Get The App

સાયબર છેતરપિંડી રોકવા કેન્દ્ર સરકારે છ લાખ મોબાઈલ ફોન બંધ કરી દીધા

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
સાયબર છેતરપિંડી રોકવા કેન્દ્ર સરકારે છ લાખ મોબાઈલ ફોન બંધ કરી દીધા 1 - image


- સરકારે 65,000 યુઆરએલ પણ બ્લોક કર્યા

- આ વર્ષે ડિજિટલ ધરપકડની 6,000થી વધુ, ટ્રેડિંગ સ્કેમની 20,043, ઈન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 ફરિયાદો નોંધાઈ

- 800 એપ્લિકેશન્સ બ્લોક કરાઈ, 3401 સોશિયલ મીડિયા, વેબસાઈટ્સ, વોટ્સએપ ગ્રુપ બંધ કરાયા

નવી દિલ્હી : ભારત ડિજિટલ ઈન્ડિયા બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે તેમ સાયબર છેતરપિંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જોકે, ગૃહ મંત્રાલયની સાયબર વિંગ ૧૪-સી સતત સાયબર ફ્રોડ પર લગામ લગાવવા આકરાં પગલાં લઈ રહી છે, જેના હેઠળ સરકારે ૬ લાખ મોબાઈલ ફોન બંધ કરી દીધા છે. સાથે જ ગૃહમંત્રાલયની સાયબર વિંગના આદેશ પર ૬૫,૦૦૦ સાયબર ફ્રોડ કરનારા યુઆરએલ પણ બ્લોક કર્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડમાં સંડોવાયેલી અંદાજે ૮૦૦ એપ્લિકેશન્સ પણ બ્લોક કરી દેવાઈ છે. વર્ષ ૨૦૨૩માં એનસીઆરપી (નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ)ને એક લાખથી વધુ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ્સની ફરિયાદો મળી છે. સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ સંબંધિત અંદાજે ૧૭,૦૦૦ એફઆઈઆર નોંધાઈ છે. જાન્યુઆરી ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ડિજિટલ ધરપકડની ૬,૦૦૦થી વધુ, ટ્રેડિંગ સ્કેમની ૨૦,૦૪૩, ઈન્વેસ્ટમેન્ટ સ્કેમની ૬૨,૬૮૭ અને ડેટિંગ સ્કેમની ૧૭૨૫ ફરિયાદો મળી છે.

ગૃહમંત્રાલયની સાયબર વિંગે સાયબર ફ્રોડ રોકવા માટે છેલ્લા ચાર મહિનામાં ૩.૨૫ લાખ એકાઉન્ટ્સ, ડેબિટ કાર્ડ ફ્રીઝ કર્યા હતા. આ એવા ખાતા હતા જે ફ્રોડ કરતા હતા. આ સિવાય સાયબર ગૂનામાં ઉપયોગમાં લેવાયેલી ૩૪૦૧ સોશિયલ મીડિયા, વેબસાઈટ, વ્હોટ્સએપ ગ્રુપ બંધ કરાયા છે. વધુમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ફ્રોડના જોખમથી રૂ.૨૮૦૦ કરોડ બચાવવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયે રૂ. ૮.૫૦ લાખ સાયબર વિકટિમને ફ્રોડથી બચાવ્યા છે.

આ સિવાય સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ૧૪-સી વિંગે સમગ્ર દેશમાં સાયબર ગુના સંબંધિત કેસો સંભાળવા માટે એક રાષ્ટ્રીય સ્તરનું કો-ઓર્ડિનેશન સેન્ટર બનાવ્યું છે. વધુમાં ડિજિટલ અરેસ્ટની વધતી ઘટનાઓ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. સાયબર કમાન્ડોને તાલિમ અપાય છે. આગામી પાંચ વર્ષમાં ૫,૦૦૦ સાયબર કમાન્ડોને તાલિમ આપી તૈયાર કરાશે.


Google NewsGoogle News