Get The App

એલર્ટ! મુસાફરી વિના જ 1.55 લાખ મુસાફરોના ટોલ ટેક્સ કપાયા, તમારું પણ ફાસ્ટેગ ચેક કર્યું?

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
એલર્ટ! મુસાફરી વિના જ 1.55 લાખ મુસાફરોના ટોલ ટેક્સ કપાયા, તમારું પણ ફાસ્ટેગ ચેક કર્યું? 1 - image


- ગત નાણાકીય વર્ષમાં હેલ્પલાઈન નંબર 1033 પર સાડા આઠ લાખથી વધુ ફાસ્ટેગ સંબંધિત ફરિયાદો નોંધવામાં આવી હતી

નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર

Fastag: ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ (ETC)માં ફાસ્ટેગથી ઓટોમેટિક ટોલ ટેક્સ કપાવાની વ્યવસ્થાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર  યાત્રીઓની મુસાફરીને સરળ બનાવી છે પરંતુ તેનાથી એક તરફ જ્યાં માર્ગ મુસાફરોને રાહત મળી છે તો બીજી તરફ મુસાફરી કર્યા વિના ફાસ્ટેગથી આપોઆપ ટોલ ટેક્સ પણ કપાઈ ગયા. ગત નાણાકીય વર્ષમાં હેલ્પલાઈન નંબર 1033 પર સાડા આઠ લાખથી વધુ ફાસ્ટેગ સંબંધિત ફરિયાદો નોંધવામાં આવી હતી. એટલે કે ફાસ્ટેગ અંગે લગભગ દરરોજ 2400 ફરિયાદો કરવામાં આવી હતી. તેમાંથી 1.5 લાખથી વધુ ફરિયાદો એવી છે જેમાં મુસાફરી વિના જ ફાસ્ટેગમાંથી આપોઆપ ટોલ ટેક્સ કાપી લેવામાં આવ્યો.

બીજી તરફ સવા લાખથી વધુ ફરિયાદો નિર્ધારિત દર કરતાં વધુ ટોલ લેવા અંગેની છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના સાર્વજનિક ઉપક્રમે ઇન્ડિયન નેશનલ હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડે નાણાકીય વર્ષ 2022-23નો રિપોર્ટ જારી કર્યો છે. આ કંપનીની રચના મુખ્યત્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સ સંબંધિત સુવિધા-ફરિયાદો માટે કરવામાં આવી છે.

હેલ્પલાઈન નંબર પર 8.66 ફરિયાદો મળી

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગત નાણાકીય વર્ષમાં NHAI હેલ્પલાઈન નંબર પર કુલ 8,66,971 ફરિયાદો મળી છે. તેમાં 1,55,657 ફરિયાદોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ મુસાફરી ન કરી હોવા છતાં તેમના ફાસ્ટેગમાંથી ટોલ ટેક્સ કપાય ગયો છે. કેટલાક કેસમાં તેમની સંમતિ વિના ટોલ ટેક્સ કાપી લેવામાં આવ્યો હતો. બીજી તરફ 1,26,850 મુસાફરોએ ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સના નિર્ધારિત દરો કરતાં વધુ ટેક્સ વસૂલવાની ફરિયાદ કરી છે. જ્યારે 1,68,060 વાહનોને ફાસ્ટેગ હોવા છતાં ટોલ પ્લાઝા બેરિયરમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં નહોતી આવી. 35,580 મુસાફરોના બેંકમાં પર્યાપ્ત બેલેન્સ હોવા છતાં ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ દર્શાવવામાં આવ્યું અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ બતાવવામાં આવ્યું.

IHMCLએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે નાણાકીય વર્ષ 2022-23માં 1033 પર નોંધાયેલી 100 ટકા ફરિયાદોનો ઉકેલ આવી ગયો છે. એટલે કે કુલ 8,66,971 ફરિયાદોનું સમાધાન થઈ ગયું છે.


Google NewsGoogle News