Get The App

સિલ્ક્યારા ટનલમાંથી 41 મજૂરોને બચાવવા હવે ઊપરથી ડ્રીલિંગ કરાશે

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
સિલ્ક્યારા ટનલમાંથી 41 મજૂરોને બચાવવા હવે ઊપરથી ડ્રીલિંગ કરાશે 1 - image


- ઉત્તરકાશીની ટનલમાં 7મો દિવસ, બચાવ કામગીરી લાંબી ચાલશે

- અમેરિકન મશીનથી કંપન થવાથી ટનલ તૂટી પડવાના ડરથી કામ બંધ કરાયું, મજૂરોને કાઢવા નહીં ટનલ બચાવવા પ્રયાસ થતો હોવાના પરિવારજનોનો આક્ષેપ

- ઈમર્જન્સીના સમયમાં ટનલમાંથી નીકળવાનો રસ્તો પ્લાનમાં હતો, પરંતુ આ રસ્તો બનાવાયો જ નહીં હોવાનો ઘટસ્ફોટ

દેહરાદુન : ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોને બહાર કાઢવા માટે સાત દિવસ પછી હવે નવેસરથી તૈયારી કરાઈ રહી છે. શનિવારે પણ મજૂરોને બહાર કાઢી શકાયા નથી. સુરંગમાં ડ્રિલિંગ વખતે કંપન થવાથી વધુ કાટમાળ પડવાનું જોખમ વધી રહ્યું છે, જેથી ઑગર મશીનથી ડ્રિલિંગ બંધ કરી દેવાયું છે. બચાવ ટૂકડીએ હવે ટનલની ઉપર અને બાજુમાંથી ડ્રિલિંગ કરવાની તૈયારી કરી છે. ઈમર્જન્સીના સમયમાં ટનલમાંથી નીકળવાનો રસ્તો પ્લાનમાં હતો, પરંતુ આ રસ્તો બનાવાયો નહીં હોવાનો દાવો થઈ રહ્યો છે.

ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ૧૨ નવેમ્બરથી ૪૧ મજૂરો ફસાયેલા છે. તેમને બચાવવા માટે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર સુધી પ્રયત્નો ચાલુ છે અને દેશ-વિદેશથી ટેક્નોલોજી નિષ્ણાતોને બોલાવાયા છે. તેમ છતાં લગભગ ૧૬૦ કલાક કરતાં વધુ સમયથી ૪૧ મજૂરોને બચાવી શકાયા નથી. આ કામમાં સૈન્ય પણ મદદમાં કામે લાગ્યું છે. બીજીબાજુ શનિવારે નોર્વેની ટેક્નોલોજી નિષ્ણાતોની ટીમ ઉત્તરકાશી પહોંચી છે. સુરંગની અંદર ઑગર મશીનથી ડ્રિલિંગ કરતા હવે કંપન થવાથી કાટમાળ પડી રહ્યો છે, જેથી જોખમ વધી ગયું છે. પરીણામે ઑગર મશીનથી ટનલમાં ડ્રિલિંગ બંધ કરી દેવાયું છે.

નવી રણનીતિ મુજબ હવે સુરંગની ઉપર અને બાજુમાંથી ડ્રિલિંગની તૈયારી કરાઈ રહી છે. પર્વતની ટોચેથી ટનલ સુધી લગભગ ૧૦૦ ફૂટ ડ્રિલિંગ કરવું પડશે.  ડ્રીલ કરવું સરળ કામ નથી અને મજૂરોને બહાર કાઢવામાં હજુ ઘણો સમય લાગે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મજૂરોને બહાર કાઢવા માટે દેશ અને દુનિયામાં હાથ ધરાયેલા જૂના સુરંગ બચાવ અભિયાનોના અનુભવના આધારે કામ કરાઈ રહ્યું છે. પીર પંજાલ, અટલ સુરંગ, ભંવર ટોંક, સંગલદાન જેવી મોટી સુરંગોના નિર્માણ અને લૂઝ પડયા પછી રેસ્ક્યુની માહિતી એકત્રીત કરાઈ રહી છે.

મુસીબતમાં ફસાયેલા મજૂરોના પરિવારને બધી જ માહિતી પૂરી પાડવા નિર્દેશ અપાયા છે.ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોને ટનલની અંદર જ ભોજન, પાણી અને ઑક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. પરંતુ હવે મજૂરોના પરિવારજનો તથા સહકર્મચારીઓની ધીરજ ખૂટી રહી છે. નારાજ પરિવારજનોએ શનિવારે સવારે પણ કંપનીની બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભારે હોબાળો કર્યો હતો. તેમનું કહેવું છે કે સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માત્ર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તેમને બહાર કાઢવાનું કામ થતું નથી. સુરંગને બાજુમાંથી કાપવામાં આવી હોત તો અત્યાર સુધીમાં લોકોને બહાર કાઢી લેવાયા હોત. ટનલમાં ફસાયેલા મજૂરોનું મનોબળ હવે તૂટી રહ્યું છે. અધિકારીઓ હકીકતમાં મજૂરોને નહીં પરંતુ ટનલને જ બચાવવા માગે છે તેવો પણ આક્ષેપ સાથી મજૂરો અને પરિવારજનોએ કર્યો હતો.દરમિયાન ટનલનો એક નક્શો સામે આવ્યો છે, જે સુરંગનું નિર્માણ કરનારી કંપનીની કથિત ગંભીર ભૂલ તરફ ઈશારો કરે છે. એસઓપી મુજબ ત્રણ કિ.મી.થી વધુ લાંબી બધી જ સુરંગોમાં ઈમર્જન્સીની સ્થિતિમાં લોકોને બચાવવા માટે ભાગવાનો રસ્તો હોવો જોઈએ. નકશા મુજબ ૪.૫ કિ.મી. લાંબી સુરંગના પ્લાનમાં પણ બચીને નિકળવા માટે એક રસ્તો બનાવવાનો હતો, પરંતુ આ રસ્તો બનાવાયો નહી. 

મજૂરોને બચાવવા હવે ભગવાનના શરણે : મંદિર બનાવાયું, નાળિયેર વધેર્યું

ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોને બચાવવા માટે બચાવ ટીમ વિજ્ઞાાનની સાથે હવે ભગવાનના શરણે ગઈ છે. સુરંગના બચાવ સ્થળે એકબાજુ મશીનોથી કામ થઈ રહ્યું છે. બીજીબાજુ ત્યાં એક મંદિર બનાવાયું છે, જ્યાં પૂજા-અર્ચના કરાઈ રહી છે. મંદિરના પૂજારીએ ક્રેનની મદદથી સુરંગના સ્થળ પર ઝંડો લગાવ્યો અને નારિયેળ ફોડયું. હવે ઊપરથી ડ્રિલિંગ કામ શરૂ કરાશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સુરંગ બનાવવા માટે સ્થાનિક દેવતા બાબા બૌખનાગનું મંદિર તોડી પડાયું હતું. તેના કેટલાક દિવસો પછી  તેમના પ્રકોપના કારણે ટનલ તૂટી પડી છે.


Google NewsGoogle News