હાઈવે પર ટ્રેક્ટર કે ટ્રોલી ન લઈ જઈ શકાય હાઈકોર્ટે પ્રદર્શનકારી ખેડૂતોને આપેલો સખત ઠપકો
- સમગ્ર દેશના ખેડૂતોને તે પ્રશ્નો નડે છે તોફાનો પંજાબમાં જ શા માટે થાય છે?
- મોટર વાહન અધિનિયમ પ્રમાણે તમે હાઈવે ઉપર ટ્રેક્ટર કે ટ્રોલીનો ઉપયોગ ન કરી શકો : પંજાબ સરકારને કહ્યું લોકો મોટા પ્રમાણમાં એકત્ર ન થાય તે જુવો
ચંડીગઢ : પ્રદર્શનકારી ખેડૂતોના મામલામાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ. તે દરમિયાન હાઈકોર્ટે ખેડૂતોને સખત ઠપકો આપ્યો છે. સાથે પંજાબ સરકારને આદેશ આપ્યો છે કે ક્યાંય પણ વિશાળ સંખ્યામાં લોકો જમા ન થાય, તે સુનિશ્ચિત કરો. કોર્ટે ખેડૂતોને કહ્યું કે મૌલિક અધિકારોની સાથોસાથ કર્તવ્યપાલન પણ કરવું જોઈએ. તેટલું જ નહીં પરંતુ સંવિધાનમાં દર્શાવેલા નાગરિકોનાં કર્તવ્યોની પણ યાદ આપી હતી.
કોર્ટે કહ્યું કે મોટર વાહન અધિનિયમ પ્રમાણે તમે હાઈવે ઉપર ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ ન કરી શકો. તમે ટ્રોલી ઉપર અમૃતસરથી દિલ્હી સુધીની મુસાફરી કરી રહ્યા છો. તમારા 'મૌલિક અધિકારો' તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ તે સાથે કેટલાંક સંવૈધાનિક કર્તવ્યો પણ છે, જેનું પાલન કરવું જરૂરી છે. કોર્ટે પંજાબ સરકારને તે પણ કહ્યું કે તેઓ તે સુનિશ્ચિત કરે કે લોકો મોટા પ્રમાણમાં એકત્રિત ન થાય. તેઓને વિરોધ કરવાનો અધિકાર છે જ, પરંતુ તે યોગ્ય અંકુશોને આધીન છે.
આ સુનાવણીમાં કેન્દ્ર સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે આંદોલનકારી ખેડૂતો સાથે તેઓની માંગણીઓ અંગે બેઠક થઈ જ છે ત્યારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે તે બેઠકમાં શું થયું તેનું વિવરણ આપતું એક સોગંદનામું આ કોર્ટમાં રજૂ કરો. કેન્દ્ર સરકારના વકીલે તે માટે સાત દિવસની મુદત માગી જે આપવામાં આવી. હવે આગામી સપ્તાહે સુનાવણી શરૂ થશે.
પંજાબના અને હરિયાણાના ખેડૂતોનાં આંદોલન અંગે વિશ્લેષકો કહે છે કે તેમને જે પ્રશ્નો નડે છે તેમ તેઓ કહે છે. પરંતુ તે મુશ્કેલીઓ તો સમગ્ર દેશના ખેડૂતોની છે તો ગુજરાતમાં કેમ તોફાનો નથી થતાં કે આસામમાં કે તમિલનાડુમાં તોફાનો તે સંબંધે કેમ નથી થતાં માટે કેટલાક વિશ્લેષકો તે પાછળ ખાલીસ્તાની આંદોલનનો ગર્ભિત હાથ હોવાનું છે જે પાછળ ચીન અને પાકિસ્તાન હશે તેમ પણ તેઓ માને છે. ભોળા ખેડૂતો દોરવાઈ ગયા છે.