'ફોન હેક કરી રહી છે સરકાર, Appleથી આવ્યું અલર્ટ', વિપક્ષના નેતાઓનો ચોંકાવનારો દાવો
મહુઆ સિવાય કોંગ્રેસ સાંસદ શશી થરૂર, પવન ખેડા અને પ્રિયંકા ચતુર્વેદી સહિતના નેતાઓનો આરોપ
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ વધતો જાય છે. હાલમાં વિપક્ષના કેટલા નેતાઓ દ્વારા સરકાર પર એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના કેટલાક નેતાઓમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસ નેતા શશી થરૂર અને પવન ખેડા સહિતના કેટલાક નેતાઓએ ફોન પર મેસેજ અને ઈમેલ પર APPLE દ્વારા મળેલા એક એલર્ટને શેર કર્યું. આ એલર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલને હેક કરવાની કોશિશ કરી રહી છે.
મહુઆ મોઇત્રાનો સરકાર પર આરોપ
કેશ ફોર ક્વેરી કેસમાં સંડોવાયેલા TMC નેતા મહુઆ મોઇત્રાએ સૌથી પહેલા સ્ક્રીન શોટ શેર કરતા મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મહુઆએ જણાવ્યું કે, APPLE તરફથી મને એલર્ટ અને ઈમેલ મળ્યો સરકાર મારા ફોન અને ઈમેલને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે.
વિપક્ષના આ નેતાઓએ શેર કર્યો ફોટો
મહુઆ સિવાય કોંગ્રેસ સાંસદ શશી થરૂર, પવન ખેડા અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ તેમના ફોન પર આવેલ એલર્ટના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. મહુઆએ તો એવો પણ દાવો કર્યો હતો કે, AAP સાંસદ રાઘવ ચઢ્ઢા, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, સીપીએમ મહાસચિવ સીતારામના ફોનમાં પણ એલર્ટ આવ્યા છે. આ સિવાય AIMIM ચીફ ઓવૈસીએ પણ તેના ફોનનો એલર્ટ વાળો ફોટો શેર કર્યો હતો.
શું છે મામલો ?
કેશ ફોર ક્વેરી કેસના મામલામાં મહુઆ મોઈત્રા સામે બિઝનેસમેન પાસેથી પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને ફરિયાદ કર્યા બાદ તેમણે એથિક્સ કમિટી સમક્ષ મામલો મોકલ્યો હતો. હાલ કમિટી આરોપોની તપાસ કરી રહી છે. આ મામલે મહુઆ મોઈત્રાને કમિટી સામે 2 નવેમ્બરે હાજર થવા આદેશ કર્યો છે.