વિદેશ જવા માટે પુત્રીએ જ રચ્યું પોતાના અપહરણનું તરકટ, માતા-પિતાથી માંગ્યા 30 લાખ, આ રીતે ખૂલી પોલ
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 21 માર્ચ 2024 શનિવાર
'પાપા મે છોટી સી બડી હો ગઈ', આમ તો આ ગીત ખૂબ ઈમોશનલ કરનારુ છે પરંતુ એક પુત્રીએ વિદેશ જવા માટે પોતાના પિતાની સાથે જ રમત રમી દીધી. મધ્ય પ્રદેશના ઈન્દોરની રહેવાસી 21 વર્ષની યુવતીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું અને વિદેશની ટ્રિપ માટે પિતા પાસેથી જ 30 લાખની ખંડણી માંગી. આ અંગે રાજસ્થાન પોલીસે જણાવ્યું કે આ યુવતીને પરિવારે પરીક્ષાની તૈયારી માટે કોટા મોકલી હતી. ત્યાં તેણે પોતાના બે મિત્રની મદદથી પોતાના લાપતા થવાનું નાટક રચ્યું. તપાસમાં જાણ થઈ કે ગાયબ થવાના ત્રણ દિવસ પહેલા જ તે કોટા હોસ્ટેલમાં રોકાઈ હતી અને કોચિંગ અટેન્ડ કરી રહી હતી.
ઈન્દોરની યુવતીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું
કાવ્યા ધાકડ નામની મહિલાના આ કિડનેપિંગ પ્લાનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમામ લોકો તેમના માતા-પિતાની લાચારી પર દયા ખાઈ રહ્યા છે. અમુક લોકોએ કાવ્યાને ખૂબ સંભળાવ્યુ. કોટા પોલીસે જણાવ્યું કે 18 માર્ચે રઘુવીર ધાકડે NEET એસ્પિરન્ટ પોતાની પુત્રીની કિડનેપિંગનો રિપોર્ટ કોટા પોલીસમાં નોંધાવ્યો. તેમણે તેમના પુત્રીના દોરડાથી બાંધેલા ફોટા મોકલ્યા હતા. આ સાથે જ તેમની પાસે 30 લાખની ખંડણીની માંગણીની વાત પણ જણાવી હતી. આ દરમિયાન અપહરણકારો અને યુવતીના પિતાની ચેટ પણ સામે આવી છે. જેમાં તેઓ ધમકી આપી રહ્યા છે કે રૂપિયા આપો અને યુવતી જીવતી લો. નહીં તો આગામી તસવીર યુવતીના માથા વિનાની આવશે.
રાજસ્થાન સીએમે તપાસની જવાબદારી લીધી
જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ યુવતીની ઝડપથી મુક્તિ માટે કાર્યવાહી કરી. એસપીએ જણાવ્યું કે કાવ્યાનું લાસ્ટ લોકેશન ઈન્દોર જ હતુ. તે કોટા પોતાની માતાની સાથે હતી પરંતુ માતા પાછી ગઈ એટલે ઈન્દોર જતી રહી. ઈન્દોરમાં તે પોતાના બે મિત્રો સાથે રોકાઈ હતી.
યુવતી ઈન્દોરમાં હોવાનો દાવો
પોલીસે જણાવ્યું કે કાવ્યા સતત પોતાના માતા-પિતાના સંપર્કમાં હતી અને તેના દરરોજના ક્લાસિસ, ટેસ્ટ અને હાજરી વિશે પણ જણાવી રહી હતી. કાવ્યાના એક મિત્રએ પોલીસનો સાથ આપ્યો અને જણાવ્યુ કે ફાયનાન્સિયલ પરિસ્થિતિથી પરેશાન કાવ્યા પોતાના એક મિત્રની સાથે વિદેશ ભાગી જવા ઈચ્છતી હતી. પોલીસે જણાવ્યુ કે કાવ્યાએ ફોટોશૂટ પોતાના જ એક મિત્રના રૂમ પર કરાવ્યુ. SPએ જણાવ્યુ કે આ બધુ તેણે પોતાની મરજીથી કર્યું છે કે કોઈના કહેવાથી એ તો તેના મળ્યા બાદ જ જાણ થશે.