બેંકોના SMS આવતા જ રહેશે: સ્પામ ઘટાડવા વ્હાઇટલિસ્ટેડ નંબરનો કાયદો એક મહિના પાછળ ઠેલવાયો

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
બેંકોના SMS આવતા જ રહેશે: સ્પામ ઘટાડવા વ્હાઇટલિસ્ટેડ નંબરનો કાયદો એક મહિના પાછળ ઠેલવાયો 1 - image


TRAI: સ્પામ ઘટાડવાના આશયથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા-ટ્રાઇ દ્વારા આપવામાં આવેલાં આદેશનો અમલ કરવા માટે બેંકો અને ટેલિકોમ કંપનીઓ સજ્જ ન હોવાથી પહેલી સપ્ટેમ્બરથી ગ્રાહકોને બેંક તરફથી મળતાં મેસેજો અટકી જવાની આશંકાને જોતા ટ્રાઈએ વધુ એક મહિનાનો સમય આપ્યો છે.

ટ્રાઇએ ફિશિંગ એટેકને ડામવા માટે ટેલિકોમ કંપનીઓને યુઆરએલ્સ એટલે કે વેબસાઇટની લિન્કસ, ઓટીટી લિન્કસ, એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેઝીસ અથવા વ્હાઇટ લિસ્ટ ન થયેલાં  એટલે કે ટેલિકોમ કંપનીઓમાં ન નોંધાયેલાં કોલ બેક નંબર્સ પરથી સેન્ડર્સ દ્વારા મોકલવામાં આવે તો તેને અટકાવી દેવાની સૂચના આપી હતી. 

ટ્રાઇના આ આદેશનો અર્થ એ છે કે બેંકો, નાણાં સંસ્થાઓ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સે તેમના મેસેજ ટેમ્પલેટ્સ અને કન્ટેન્ટને ટેલિકોમ ઓપરેટર્સમાં 31 ઓગસ્ટ સુધીમાં રજિસ્ટર કરાવવાના હતા. જો કંપનીઓ આમ નહીં કરી શકે તેમના મેસેજ ગ્રાહકોને પહોંચતા અટકી જશે. નાણાં સંસ્થાઓ અને બેંકોએ આ સમયમર્યાદા વધારી આપવાની વિનંતી કરી હતી અને ટ્રાઇએ આ સમયમર્યાદા એક મહિનો વધારી આપી છે. ભારતમાં રોજ દોઢથી પોણા બે અબજ કમર્શિયલ મેસેજીસ બેંકો અને નાણાં સંસ્થાઓ દ્વારા તેમના ગ્રાહકોને મોકલવામાં આવે છે.  

હાલ નાણાં સંસ્થાઓ અને બેંકો ટેલિકોમ ઓપરેટર્સ સાથે તેમના હેડિંગ અને ટેમ્પલેટ્સ જ રજિસ્ટર કરાવે છે પણ તેમાં મેસેજીસની વિગતો હોતી નથી. આનો અર્થ એ કે ઓપરેટર્સ મેસેજીસમાં શું મોકલવામાં આવે છે તે ચેક કરી શકતાં નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટેલિકોમ કંપનીઓએ કમર્શિયલ મેસેજમાં મોકલવામાં આવતી સામગ્રી વાંચવા માટે યંત્રણા વિકસાવવી પડશે અને જે મેસેજ તેમના રેકોર્ડ સાથે મેચ ન થતાં હોય તેમને બ્લોક કરવા પડશે.

ટોચની ટેલિકોમ કંપનીઓ એરટેલ, રિલાયન્સ જિઓ અને વોડાફોન આઇડિયાએ પણ આ સમયમર્યાદા લંબાવવામાં આવે તેવી વિનંતી કરી હતી. ટ્રાઇ માને છે કે આ કંપનીઓને પૂરતો સમય આપવામાં આવ્યો હોઇ હવે સમયમર્યાદા લંબાવવાની જરૂર નથી પરંતુ અંતે આ એક મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 

ઉદાહરણથી આ બાબત સમજીએ તો બેંકો દ્વારા મોકલવામાં આવતાં લેવડદેવડના મેસેજમાં કોલ બેક નંબર હોય છે. જો બેંકોએ આ નંબર વ્હાઇટલિસ્ટ એટલે કે ટેલિકોમ કંપનીમાં નોંધાવ્યો ન હોય તો આ નંબર પરથી મોકલવામાં આવતાં મેસેજ બંધ થઇ શકે છે. 

2021માં પણ સર્જાઈ હતી સમસ્યા :

અગાઉ  માર્ચ 2021માં પણ આવું બન્યું હતું. એ સમયે ટેલિકોમ કંપનીઓએ વ્હાઇટલિસ્ટ મથાળાં અને ટેમ્પલેટ્સ ન ધરાવતાં તમામ કમર્શિયલ મેસેજ બ્લોક કરી દીધાં હતા. જેને કારણે હોબાળો મચી ગયો હતો. એ પછી તમામ નાણાંસંસ્થાઓ અને બેંકોએ તેમના હેડર્સ એટલે કે મથાળાં અને ટેમ્પલેટ્સ ટેલિકોમ કંપનીઓમાં રજિસ્ટર્ડ કરાવવા માંડયા હતા. જોકે, નવા નિયમોની છટકબારી અત્યારથી જ ઉપલ્બધ છે કારણકે નાણાં સંસ્થાઓ અને બેંકો પાસે તેમના મેસેજ મોકલવા માટે વોટ્સએપ મેસેજ કે ગૂગલની રીચ કમ્યુનિકેશન સર્વિસ-આરસીએસનો ઉપયોગ કરવાનો  વિકલ્પ તો મોજૂદ છે જ. આમ હવે નવા નિયમો નવી ડેડલાઈન પર લાગુ થયા બાદ સામાન્ય જનતાને સ્પામ સહિતના બિનજરૂરી મેસેજો અને કોલ બંધ થાય છે કે ઘટે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: રિલાયન્સ અને ડિઝનીના મર્જરને CCIની મંજૂરી, રૂ. 70350 કરોડમાં ડીલ થશે


Google NewsGoogle News