SEBI સુપ્રીમ કોર્ટમાં ખોટું બોલી, FBI એક્શનમાં પણ CBI મૌન: અદાણી કેસમાં મહુઆ મોઈત્રાના સવાલ
Mahua Moitra On Adani Bribery Case: અમેરિકામાં એફબીઆઈ દ્વારા અદાણી જૂથ પર રૂ. 2200 કરોડના કૌભાંડના આરોપ પર તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ સેબી, સુપ્રીમ કોર્ટ અને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. મોઈત્રાએ સેબી અને ગૌતમ અદાણીએ સુપ્રીમ કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા ક્લિનચીટ મેળવી હોવાનો દાવો પણ કર્યો છે.
સીબીઆઈ વિપક્ષની લિપસ્ટિકમાં વ્યસ્ત
મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર વીડિયો રજૂ કરી સીબીઆઈ પર આકરા પ્રહારો કર્યા છે. તેણે જણાવ્યું હતું કે, એફબીઆઈ અદાણી ગ્રુપના આ 2200 કરોડના કૌભાંડની 15 મહિનાથી તપાસ કરી રહી છે. પરંતુ સીબીઆઈએ હજી સુધી કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. સીબીઆઈ માત્ર વિપક્ષની લિપસ્ટિક ક્યાંથી આવી તેની શોધ કરવામાં વ્યસ્ત છે. પણ ભારતીય અધિકારીઓને આપવામાં આવેલી 2200 કરોડની લાંચ મુદ્દે મૌન છે.
આ પણ વાંચોઃ અદાણીકાંડના આટાપાટા: સૌર પ્રોજેક્ટ ભારતનો, લાંચ પણ ભારતીયોને, તો તપાસ અમેરિકામાં કેમ?
શું છે લિપસ્ટિક કેસ?
મહુઆ મોઈત્રાએ લોકસભામાં દેશના ધનિક ગૌતમ અદાણી વિરૂદ્ધ સવાલો કરવા બદલ બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી દુબઈમાં મોંઘી મોંઘી ગિફ્ટસ, બ્રાન્ડેડ વસ્તુઓ-લિપસ્ટિક લીધી હોવાનો આરોપ મૂકાયો હતો. રોકડ, વિદેશ ટૂર અને પોતાના બંગલાના રિનોવેશન પણ હીરાનંદાની પાસે કરાવ્યા હતા. તેના બદલામાં તેણે પોતાના સાંસદ પદના આઈડી-પાસવર્ડ દર્શનને આપ્યા હતાં. જેમાં મોઈત્રાએ સ્વીકાર્યું હતું કે, હિરાનંદાની તેના મિત્ર હોવાથી તેણે તેમની પાસેથી મોંઘી ગિફ્ટ્સ, લિપસ્ટિક લીધી હતી. પરંતુ તેના બદલે કોઈ ગેરરીતિ આચરી નથી.
માધબી પુરી બુચ પણ ખોટું બોલ્યા
મહુઆએ વીડિયોમાં કહ્યું કે, અમેરિકાની ફેડરલ બ્યૂરો ઈન્વેસ્ટિગેશને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી વિરૂદ્ધ વોરંટ જાહેર કર્યું છે. એફસીપીએ (ફોરેન કરપ્ટ પ્રેક્ટિસિસ એક્ટ)નો ભંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓ બદલ માર્ચ-2023માં વોરંટ જાહેર કર્યું હતું. અદાણી, વિનિત જૈન સહિત કુલ આઠ વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. માધબી પુરી બુચ પણ આ આખા કૌભાંડમાં સંડોવાયેલા છે. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ ખોટું બોલ્યા અને પોતાને આ મામલે કોઈ જાણ ન થોવાનો ઢોંગ કર્યો છે. સેબી અને અદાણી ગ્રુપ બંને જૂઠા બોલ્યા.
ભારતમાં લાંચની તપાસ અમેરિકામાં કેમ?
યુએસ, સ્વિટ્ઝરલેન્ડમાં ભારતમાં લેવાયેલી લાંચના કેસ ચાલી રહ્યા છે. પરંતુ ભારતની સીબીઆઈ, સેબી સહિતની સંસ્થાઓ આ મામલે મૌન ધારણ કરીને બેઠી છે. અમેરિકાનો FCPA એક્ટ તેને વિશ્વના કોઈપણ દેશમાં અધિકારી દ્વારા લેવામાં આવેલી લાંચની તપાસ કરવાની મંજૂરી આપે છે. જેમાં અમેરિકાના રોકાણકારોએ સાથે છેતરપિંડીનો મામલો પણ સામેલ છે. મોઈત્રાએ ટીકા કરી કે, 2200 કરોડની લાંચ ભારતમાં આપવામાં આવી છે, જેની તપાસ ભારત સરકારે, સીબીઆઈએ કરવી જોઈએ. પરંતુ આ કેસમાં તેઓ આંખે પાટા બાંધીને બેઠા છે.