાં 50થી વધુના મોત, 350 ઈજાગ્રસ્ત

બચાવ કામગીરીમાં NDRFની 5 ટીમો, 700 રેસ્ક્યુ ફોર્સના જવાનો લાગ્યા : ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા બસોનો ઉપયોગ

મૃતકોના પરિવારને રૂ.10 લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને રૂ.2 લાખ, સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ.50000ના વળતરની જાહેરાત

Updated: Jun 2nd, 2023


Google NewsGoogle News

VIDEO: ઓડિશામાં ગુડ્સ ટ્રેન-કોરોમંડલ એક્સપ્રેસ વચ્ચે અકસ્માતમાં 50થી વધુના મોત, 350 ઈજાગ્રસ્ત 1 - image

ભુવનેશ્વર, તા.02 મે-2023, શુક્રવાર

ઓડિશાના બાલાસોરમાં આજે સાંજે લગભગ 6.51 કલાકે મોટો અકસ્માત સર્જાયો છે. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 50થી વધુ મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 350થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે. જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી દૂર એક ગુડ્સ ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ છે. અકસ્માત એટલો ગંભીર હતી કે, ટ્રેનના ગણા કોચ પાટા પરથી ખડી પડ્યા.

7 કોચ પલટી ગયા, 4 કોચ રેલવેની બાઉન્ડ્રીથી બહાર, કુલ 15 કોચ ખડી પડ્યા

મળતા અહેવાલો મુજબ કોચમાં મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા છે અને તેમનો બચાવવા બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી કોલકાતાના શાલીમાર રેલ્વે સ્ટેશન વચ્ચે દોડાવાય છે. મળતા અહેવાલ મુજબ ઓડિશાના બાલાસોર પાસે આજે સાંજે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક ગુડ્સ ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, 7 કોચ પલટી ગયા છે, 4 કોચ રેલવેની બાઉન્ડ્રીથી બહાર જતા રહ્યા છે. કુલ 15 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. 

NDRFની 5 ટીમો બચાવ કામગીરીમાં લાગી

બંને ટ્રેનો વચ્ચે અકસ્માત બાદ અહીં બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વહિટી તંત્રની સાથે સાથે એનડીઆરએફની 5 ટીમો પણ બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે. તો અહીં 50થી વધુ એમ્બ્યુલન્સો પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહી છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાના કારણે બસોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત 600થી 700 રેસ્ક્યુ ફોર્સના જવાનો પણ કામ કરી રહ્યા છે. 

રેલવે મંત્રીએ વળતરની જાહેરાત કરી

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે અકસ્માત સ્થળની મુલાકાત લેશે. ઉપરાંત તેમણે વળતરની પણ જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મૃતકોના પરિવારજનો માટે રૂપિયા 10 લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને રૂપિયા 2 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને રૂપિયા 50000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ અકસ્માતમાં થયેલા નુકસાન અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ ઘણા લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક જ લાઈન પર બંને ટ્રેનો સામ-સામે આવી જતાં આ ભયંકર અકસ્માત સર્જાયો છે. જાણવા મળી રહ્યું છે કે, સિગ્નલ ખરાબ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવી ગઈ અને સામ-સામે અથડાઈ ગઈ હતી. આ અથડામણમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને ભારે નુકસાન થયું હતું. લગભગ આખી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હોવાની આશંકા છે. ઘણા લોકો આમાં ફસાયા છે, જેમને સ્થાનિક લોકો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી.


Google NewsGoogle News