કરુણાંતિકા: મહાકુંભ જતાં પિકઅપની SUV સાથે ટક્કર, માતા-પુત્ર અને નાનાનું મોત
Accident Near Madhya Pradesh: મધ્ય પ્રદેશ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં મહાકુંભ માટે લોકોને પ્રયાગરાજ લઇ જઇ રહેલી એક મિની ટ્રક (પિકઅપ) અને એક એસયુવી કાર વચ્ચે ટક્કર સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ગમખ્વાર અકસ્માત સતના-ચિત્રકૂટ સ્ટેટ હાઇવે પર ગત મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. મિની ટ્રક (પિકઅપ) અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિકઅપમાં ભરેલો સામાન વેરવિખેર થઇ ગયો હતો. પિકઅપમાં સવાર મહેન્દ્ર પટેલ (52) તેમની પુત્રી મનીષા પટેલ (31) અને મનીષા પટેલના પુત્ર (જીતેન્દ્ર પટેલ)નું મૃત્યુ નીપજ્યું હતું. એટલે કે મૃતકોમાં માતા-પુત્ર અને નાનાનો સમાવેશ થાય છે.
અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો. જોકે પોલીસે ક્રેનની મદદથી પિકઅપને ખસેડીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પિકઅપ વાન લોકોને મધ્ય પ્રદેશના જબલપુરથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લઇ જઇ રહી હતી. તો બીજી તરફ એસયુવીમાં સવાર લોકો પ્રયાગરાજથી ચિત્રકૂટ થઇ દમોહ જઇ રહ્યા હતા. બંને વાહનોમાં સવાર અન્ય 10 લોકોને ઇજા પહોંચી છે. તેમની સતના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.