17 મહિના સુધી ઘરમાં રહી પતિની લાશ... પત્નીએ કહ્યું- મારા માટે સિંદૂર સજા બની ગયેલું, મારી કમનસીબીની તપાસ કરવી હોય તો કરો
- 'વિચારો કે માંગ ભરતી વખતે હું કેટલી વખત મરી હોઈશ? મારા સંજોગોએ મને મન ભરીને રડવા પણ ન દીધી'
કાનપુર, તા. 30 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
થોડા સમય પહેલા કાનપુર ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કોરોના કાળ દરમિયાન એપ્રિલ 2021માં વિમલેશ નામના એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારથી અત્યાર સુધી, આશરે 17 મહિના સુધી તે વ્યક્તિના પરિવારે તેના મૃતદેહને ઘરમાં રાખ્યો હતો અને તે ફરી ઉભો થશે તેની રાહ જોઈ હતી.
બેંકમાં મેનેજર તરીકે કામ કરતી વિમલેશની પત્ની મિતાલી દીક્ષિતે આજ સુધી મૃતદેહની સેવા કરવાનું ચાલું રાખ્યું હતું. આખું ઘર દરરોજ ગંગાજળ મિશ્રિત પાણીથી મૃતદેહને લૂછતું હતું. કપડાં બદલાવતા હતા. બાળકો મૃતદેહને વીંટળાઈને ભગવાનને તેમના પિતાના સારા થવાની પ્રાર્થના કરતા હતા. માતા-પિતા અને ભાઈઓ મૃતદેહને ઓક્સિજન આપતા હતા અને આખો પરિવાર રાહ જોતો હતો કે એક દિવસ વિમલેશ ઉભો થશે.
જાણો તેની પત્નીની હૃદય ચીરી નાખે તેવી વ્યથા
મિતાલી અને વિમલેશે 7 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને 2 બાળકો પણ છે. કોરોનાની બીજી લહેર દરમિયાન એટલો ખરાબ સમય જોવા મળ્યો કે, જે વ્યક્તિએ આજીવન સંભાળ રાખવાનું વચન આપેલું તેની જ લાશની સેવા કરીને જીવવું પડ્યું.
આ પણ વાંચોઃ કોઈ પણ પ્રકારના કેમિકલ વગર મૃતદેહ કઈ રીતે સચવાયો તે એક રહસ્ય
વાંચો શું બન્યું હતું તે મિતાલીના જ શબ્દોમાં
મિતાલીએ જણાવ્યું કે, મને ખબર હતી કે, તેમના શ્વાસ બંધ થઈ ગયા છે. હું સુહાગન નથી રહી પણ શું કરૂં... તેમના માતા એવું માનતા હતા કે એ જીવે છે. પપ્પાને તેમની છાતીના ધબકારા અનુભવાઈ રહ્યા હતા. તેમના વિશ્વાસના કારણે હું મજબૂર બની ગઈ. શું કહું કે તેમનો દીકરો મરી ગયો છે? હવે તમે લોકો મારી શું તપાસ કરશો? હું તો મહિનાઓ સુધી એ સુહાગના નામનું સિંદૂર લગાવતી રહી જે ગુજરી ગયો હતો. વિચારો કે માંગ ભરતી વખતે હું કેટલી વખત મરી હોઈશ? હું તો મહિનાઓ સુધી એ સુહાગના નામનું સિંદૂર ભરતી રહી જે ગુજરી ગયો હતો. વિચારો કે માંગ ભરતી વખતે હું કેટલી વખત મરી હોઈશ? મારા સંજોગોએ મને મન ભરીને રડવા પણ ન દીધી. બાળકો કહેતા- પપ્પાને જગાડો.. હું અંદર જઈને રડી લેતી. મારી આ કમનસીબીની તપાસ કરવી હોય તો કરી લો... તેમને જીવતા સમજીને અમે શું ગુનો કર્યો? એક-બે નહીં 17 મહિનાઓ સુધી...
પોલીસ અધિકારીઓએ મિતાલીનું જે નિવેદન નોંધ્યું છે તેમાં અતિ દુઃખ સંતાયેલું છે. મિતાલીએ જણાવ્યું કે, વિમલેશના માતાને તેમનો દીકરો જીવતો હોવાનું લાગી રહ્યું હતું, પિતા અને ભાઈ પણ માતાની આંખોએ એમને જોઈ રહ્યા હતા. બતાવો હું શું કરૂં? શું દીકરાને જીવતો સમજતી માતા સામે પોતાની બંગડીઓ ફોડી નાખું? સિંદૂર ભૂંસી નાખું?... મારા માટે તો આ 17 મહિનાઓ દરમિયાન સિંદૂર સજા બની ગયું હતું.
હું દુનિયા સામે વિમલેશના મોતનું સત્ય છુપાવતી રહી... પણ શા માટે? શું કોઈ લાલચ હતી? તેમની ઓફિસમાં પુછી લો અમે તેમનો પગાર, મેડિકલ કે અન્ય કશું ક્લેઈમ કર્યું છે શું?
અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે, આ પરિવારે આવો કોઈ ક્લેઈમ નથી કર્યો. આનાથી સ્પષ્ટ થાય છે કે, જગજાહેર બનેલી વિમલેશની કહાનીનો એક હિસ્સો મિતાલીના એ આંસુઓ વડે લખાયેલો છે જે કદી તેની પાંપણમાંથી છલકીને બહાર જ નથી આવી શક્યા.
જોઈન્ટ પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ જણાવ્યું કે, મિતાલી સહિત સમગ્ર પરિવારનું નિવેદન નોંધ્યા બાદ બાકીના તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આ પરિવારે વિમલેશની ઓફિસમાંથી કોઈ લાભ લીધો હોવાનું સામે નથી આવ્યું.