26/11 એટેક : આજના દિવસે ધણધણી ઉઠેલું મુંબઈ શહેર, આતંકવાદીઓએ કર્યું હતું મોતનું તાંડવ
આતંકવાદી હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા
આતંકવાદી અજમલ કસાબ અથડામણ બાદ તાડદેવ વિસ્તારમાંથી જીવતો પકડાયો હતો
26/11 Attack : આજથી બરાબર 15 વર્ષ પહેલા સરહદ પારથી આવેલા કેટલાક આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોતનું એવું તાંડવ કર્યું હતું કે જે કોઈ ભારતીય કદી ભૂલી નહીં શકે. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકવાદી હુમલો કર્યો હતો જેમાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા. આખો દેશ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાથી ચોંકી ઉઠ્યો હતો.
આતંકવાદીઓએ 60 કલાક સુધી માયાનગરીને બાનમાં લીધી હતી
આજે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાની 15મી વરસી છે. પાકિસ્તાનથી બોટમાં આવેલા 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ લગભગ 60 કલાક સુધી માયાનગરીને બાનમાં લીધી હતી અને આ દરમિયાન આતંકવાદીઓએ 160થી વધુ નિર્દોષ લોકોની હત્યા કરી હતી અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. જો કે ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહીમાં નવ આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર માર્યા હતા, જ્યારે એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો.
આતંકવાદીઓ હુમલાના ત્રણ દિવસ પહેલા મુંબઈ પહોંચ્યા હતા
આતંકવાદીઓ હુમલાના ત્રણ દિવસ પહેલા એટલે કે 23 નવેમ્બરના રોજ કરાચીથી બોટ દ્વારા રાત્રે લગભગ આઠ વાગે કોલાબા નજીક કફ પરેડના ફિશ માર્કેટમાં ઉતર્યા હતા. આ જગ્યાએથી આતંકીઓએ 4-4ના ગ્રુપમાં જૂદી-જૂદી ટેક્સી પકડી હતી. આતંકીઓનું એક જૂથ રાતના સાડા 9 વાગ્યે છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલ્વે સ્ટેશને પહોંચીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા. આ કારણે 58 જેટલા નિર્દોષ મુસાફરો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. આ સિવાય ગોળી વાગવાના કારણે ભાગદોડમાં પડી જવાના કારણે અનેક મુસાફરો ઘાયલ પણ થયા હતા. અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન નામના આતંકવાદીઓએ તે હુમલાને અંજામ આપ્યો હતો.
અડધી રાત થઈ ત્યાં સુધીમાં તો મુંબઈના અનેક વિસ્તારોમાં હુમલા થવા લાગ્યા
આ ઉપરાંત આતંકવાદીઓએ તાજ હોટેલ, હોટેલ ઓબેરોય, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં હુમલો શરૂ કરી દીધો હતો. અડધી રાત થઈ ત્યાં સુધીમાં તો મુંબઈના અનેક વિસ્તારોમાં હુમલા થવા લાગ્યા હતા. શહેરમાં 4 સ્થળોએ અથડામણ થઈ રહી હતી. પોલીસ ઉપરાંત અર્ધસૈનિક દળ પણ મેદાનમાં ઉતર્યા હતા. એકસાથે આટલી જગ્યાઓએ હુમલાના કારણે સૌ ચોંકી ઉઠ્યા હતા. આ કારણે આતંકવાદીઓની સંખ્યાનો અંદાજો મેળવવો પણ મુશ્કેલ બન્યો હતો.
ઓપરેશનને અંજામ સુધી પહોંચવામાં 29 નવેમ્બર સુધીનો સમય લાગી ગયો
26 નવેમ્બરની રાતે આતંકવાદીઓ તાજ હોટેલ તરફ વળ્યા હતા અને અનેક મહેમાનોને બંધક બનાવી લીધા હતા જેમાં 7 વિદેશી નાગરિકો પણ સામેલ હતા. તાજ હોટેલના હેરિટેજ વિંગમાં આગ લગાવી દીધી હતી. 27 નવેમ્બરની સવારે NSGના કમાન્ડો આતંકવાદીઓનો સામનો કરવા માટે પહોંચી ચુક્યા હતા. સૌથી પહેલા હોટેલ ઓબેરોયમાં બંધકોને મુક્ત કરાવાયા હતા અને 28 નવેમ્બરના રોજ બપોરના સમયે ઓપરેશન પૂરૂ થયું હતું. તે દિવસે સાંજે નરીમાન હાઉસના આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. જોકે હોટેલ તાજના ઓપરેશનને અંજામ સુધી પહોંચવામાં 29 નવેમ્બરની સવાર સુધીનો સમય લાગી ગયો હતો.
આતંકવાદી અજમલ કસાબને સજા-એ-મોત મળી હતી
મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં લોહીની હોળી રમનારો આતંકવાદી અજમલ કસાબ અથડામણ બાદ તાડદેવ વિસ્તારમાંથી જીવતો પકડાયો હતો. તે ગંભીર રીતે ઘાયલ હતો. બાદમાં તેણે પાકિસ્તાનની આતંકવાદી ષડયંત્રની પોલ ખોલીને મુકી દીધી હતી. તેણે પોતાના મૃત સાથીઓના નામનો પણ ખુલાસો કર્યો હતો. બાદમાં તેના પર કેસ ચાલ્યો હતો અને તેને સજા-એ-મોત મળી હતી.