ફ્રાન્સથી આવેલા પ્રવાસીઓની એરપોર્ટ પર પૂછપરછ: હોઠ સીવી ચૂપચાપ રવાના
- કોઈ ગુનો કરીને આવ્યા હોય એમ એરપોર્ટ પર ચહેરા ઢાંકી દીધા
- કબૂતરબાજીની શંકાના આધારે ફ્રાન્સમાં અટકાવાયા બાદ રવાના થયેલું વિમાન પરોઢે ચાર વાગ્યે મુંબઈ પહોંચ્યું
મુંબઈ : કબૂતરબાજીની આશંકાએ ફ્રાન્સમાં અટકાવાયેલા પ્રવાસીઓને ભારત પરત જવાની મંજૂરી અપાયા બાદ ગઈકાલે રવાના થયેલું વિમાન આજે પરોઢે મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. જોકે, મુંબઈ એરપોર્ટ પર આ પ્રવાસીઓએ તેમની આપવીતી અંગે કશું કહેવાનો ઈનકાર કર્યો હતો અને મીડિયાને ટાળીને ચૂપચાપ પોતપોતાના ગંતવ્ય સ્થાનો પર જવા રવાના થઈ ગયા હતા. આ પ્રવાસીઓમાં અનેક ગુજરાતીઓનો સમાવેશ થતો હતો. જોકે, એરપોર્ટ પર સીઆઈએસએફ સહિતની એજન્સીઓએ તેમની પૂછપરછ કરી હોવાનું કહેવાય છે પરંતુ તે વિશે પણ કોઈ એજન્સીએ કોઈ અધિકૃત માહિતી મોડે સુધી આપી ન હતી.
ચાર્ટડ ફલાઈટ દ્વારા વાયા દુબઈ થઈ નિકારાગુઆ જઈ રહેલા પ્લેનમાં પ્રવાસ કરી રહેલા ૩૦૩ પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે અમેરિકા અથવા તો કેનેડા લઈ જવામાં આવી રહ્યા છે અને આ હ્યુમન ટ્રાફિકિંગનો કેસ છે તેવી શંકાના આધારે ફ્રાન્સના પેરિસથી ૧૫૦ કિમી દૂર આવેલા વેત્રી એરપોર્ટ ખાતે તેમને રોકી દેવાયા હતા.
ફ્રાન્સના સત્તાવાળાઓએ આ હ્યુમન ટ્રાફિકિંગનો કેસ છે કે કેમ તેની તપાસ માટે એરપોર્ટ જ કામચલાઉ કોર્ટ રચી દીધી હતી. ત્યાં ચાર ન્યાયધીશોએ આ પ્રવાસીઓની જુબાની લીધી હતી. તેમાંથી પચ્ચીસ પ્રવાસીઓએ ફ્રાન્સમાં જ શરણાર્થીનો દરજ્જો મેળવવા માટે અરજી કરી હતી. જ્યારે બે લોકોને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવણીની શંકાએ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બાકીના ૨૭૬ પ્રવાસીઓને પરત જવા જણાવાયુ ંહતું. જોકે, ફ્રાન્સમાં કેટલાય પ્રવાસીઓએ પોતે પરત જવા માગતા નથી તેમ કહી ધમાલ મચાવતાં આ ફલાઈટ મોડી ઉપડી હતી.
વેત્રી એરપોર્ટ પર ફ્રાન્સના સ્થાનિક સમય અનુસાર બપોરે અઢી વાગ્યે રવાના થયેલી રોમાનિયન એરલાઈન્સની ચાર્ટડ ફલાઈટ આજે પરોઢે ચાર વાગ્યા પછી મુંબઈ આવી પહોંચી હતી. આ એ ૩૪૦ વિમાનમાં પ્રવાસીઓ ઉપરાંત ૧૫ ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થતો હતો.
પ્રવાસીઓની એરપોર્ટ પર સીઆઈએસએફ તથા અન્ય એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, તેની વિગતો તત્કાળ જાણવા મળી ન હતી. તેમનાં સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાયા બાદ અને ઈમીગ્રેશન વગેરેની ઔપચારિક વિધિઓ પતાવ્યા બાદ આખરે ચાર કલાક બાદ આ પ્રવાસીઓ એક પછી એક એરપોર્ટન ીબહાર નીકળ્યા હતા. ત્યાં મીડિયા પર્સન્સ તેમને ઘેરી વળ્યા હતા. જોકે, એક પણ પ્રવાસીઓ એક પણ શબ્દ ઉચ્ચારવાનો ઈનકાર કરી દીધો હતો. મોટાભાગના પ્રવાસીઓ તેમના ચહેરા ઢાંકી ચૂપચાપ પોતાના નક્કી કરેલાં સ્થળે જવા રવાના થયા હતા. આ પ્રવાસીઓએ દેખીતી રીતે જ ચાર દિવસ સુધી વેત્રી એરપોર્ટ ખાતે પારાવારત અગવડ અને તકલીફોનો સામનો કર્યો હતો. પરંતુ, તેમણે આ વિશે જાહેરમાં કશું જ બોલવાનો ઈનકાર કરતાં નિકારાગુઆ પહોંચીને તેઓ ખરેખર અમેરિકા કે કેનેડામાં પ્રવેશવાનો પ્રયાસ કરવાના હતા કે કેમ તે અંગે શંકા ઘેરી બની છે. નિકારાગુઆ અમેરિકામાં શરણાર્તી તરીકે ઘૂસવા માગતા લોકોનું પસંદગીનું સ્થળ મનાય છે. ૨૦૨૩નાં નાણાંકીય વર્ષમાં આશરે ૯૬, ૯૧૭ ભારતીયો અમેરિાકમાં ગેરકાયદેસર ઘૂસવાની ટ્રાય કરી ચૂક્યા છે.
ફ્રાન્સના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર બે સગીર પ્રવાસીઓ સહિત જે પચ્ચીસ લોકોએ ત્યાં શરણાગતિની માગણી કરી છે તેઓ તથા અટકાયતમાં લેવાયેલા અન્ય બે લોકો હજુ ફ્રાન્સમાં જ છે.
ફ્રાન્સમાં અટકાવાયેલાં વિમાનમાં કુલ ૧૧ સગીર કોઈ વાલી વિના જ પ્રવાસ કરી રહ્યા હતા. આ તમામ ૩૦૩ પ્રવાસીઓને વેત્રી એરપોર્ટ ખાતે જ કામચલાઉ પથારી ઉપરાંત બેડ, ટોઈલેટ વગેરેની સગવડ પૂરી પાડવામાં આવી હતી. પ્લેનમાં રહેલા ભારતીય પ્રવાસીઓની મદદ માટે ફ્રાન્સના રાજદૂતાવાસની ટીમ પણ વેત્રી એરપોર્ટ પર પહોંચી હતી.
રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઈન્સે પોતે હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી હોવાનો ઈનકાર કર્યો હતો.