કોંગ્રેસના આ પૂર્વ મુખ્યમંત્રીને મોટું પદ મળે તેવી શક્યતા, દિલ્હીમાં થશે મોવડીમંડળ સાથે મુલાકાત
Ashok Gehlot Delhi Visit: રાજસ્થાનના રાજકારણમાં 'જાદુગર' તરીકે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત લાંબા સમયથી બીમાર હતા. જો કે, હવે તેમના સ્વાસ્થ્યમાં સુધાર થતા તેઓ પાર્ટીના કાર્યકરો તેમજ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન અશોક ગેહલોત આજે (12 સપ્ટેમ્બર) દિલ્હીની મુલાકાતે જવાના છે. જ્યાં તેઓ મોવડીમંડળ સાથે મુલાકાત કરી શકે છે. ગેહલોતની આ મુલાકાત અંગે રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે કે આ મુલાકાત દરમિયાન અશોક ગેહલોતને પાર્ટી તરફથી કોઇ મોટું પદ કે જવાબદારી મળી શકે છે.
ગેહલોતનો અનુભવ કામ આવશે
નિષ્ણાતો મુજબ, અશોક ગેહલોત દિલ્હીમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. આ દરમિયાન તેઓ વિવિધ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અંગે વ્યૂહનીતિ ઉપરાંત વોટ મેળવવા માટે કયા મુદ્દાઓ ઉઠાવી શકાય છે તે અંગે ચર્ચા કરી શકે છે. પાર્ટી પણ ગેહલોતના રાજકીય અનુભવનો લાભ મેળવવા તેમને મોટું પદ આપી શકે છે.
આ પણ વાંચોઃ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહા સચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન
લોકસભા ચૂંટણીમાં ભજવી હતી મહત્ત્વપૂર્ણ ભૂમિકા
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીના સ્થાને કિશોરી લાલ વર્માને ઉમેદવાર જાહેર કરાયા હતા ત્યારે અશોક ગેહલોતને સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બેઠક પાર્ટી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે રાહુલ ગાંધી આ બેઠક પરથી સતત ત્રણ વાર સાંસદ રહ્યા છે. , ત્યારે પાર્ટી એ આ બેઠક પર જીત સુનિશ્ચિત કરવા અશોક ગેહલોતને જવાબદારી સોંપી હતી.