Get The App

આજે મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું શાહી સ્નાન, યોગીએ સમગ્ર તંત્ર એલર્ટ કર્યું

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
આજે મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું શાહી સ્નાન, યોગીએ સમગ્ર તંત્ર એલર્ટ કર્યું 1 - image


- યુપીના તમામ જિલ્લાના અધિકારીઓને યોગીના આકરા આદેશ 

- પ્રયાગરાજ નો-વીહિકલ ઝોન જાહેર, 14મી સુધી શાળાઓ બંધ, વારાણસીમાં પણ માત્ર ઓનલાઇન વર્ગો ચાલશે

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં બુધવારે માઘ પૂર્ણિમાનું શાહી સ્નાન યોજાશે જે પૂર્વે પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. મૌની અમાસ જેવી કોઇ ઘટના ના થાય તેને ધ્યાનમાં રાખીને આ વખતે વધુ સાવચેતી રખાઇ રહી છે. પ્રયાગરાજને મંગળવારે નો-વહીકલ ઝોન જાહેર કરાયુ હતું, જ્યારે પ્રયાગરાજ, વારાણસી અને આસપાસના જિલ્લાઓમાં ભારે ભીડને કારણે સ્કૂલો બંધ રાખવી પડી છે.

હાલ માઘ પૂર્ણિમાના શાહી સ્નાન માટે લાખો લોકો મહાકુંભ પહોંચી રહ્યા છે જેને પગલે પ્રયાગરાજ, વારાણસી તેમજ મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ૩૦૦ કિમી સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો, જેની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોંધ લઇને અધિકારીઓને ખખડાવ્યા હતા. ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓના અધિકારીઓને આકરો સંદેશો આપીને યોગ્ય વ્યવસ્થા જાળવવા આદેશ આપ્યો હતો. જે પણ અધિકારીઓ જવાબદારીમાં પાછીપાની કરશે તેની સામે કાર્યવાહી કરાશે તેવી સ્પષ્ટતા પણ યોગીએ કરી હતી. હાલમાં ટ્રાફિક હળવો થઇ રહ્યો હોવાના પણ અહેવાલો છે. 

૧૨મી ફેબુ્રઆરીએ માઘ પૂર્ણિમાની સાથે સંત રવિદાસ જયંતી પણ છે, જેને પગલે પ્રયાગરાજ અને તેની આસપાસની સ્કૂલ-કોલેજોમાં રજા રહેશે. પ્રયાગરાજમાં ૧૪મી સુધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ છે, જે ૧૭મી સુધી લંબાવવામાં આવી શકે છે. બીજી તરફ વારાણસીમાં પણ ભારે ભીડને કારણે ધોરણ એકથી આઠની સ્કૂલોને ઓનલાઇન વર્ગ ચલાવવા આદેશ અપાયો છે, આ વિસ્તારમાં પણ સ્કૂલો ૧૪મી સુધી બંધ રહેશે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. મૌની અમાસે એક સાથે લાખો લોકો સંગમ ઘાટ પર પહોંચી જતા નાસભાગમાં ૩૦ લોકો માર્યા ગયા હતા, આ વખતે પણ ભારે ભીડ જોવા મળશે તેથી કોઇ દુર્ઘટના ના બને માટે યોગી આદિત્યનાથે અધિકારીઓને કડક આદેશ આપ્યા છે.

કુંભ જતા મુસાફરોને જગ્યા ના મળતા ટ્રેનના કાચ તોડયા

મહાકુંભને પગલે પ્રયાગરાજ તરફની આવતી જતી લગભગ તમામ ટ્રેનો ફુલ જોવા મળી રહી છે. એવામાં જે મુસાફરો પ્રયાગરાજ જવા માગે છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા મુસાફરો ગુસ્સામાં ટ્રેન પર પથ્થમારો કરવા લાગ્યાની ઘટના સામે આવી રહી છે. બિહારના મધુબની રેલવે સ્ટેશન પર સોમવારે ભારે ભીડ હતી, લોકોને ટ્રેનમાં જગ્યા ના મળતા રિઝર્વ ડબામાં ઘુસવા ઉતાવળા થયા હતા, આવી જ એક ટ્રેનનો દરવાજો અંદર રહેલા મુસાફરોએ ના ખોલતા બહાર ઉભેલા મુસાફરોએ બારીના કાચ તોડી નાખ્યા હતા. બિહારના જૈનનગરથી દિલ્હી તરફ જઇ રહેલી ટ્રેન પ્રયાગરાજ સ્ટેશને થઇની જતી હોય છે, આ ટ્રેનમાં ચડવા માટે પડાપડી થઇ હતી, એક વીડિયોમાં ટ્રેનના લગભગ તમામ કાચ તુટેલા જોવા મળ્યા હતા. આ ઘટનાને લઇને બે લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.


Google NewsGoogle News