Get The App

આજે લોકતાંત્રિક સંસ્થાઓ રબર સ્ટેમ્પની જેમ કામ કરે છે, કોંગ્રેસમાં પણ પહેલા આવું જ થતુંઃ શશી થરૂર

તમારે વિપક્ષને મત આપવો જોઈએ,જ્યારે અમે સરકારમાં આવીશું ત્યારે અમારા નેતા વિશે જણાવીશું

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
આજે લોકતાંત્રિક સંસ્થાઓ રબર સ્ટેમ્પની જેમ કામ કરે છે, કોંગ્રેસમાં પણ પહેલા આવું જ થતુંઃ શશી થરૂર 1 - image


Jaipur Literature Festival: રાજસ્થાનના જયપુરમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે 'ઓડેશસ હોપઃ હાઉ ટુ સેવ અ ડેમોક્રેસી' વિષય પર આધારિત ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન થરૂરે ઈડી, સીબીઆઈ જેવી બંધારણીય સંસ્થાઓ સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, 'હાલ લોકતાંત્રિક સંસ્થાઓ રબર સ્ટેમ્પની જેમ કામ કરી રહી છે. હું અહીં કોઈ એક નેતાનું નામ લઈને વિવાદ ઊભો નથી કરવા માંગતો. પહેલા કોંગ્રેસમાં પણ આવું થતું આવ્યું છે.'

સીએએ મુદ્દે શશી થરૂરે કહ્યું કે,'સીએએને લઈને દેશમાં જોરદાર પ્રદર્શન થઈ રહ્યું છે. દિલ્હીના શાહીન બાગમાં જનારો હું પહેલો નેતા હતો. કોંગ્રેસ પાર્ટીએ પણ આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ કોઈ ઉકેલ મળ્યો ન હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ આપ્યું. પરંતુ વડાપ્રધાન મોદીના આગમન બાદ વિપક્ષને ગૃહમાં પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી રહી નથી. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના સમયમાં સંસદમાં 80 ટકા બિલ સંસદની સ્થાયી સમિતિઓને સંપૂર્ણ તપાસ અને ચર્ચા માટે મોકલવામાં આવતા હતા, પરંતુ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તે ઘટીને 16 ટકા થઈ ગયા છે. અને બીજી ટર્મમાં પણ વધુ નીચે ગયો.'

આગામી લોકસભા ચૂંટણીઓમાં વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વથી ભાજપને ફાયદો થવાની અને તે વિપક્ષ માટે નુકસાનકારક હોવાની સંભાવના અંગે શશી થરૂરે કહ્યું,'આપણી પાસે સંસદીય પ્રણાલી છે, જેને રાષ્ટ્રપતિ દ્વારા ચલાવવામાં આવે છે અને આપણે 2014ના સૂત્ર 'હું નહીં, અમે'ને યાદ કરવું જોઈએ. આપણે છેલ્લા દસ વર્ષમાં હું સાંભળ્યું છે. માત્ર એક જ વ્યક્તિની વાત થઈ છે.'

આ દરમિયાન શશી થરૂરે ન્યાયપાલિકા અને મીડિયા પર પણ સવાલો ઉઠાવ્યા કહ્યું કે,'મીડિયા માત્ર સરકાર માટે નેરેટિવ સેટ કરવાનું કામ કરે છે. દેશની તમામ બંધારણીય સંસ્થાઓ ખોટી રીતે કામ કરી રહી છે. તમારે વિપક્ષને મત આપવો જોઈએ. આ પછી જ્યારે અમે સરકારમાં આવીશું ત્યારે અમારા નેતા વિશે જણાવીશું.'


Google NewsGoogle News