મધ્યપ્રદેશમાં કમકમાટીભરી દુર્ઘટના, કૂવામાં પડી ગયેલો હથોડો કાઢવા જતાં 4 લોકોના મૃત્યુથી ખળભળાટ
Tragedy In Madhya Pradesh: મધ્યપ્રદેશના છત્તરપુરમાં શુક્રવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં કૂવામાં પડેલા હથોડાને બહાર કાઢવાના પ્રયાસમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના છત્તરપુર જિલ્લાના ગઢીમલહરા પોલીસ સ્ટેશન વિસ્તારના કુર્રાહા ગામમાં બની હતી.
કુર્રાહા ગામના ગુરાર વિસ્તારના એક ઘરમાં બનેલા સાંકડા કૂવામાં હથોડો પડી ગયો હતો. ઘરનો માલિક તેને બહાર કાઢવા માટે કૂવામાં ઉતરી ગયો હતો. પરંતુ ઘણાં સમય બાદ પણ બહાર આવ્યો ન હતો. આ પછી પરિવારનો બીજો સભ્ય પણ કૂવામાં નીચે ઉતર્યો હતો. નીચે ગયા પછી તે પણ ચૂપ થઈ ગયો હતો. લાંબા સમય સુધી નીચેથી કંઈ પણ ચહલપહલ ન થતાં વિસ્તારના વધુ બે લોકો કૂવામાં ઉતરી ગયા હતા.
કૂવાની બહાર ઊભેલા લોકોએ અંદર ઉતરેલા વ્યક્તિઓને બૂમો પાડી પરંતુ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં જેથી લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણકારી ગઢીમલહરા પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરુ કરી હતી. ચાર લોકોને એમ્બ્યુલન્સની મદદથી બહાર કાઢીને જિલ્લા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તમામના મોત થયા હતા. મૃતકોની ઓળખ મુન્ના કુશવાહા, શેખ અલ્તાફ, શેખ અસલમ, શેખ બશીર તરીકે થઈ છે.
પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કૂવો લગભગ 10 વર્ષથી બંધ હતો અને કૂવામાં ઝેરી ગેસ લીક થઈ રહ્યો હતો.