Get The App

મહારાષ્ટ્રમાં ઘઉં ખાવાથી અનેક લોકો થઈ ગયા ટાલિયા, વાળ ખરવાની ફરિયાદો બાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

Updated: Feb 25th, 2025


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ઘઉં ખાવાથી અનેક લોકો થઈ ગયા ટાલિયા, વાળ ખરવાની ફરિયાદો બાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો 1 - image


Toxic wheat behind Sudden Baldness In Maharashtra:  ઘઉં ખાવાથી માથે ટકો થઈ જાય, એમ કોઈ કહે તો ‘ટાઢા પહોરના ગપ્પા’ જેવું લાગે ને? લાગે જ, તોય હકીકત છે કે એકલ-દોકલ નહીં, લોકોના એક સમૂહ સાથે આવી દુર્લભ ઘટના ઘટી છે. વાત છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની જ્યાંના અસંખ્ય રહેવાસીઓના વાળ અચાનક ખરવા લાગ્યા છે. નિષ્ણાતો અને આરોગ્ય અધિકારીઓ દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી છે, જેના પરિણામ સ્વરૂપ ઘઉંને ખલનાયક ઠેરવવામાં આવ્યા છે. 

પદ્મશ્રી ડૉ. હિમ્મતરાવ બાવસ્કર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી છે. એક મહિનાના અભ્યાસને અંતે તેમણે કહ્યું છે કે, અસરગ્રસ્ત લોકો એવા ઘઉંનું સેવન કરી રહ્યા છે, જેમાં ઝેરી તત્ત્વો ભળેલા છે, જેને લીધે તેમના વાળ ખરી રહ્યા છે.

ઝેરીલું તત્ત્વ લોકો આરોગી રહ્યા છે

ડૉ. બાવસ્કરે કહ્યું છે કે, ‘પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) હેઠળ વિતરિત ઘઉંમાં સેલેનિયમનું ઊંચું પ્રમાણ નોંધાયું છે. આ ઘઉં પંજાબથી આવ્યા છે. સ્થાનિક રીતે ઉગાડવામાં આવતી ઘઉંની જાતો કરતાં આ (પંજાબથી આવેલા) ઘઉંમાં 600 ગણું વધુ સેલેનિયમ મળી આવ્યું છે. સેલેનિયમના ઊંચા લેવલને એલોપેસીયા(વાળ ખરી જવા)ના કેસોનું કારણ માનવામાં આવે છે.’ 

સપાટાબંધ ટકલા કરી દેતું સેલેનિયમ

સેલેનિયમ એટલું ઝેરી તત્ત્વ છે કે વાળ ખરવાની શરુઆત થાય એ પછીના ત્રણથી ચાર જ દિવસમાં આખે આખું માથું સફાચટ થઈ જાય છે! આટલી ઝડપે વાળ ખરવા એ ચિંતાનું કારણ છે. બુલઢાણા જિલ્લામાં બે-ચાર નહીં, સેંકડોની સંખ્યામાં લોકો આ તકલીફનો ભોગ બની ચૂક્યા છે.

આ પણ વાંચોઃ રહસ્યમય બીમારી : 3 જ દિવસમાં મહારાષ્ટ્રના 3 ગામના અનેક લોકો ટકલા થઇ જતા હાહાકાર

રક્ત, પેશાબ અને વાળમાં મળ્યું સેલેનિયમ 

ઘઉંના નમૂનાઓની તપાસ થાણેની વર્ની એનાલિટીકલ લેબમાં કરવામાં આવી હતી, જેમાં સેલેનિયમનું સ્તર પ્રતિ કિલોગ્રામે 14.52 મિલિગ્રામ નોંધાયું છે. સામાન્ય રીતે સેલેનિયમનું પ્રમાણ પ્રતિ કિલોગ્રામે 1.9 મિલિગ્રામ હોય છે. એ હિસાબે જોતાં બુલઢાણાના લોકો જે ઘઉં આરોગી રહ્યા છે એ ખતરનાક હદે ઝેરી છે. પીડિત લોકોના રક્ત, પેશાબ અને વાળના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં સેલેનિયમના પ્રમાણમાં અનુક્રમે 35 ગણો, 60 ગણો અને 150 ગણો વધારો જોવા મળ્યો છે. સેલેનિયમની નકારાત્મક અસર એવી વ્યક્તિઓમાં વધુ હતી જેમના શરીરમાં ઝિંકનું પ્રમાણ ઓછું હતું. 

સામાજિક શરમનું કારણ બની ટાલ

બુલઢાણા જિલ્લાના 18 ગામના લગભગ 300 લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે. એમાંના ઘણા તો કૉલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ છે! અમુકને માથે વાળ એકદમ ઓછા થઈ ગયા છે તો અમુક સાવ એટલે સાવ ટકલા થઈ ગયા છે. અમુક બાળકોને પણ એની અસર થઈ છે. 8 વર્ષના બાળકથી લઈને 72 વર્ષના વૃદ્ધ સુધીના લોકોને ટાલ પડી ગઈ છે. ખરતાં વાળને લીધે શરમ અનુભવતા બાળકો-યુવાનોએ શાળા-કૉલેજ જવાનું પણ બંધ કરી દીધું છે. અચાનક વાળ ગુમાવી બેસવાથી અમુક યુવક-યુવતીઓની સગાઈ પણ ફોક થઈ છે. 

આ દિશામાં હવે મહારાષ્ટ્ર સરકાર કેવા પગલાં લેશે, એના પર સૌની નજર રહેશે. અકાળે ટાલનો ભોગ બનેલા લોકો માટે વાળ-વિહોણી આ સ્થિતિ કાયમી હશે કે પછી આધુનિક મેડિકલ સાયન્સ એમની વહારે આવશે?

મહારાષ્ટ્રમાં ઘઉં ખાવાથી અનેક લોકો થઈ ગયા ટાલિયા, વાળ ખરવાની ફરિયાદો બાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો 2 - image


Google NewsGoogle News