હરિયાણામાં પક્ષપલટુઓની જીભ લપસી, કોઈએ વિરોધીની પ્રશંસા કરી, કોઈએ હરીફ માટે વોટ માગ્યા
Image Source: Twitter
Haryana Assembly Elections 2024, Leaders Speech Controversy: હરિયાણા વિધાનસભા ચૂંટણી હવે અંતિમ પડાવ પર છે. ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને આ પ્રચાર દરમિયાન નેતાની જીભ પણ ખૂબ લપસી છે. ક્યાંક કોંગ્રેસના નેતા મોદી સરકારના 10 વર્ષને સુવર્ણકાળ ગણાવીને ભારતીય જનતા પાર્ટી માટે વોટ માગી ગયા તો ક્યાંક જૂની પાર્ટી માટે વોટની અપીલ કરી ગયા. આવા નેતાઓ અને ઉમેદવારોની લિસ્ટમાં મોટા ભાગે પક્ષપલટુઓના નામ છે. તો આવી જ કેટલીક ઘટનાઓ પર એક નજર કરીએ જ્યારે ઉમેદવારો અને નેતાઓ હરીફ પક્ષને મત આપવાની અપીલ કરતા નજર આવ્યા હતા.
ડોક્ટર એમએલ રંગા
રેવાડીની બાવલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર એમએલ રંગા ચૂંટણી પ્રચાર દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે, 'મને તો માત્ર એક જ વાત લાગે છે કે સમગ્ર વિધાનસભા ક્ષેત્ર અને સમગ્ર રાજ્ય કોંગ્રેસની દમનકારી નીતિઓ અને કુપ્રથાઓથી પરેશાન છે.' ડો. રંગાને તેમના એક સાથીદારે યાદ કરાવ્યું કે તમે પોતે કોંગ્રેસના જ ઉમેદવાર છો. ત્યારબાદ રંગાએ ફરી બાઈટ આપી અને પોતાની ભૂલ સુધારતા કહ્યું કે કોંગ્રેસની નીતિઓ સારી છે અને ભાજપની નીતિઓ દમનકારી છે.
બલવાન દૌલતપુરિયા
બલવાન દૌલતપુરિયા ફતેહાબાદથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બલવાન દૌલતપુરિયા લાંબા સમયથી ચૌટાલા પરિવારની પાર્ટી ઈન્ડિયન નેશનલ લોકદળમાં રહી ચૂક્યા છે અને તેની અસર ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જોવા મળી હતી. બલવાન એક જાહેર સભામાં હાથની જગ્યાએ ચશ્માના નિશાન પર બટન દબાવવાની અપીલ કરી ગયા હતા.
મહાવીર ગુપ્તા
મહાવીર ગુપ્તા જીંદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. મહાવીર ગુપ્તાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ રાજ્યની 90માંથી 90 બેઠકો પર કોંગ્રેસની હારનો દાવો કરતા કહી રહ્યા હતા કે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે.
નિશાન સિંહ
દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)થી કોંગ્રેસમાં આવેલા નિશાન સિંહે ટોહાના વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર દરમિયાન મોદી સરકારના 10 વર્ષના કાર્યને સુવર્ણકાળ ગણાવતા આ સુવર્ણકાળ હરિયાણામાં લાવવાનું આહવાન કર્યું હતું. તેમણે તો અહીં સુધી કહી દીધું હતું કે વધુમાં વધુ બેઠકો જીતીને મોદીને મુખ્યમંત્રી બનાવવાના છે. ત્યારબાદ પાછળ રહેલા કોઈકે તેમને ભાન કરાવ્યું ત્યારે તેમણે પોતાની ભૂલ સુધારતા હુડ્ડા સરકારના કાર્યકાળની પ્રશંસા કરી.
મોહિત ગ્રોવર
ગુરુગ્રામથી કોંગ્રેસના ઉમેદવાર મોહિત ગ્રોવરની પણ જીભ લપસી ગઈ હતી. તાજેતરમાં પ્રચાર દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, ભાજપની 70 થી 80 બેઠકો આવી રહી છે. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરેલા મોહિત અગાઉ ભાજપમાં રહી ચૂક્યા છે.