સાત વર્ષમાં 12 હજાર અથડામણ, જાણો ઉત્તર પ્રદેશ પોલીસના સૌથી ચર્ચાસ્પદ 10 એન્કાઉન્ટર વિશે
UP Police Encounter : બહરાઇચ હિંસાના મુખ્ય આરોપી સરફરાઝ અને ફહિમ હવે પોલીસ કસ્ટડીમાં છે. તેમની ધરપકડ કરતા પહેલા પોલીસ અને તેમની વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં બંનેને ગોળી વાગી હતી. હવે આ એન્કાઉન્ટર પર સવાલો ઉઠી રહ્યા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત અન્ય વિપક્ષી નેતાઓ તેને સરકારની નિષ્ફળતા છુપાવવાનું સાધન ગણાવી રહ્યા છે. જોકે, આ પહેલીવાર નથી કે યુપી પોલીસની ગુનેગારો સાથે અથડામણ થઇ હોય. છેલ્લા સાત વર્ષમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે 12 હજારથી વધુ અથડામણો થઇ છે. જેમાં, 210 થી વધુ ગુનેગારો માર્યા ગયા છે, જ્યારે હજારો ગુનેગારો ઇજાગ્રસ્ત થયા છે અને 27 હજાર જેટલા આરોપીઓ ઝડપાયા છે.
ઉત્તર પ્રદેશ પોલીસના 10 સૌથી ચર્ચાસ્પદ એન્કાઉન્ટર
1. વિકાસ દુબે : યુપીનો સૌથી પ્રખ્યાત એન્કાઉન્ટર વિકાસ દુબેનો હતો. સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ હતી. હકીકતમાં, 3 જુલાઈ, 2020 ના રોજ, વિકાસ દુબેએ તેના સાથીદારો સાથે મળીને કાનપુરના બિકારુ ગામમાં દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. જે બાદ તે નવમી જુલાઈએ ઉજ્જૈનમાં પકડાયો હતો. બીજા દિવસે, કાનપુર પરત લાવતી વખતે, તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન તે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. સરકાર દ્વારા તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
2. ગૌરી યાદવ : 20 વર્ષ સુધી બુંદેલખંડમાં આતંકનો ફેલાવનારી ગૌરી યાદવને 30 ઓક્ટોબર, 2021ના રોજ ચિત્રકૂટના જંગલોમાં પોલીસ એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. સરકાર દ્વારા તેના પર 5 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
3. કમલ : જુલાઈ 2019 માં, સંભલમાં ત્રણ બદમાશોને કોર્ટમાં લઇ જતી વખતે તેમના સાથીદારો દ્વારા પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા. જે બાદ આ ત્રણ બદમાશોમાંથી એક કમલ અમરોહામાં હોવાની માહિતી મળતાં પોલીસે તેને ઘેરી લીધો હતો અને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
આ પણ વાંચોઃ એન્કાઉન્ટરને લઈને શું છે પોલીસ માટે પ્રોટોકૉલ? જાણો ક્યાં વાગવી જોઈએ પહેલી ગોળી
4. શિવ શક્તિ નાયડુ : 11 જિલ્લાના 22 કેસમાં વોન્ટેડ શિવ શક્તિ નાયડુનું કાંકરખેડામાં પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસની પકડથી બચવા તે દેહરાદૂન હાઈવે પરથી કાર ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જો કે, મેરઠ જિલ્લાના કાંકરખેડામાં પોલીસે તેને ઘેરી લીધો હતો, જે પછી બંને તરફ ગોળીબાર થતાં શિવશક્તિ નાયડુનું મોત થયું હતું. તેના પર લગભગ 2 લાખ રૂપિયાનું ઈનામ હતું.
5. મનીષ સિંહ : વારાણસી અને તેના આસપાસના જિલ્લાઓમાં કુખ્યાત મનીષ સિંહ ઉર્ફે સોનુને એપ્રિલ 2021માં પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. તેના પર 2 લાખ રૂપિયાનું ઈનામ હતું.
6. મન્સૂર પહેલવાન : વર્ષ 2017માં પોલીસ એન્કાઉન્ટરમાં મન્સૂર પહેલવાનનું મોત થયું હતું. લૂંટફાટ અને હત્યા જેવી ઘટનાઓનો કુખ્યાત આરોપી મન્સૂર પહેલવાન ઉત્તર પ્રદેશની કુખ્યાત કાલા મુકીમ ગેંગ માટે કામ કરતો હતો.
7. આદિત્ય રાણા : એપ્રીલ 2022માં કુખ્યાત આરોપી આદિત્ય રાણા ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલીસે તેના પર અઢી લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ત્યારબાદ લગભગ એક વર્ષ બાદ 11 એપ્રીલ 2023 ના રોજ તે લાંબા ખેડા ગામમાં હોવાની બાતમી મળતા પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી હતી, જ્યાં પોલીસ અને આદિત્ય વચ્ચે થયેલા ગોળીબારમાં તેનું મોત થયું હતું.
8. અસદ અહેમદ અને ગુલામ : કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદનો પુત્ર અસદ અહેમદ અને શૂટર ગુલામ પાછલા વર્ષે 13 એપ્રિલે એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. બંને ઉમેશ પાલ હત્યા કેસના આરોપી હતા. યુપી પોલીસે તેમના પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
આ પણ વાંચોઃ બહરાઈચ હિંસાઃ પાંચ આરોપીની ધરપકડ, બેને વાગી ગોળી, નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા
9. મંગેશ યાદવ : સુલતાનપુરના પ્રખ્યાત લૂંટ કેસના આરોપી મંગેશ યાદવને એસટીએફએ એન્કાઉન્ટરમાં માર્યો હતો. આ મામલે ભારે રાજનીતિ થઈ હતી, વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે મંગેશ યાદવ હોવાના કારણે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જો કે, સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે યુપી પોલીસ જાતિના આધારે કાર્યવાહી કરતી નથી. મંગેશ લૂંટના 11 આરોપીઓમાંનો એક હતો.
10. અનુજ સિંહ : સુલ્તાનપુર બુલિયન લૂંટ કેસમાં મંગેશ યાદવ બાદ એસટીએફએ આ વર્ષે સપ્ટેમ્બરમાં તેના સહયોગી અનુજ સિંહને એન્કાઉન્ટરમાં માર્યો હતો. આ એન્કાઉન્ટર દરમિયાન તેનો એક સાથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. અનુજના મૃત્યુ પર તેના પિતાએ આરોપ લગાવ્યો હતો કે મંગેશના એન્કાઉન્ટર પર થયેલા રાજકારણના કારણે તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી.