સંસદ પર હુમલાની આજે 22મી વરસી, પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

આ હુમલામાં 9 જવાનો શહીદ થયા હતા, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સામેલ હતા

અફઝલ ગુરુને હુમલાના 12 વર્ષ બાદ ફાંસી આપવામાં આવી હતી

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
સંસદ પર હુમલાની આજે 22મી વરસી, પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ 1 - image

 

Parliament attack anniversary : ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. આજે આ હુમલાની 22મી વરસી છે. પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આજે સંસદ હુમલાની 22મી વર્ષી

ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર આતંકવાદી હુમલાની આજે 22મી વરસી છે. 13 ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. સંસદ પર હુમલાને 22 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ આ ઘાતકી આતંકવાદી હુમલાની યાદ ભારતીયોના હૃદય અને મગજમાં તાજી છે. 22 વર્ષ પહેલા આ દિવસે થયેલા આ હુમલામાં 9 જવાનો શહીદ થયા હતા, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સામેલ હતા. તે જ સમયે, હુમલો કરનારા પાંચેય આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યા હતા. આ ઉપરાંત પીએમ મોદી અને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને પણ મળ્યા હતા.

આતંકવાદીઓ એમ્બેસેડર કારમાં આવ્યા હતા

13 ડિસેમ્બર 2001ની સવારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. વિપક્ષી સાંસદો રાજ્યસભા અને લોકસભામાં શબપેટી કૌભાંડ, કફનના ચોર, સિંહાસન છોડીને સૈન્ય લોહી વહાવે છે, સરકાર દલાલી ખાય છે તેવા સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ સાંસદો સંસદમાં જ હાજર હતા. ત્યારે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓ સફેદ એમ્બેસેડર કારમાં સંસદ ભવન સંકુલમાં પ્રવેશ્યા. એક આતંકવાદીએ સંસદ ભવનનાં ગેટ પર બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી. આતંકવાદીઓએ એમ્બેસેડર કાર પર ગૃહ મંત્રાલયનું સ્ટીકર પણ લગાવી દીધું હતું.

અફઝલ ગુરુને 2013માં ફાંસી આપવામાં આવી હતી

આ આતંકી હુમલા પાછળ મોહમ્મદ અફઝલ ગુરુ અને શૌકત હુસૈન સહિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો હાથ હતો. અફઝલ ગુરુને 12 વર્ષ બાદ 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

સંસદ પર હુમલાની આજે 22મી વરસી, પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ 2 - image


Google NewsGoogle News