‘હા, અમે પોલીસવાળાઓને ફટકાર્યા’, થપ્પડકાંડના આરોપી નરેશ મીણા અચાનક પ્રગટ થયા
Rajasthan Naresh Meena Slapped SDM: રાજસ્થાનના ટોંક જિલ્લામાં ગઈકાલ મતદાન દરમિયાન ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા અને અથડામણ માટે જવાબદાર અપક્ષ ઉમેદવાર નરેશ મીણા અંતે મીડિયા સામે આવ્યા છે. દેવલી ઉનિયારા વિધાનસભામાંથી અપક્ષ તરફથી ચૂંટણી લડી રહેલા નરેશ મીણાએ આ સમગ્ર ઘટના માટે એસડીએમ અને પોલીસને જવાબદાર ઠેરવી જિલ્લાના એસપી, કલેક્ટર અને એસડીએમ વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે.
શું હતી ઘટના
ગઈકાલે ટોંક જિલ્લાના સમરાવતા ગામના લોકોએ તેમના ગામને ઉનિયારા તાલુકામાં આવરી લેવાની માગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેને મીણા સમર્થન આપી રહ્યા હતાં. જો કે, એસડીએમ અમિત ચૌધરી લોકોને મતદાન કરવા અપીલ કરી રહ્યા હોવાથી મીણાએ વિરોધ કરતાં તેમને લાફો ઝીંકી દીધો હતો. અને બાદમાં સાથીઓ સાથે મળી તોડફોડ કરી હતી.
મીણાએ પોતાનો બચાવ કર્યો
મીણાએ થપ્પડકાંડનો જવાબ આપતાં કહ્યું કે, મેં મતદાન દરમિયાન પત્રકારો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. પરંતુ પોલીસે ભોજન લેતાં અટકાવ્યા હતા. ત્યારે એસપીએ મારો હાથ પકડી મને કહ્યું કે, ચાલો, તમારી સાથે વાત કરવી છે, તો સામે જવાબ આપતાં મેં એસપીને કહ્યું કે, હું કલેક્ટર સિવાય કોઈની સાથે વાત નહીં કરૂ. જેથી એસપી ગુસ્સે ભરાયા અને મને લાફો ઝીંકી દીધો હતો. મને પોલીસ જીપમાં બેસાડી દીધો હતો. મારા સાથીઓએ મને છોડાવ્યો હતો.
પોલીસે લોકોને માર્યા અને આગ ચાંપીઃ મીણા
એસડીએમને લાફો ઝીંક્યા બાદ નરેશ અને તેના સાથીઓએ હિંસક દેખાવો કર્યા હતા. જો કે, મીણાએ આ સમગ્ર ઘટના માટે પોલીસને જ જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, પોલીસે મારા સાથી મિત્રો અને કાર્યકરોને માર્યા હતા. ગ્રામજનોને પણ માર્યા હતા. ટિઅર ગેસના ગોળા છોડ્યા તેમજ મરચાંના બોમ્બ પણ ફેંક્યા હતા. ત્યારે મારા સાથી મને પાંચ કિમી દૂર ખેતરોમાં લઈ ગયાં. પોલીસે ગ્રામજનો પર દમન ગુજારી લોકોના ઘર તોડ્યા હતા. મહિલાઓ પર પણ હાથ ઉપાડ્યો હતો.
એસડીએમ પર ગેરરીતિનો આરોપ
એસડીએમને લાફો મારવા પર નરેશે જણાવ્યું કે, તેમને લાફો મારવો યોગ્ય હતો. તે ચોર માટે લાફો જ યોગ્ય છે. તે મતદાનમાં ગેરરીતિ આચરી રહ્યા હતા. તેમણે દલિત મહિલા સાથે ગેરવર્તન કર્યું અને પોલીસને પણ દમન ગુજારવા મંજૂરી આપી. નકલી વોટિંગ અને પોલીસની કાર્યવાહી બંને ઘટનાની તપાસ થવી જોઈએ. એસપી વિરૂદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
પોલીસ કસ્ટડીમાંથી નરેશ ભાગ્યા
પોલીસે જ્યારે નરેશની અટકાયત કરી હતી. તો તે ત્યાંથી ભાગી ગયા હતા. આ પ્રતિક્રિયામાં બચાવ કરતાં કહ્યું કે, હું ભાગ્યો ન હતો. અમે પોલીસને માર માર્યો હતો. અમે તેમની ધોલાઈ કરી અને તેઓ જ ત્યાંથી ભાગી ગયાં. પોલીસે સામા જવાબમાં મરચાંના બોમ્બ ફેંક્યા અને હું બેભાન થઈ ગયો.
કલેક્ટરને જવાબદાર ઠેરવ્યાં
નરેશે આ સમગ્ર ઘટના અંગે કલેક્ટરને જવાબદાર ઠેરવ્યાં છે. તેમણે કહ્યું કે, સવારે સાત વાગ્યાથી અમને કોઈ સાંભળી રહ્યુ ન હતું. પોલીસ પણ જવાબ આપી રહી ન હતી. કલેક્ટર તો 45 કિમી દૂર મહેંદી લગાવી બેઠા હતાં. કલેક્ટર આવી જતાં આ તો ઘટના ન બનતી. ઉલ્લેખનીય છે, મતદાન બૂથ પર નરેશ તેમના સાથીઓ સાથે લાઠી-ડંડાઓ લઈને આવ્યા હતા.