આજે પેટા ચૂંટણીના પરિણામો પ્રિયંકાનું રાજકીય ભાવી નક્કી થશે
- કેરળની વાયનાડ, મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા પર મતગણતરી
- યુપીની 9, રાજસ્થાનની 7, બંગાળની 6, આસામની પાંચ, પંજાબની ચાર સહિત 46 બેઠકોના ઇવીએમ ખુલશે
નવી દિલ્હી : ૧૩ રાજ્યોની ૪૬ વિધાનસભા બેઠકો તેમજ કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. આ તમામ બેઠકોના પરિણામો શનિવારે સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવશે. જેમાં સૌની નજર કેરળની વાયનાડ બેઠક પર રહેશે જ્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે.
કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ બેઠકથી લોકસભામાં પ્રથમ વખત પ્રવેશ કરવા જઇ રહ્યા છે. આ બેઠક અગાઉ તેમના ભાઇ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા જીતવામાં આવી હતી, જોકે તેમણે આ બેઠકને ખાલી કરી આપી હતી. પ્રિયંકાની ટક્કર સીપીઆઇના સથ્યાન માકેરી અને ભાજપના નાવ્યા હરીદાસ સામે જોવા મળી હતી.
વિધાનસભાની પેટા ચૂંટણી પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, પંજાબની ચાર, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ, મધ્ય પ્રદેશની બે, કેરળની બે અને છત્તીસગઢ, ગુજરાત, ઉત્તરાખંડ અને મેઘાલયની એક-એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. ઉત્તર પ્રદેશમાં નવમાંથી પાંચથી છ બેઠકો પર ભાજપ જીતી શકે છે તેવો દાવો એક્ઝિટ પોલના તારણોમાં કરવામાં આવ્યો હતો. આ તમામ બેઠકો પર શનિવારે સવારે પરિણામો જાહેર કરવામાં આવશે.