આજે લોકશાહીના મહાપર્વનું પરિણામ, 8,360 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
- 8360 પૈકી 2572 કરોડપતિ, 1643 સામે ક્રિમિનલ કેસ
- દેશમાં 10.5 લાખ બૂથમાં મત ગણતરી, પ્રત્યેક બૂથ પર 14થી વધુ ટેબલ, સમગ્ર પ્રક્રિયામાં કુલ 80 લાખ લોકો જોડાશે : પંચ
- છ રાષ્ટ્રીય પક્ષો પૈકી બીએસપીના સૌથી વધુ 488, ભાજપના 441, કોંગ્રેસેના 328, સીપીઆઇ(એમ)ના 52 જ્યારે આપના 22 ઉમેદવારો
- વર્તમાન 327 સાંસદો ફરીથી ચૂંટણી લડી 53 વર્તમાન પ્રધાનોનું પણ ભાવિ નક્કી થશે
નવી દિલ્હી : આવતીકાલે જાહેર થનારા લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. 8000 પૈકી 16 ટકા ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવ્યા હતાં. 6 ટકા ઉમેદવારો રાજય કક્ષાના પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવ્યા હતાં. જ્યારે 47 ટકા ઉમેદવારો અપક્ષ તરીકે ઉભા રહ્યાં હતાં તેમ પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
2024ની સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. પીઆરએસના જણાવ્યા અનુસાર કુલ 543 બેઠકો પર 744 પક્ષોના 8360 ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. જે છ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો પણ સામેલ છે.
છ રાષ્ટ્રીય પક્ષો પૈકીના એક બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ સૌથી વધુ 488 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. ત્યારબાદ ભાજપે 441, કોંગ્રેસે 328, સીપીઆઇ(એમ)એ 52 જ્યારે આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. રાજ્ય કક્ષાના પક્ષોની વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટીએ 71, તૃણમુલે 48 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. એઆઇએડીએમકેએ 36, સીપીઆઇએ 30, વાયએસઆરસીપીએ 25, રાજદે 24 અને ડીએમકેએ 22 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં.
બિનસત્તાવાર પક્ષોની વાત કરવામાં આવે તો સોશિયલ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ)એ સૌથી વધુ 150, પીપલ્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (ડેમોક્રેટિક)એ 79 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. બેઠક દીઠ સરેરાશ ઉમેદવારોની સંખ્યા 15 છે. તમિલનાડુની કરુર બેઠક પર સૌથી વધુ 64 ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. જે પૈકી 46 એટલે કે 85 ટકા ઉમેદવારો અપક્ષ હતાં. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની સરેરાશ ઉંંમર 48 વર્ષ હતી.
17મી લોકસભામાં ચૂંટાયેલા 327 સાંસદોએ આ વખતે ફરીથી ચૂંટણી લડી છે. 53 વર્તમાન પ્રધાનો પણ ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના એનાલિસિસ અનુસાર કુલ 8360 ઉમેદવારો પૈકી 2572 ઉમેદવારો કરોડપતિ હતાં જ્યારે 1643 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે, જે પૈકી 1191 સામે ગંભીર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે.