છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, પૂરઝડપે આવેલી સ્કૉર્પિયોએ બે બાઈકને હવામાં ફંગોળી, પાંચ વિદ્યાર્થીના મોત
High Speed Scorpio Hit 2 Bike in Kanker, Chhattisgarh : છત્તીસગઢના કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુર-અંટાગઢ રોડ પર ખાંડી નદી પાસે ભયાનક અકસ્માત થયો છે. અહીં પૂરઝડપે આવેલી સ્કૉર્પિયોએ બે બાઈકને હવામાં ફંગોળતા કોલેજના પાંચ વિદ્યાર્થીઓના મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને બાઇક પર સવાર પાંચ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સ્કૉર્પિયોએ બે બાઈકને હવામાં ફંગોળી
અકસ્માતને નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, સ્કૉર્પિયોનો ડ્રાઈવર વાહન પૂરઝડપે ચલાવી રહ્યો હતો અને તેણે ટક્કર મારતા બે બાઈકો હવામાં ફંગોળાઈ હતી તેમજ બંને બાઈક સવાર પાંચ લોકો દૂર સુધી પડકાયા હતા. મૃતકોમાં ચૌગલની રહેવાસી 21 વર્ષીય કામતી કાવડે, સંબલપુરની 21 વર્ષીય પ્રિયંકા નિષાદ અને અન્ય ત્રણ યુવકોનો સમાવેશ થાય છે. તમામ વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને કોઈ કામ અર્થે બહાર ગયા હતા.
સ્કૉર્પિયોના ચાલકની અટકાયત
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્કોર્પિયો ચાલકની અટકાયત કરી હતી. ડ્રાઈવર બીજાપુરનો રહેવાસી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે સ્કોર્પિયોની સ્પીડ એટલી વધારે હતી કે તેણે એક પછી એક બંને બાઇકને ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાલકને સામાન્ય ઈજા થઈ છે. ભાનુપ્રતાપપુરના એસડીઓપી પ્રશાંત પાઈકરાએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને ડ્રાઈવરની ધરપકડ કરી. આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેથી અકસ્માત પાછળનું કારણ જાણી શકાય.
આ પણ વાંચો : પંજાબમાં ભીષણ અકસ્માત, મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકી, આઠના મોત, અનેકને ઈજા
મૃતકના પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ
પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં મોકલી દીધા છે. મૃતકોની ઓળખ ચૌગેલ, સંબલપુર અને માનપુરના રહેવાસી તરીકે થઈ છે. પરિવારજનોને જાણ કરવામાં આવી છે, અને તેઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. અકસ્માતના સમાચાર મળતા જ મૃતકના પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, જ્યારે તેમની કોલેજમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.