અધીર રંજનના કારણે I.N.D.I.A.માં ભંગાણ, તૃણમૂલના ગંભીર આરોપો પછી રાજકીય ગરમાવો
'ભારત જોડો ન્યાય યાત્રા' પશ્ચિમ બંગાળમાં પ્રવેશે તે પૂર્વે જ મમતા બેનરજીએ કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો હતો
INDIA Alliance: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલના વડા મમતા બેનરજીએ સ્પષ્ટ કરી દીધું છે કે,તૃણમૂલ રાજ્યમાં એકલા ચૂંટણી લડશે અને કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. મુખ્યમંત્રી મમતા બેનરજીની આ જાહેરાતથી I.N.D.I.A. ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. હવે આ મામલે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. તૃણમૂલના સાંસદ ડેરેક ઓ બ્રાયનનો આરોપ છે કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીના કારણે વિપક્ષી ગઠબંધન બંગાળમાં કામ કરી શક્યું નથી.
ડેરેક ઓ બ્રાયને અધીર રંજન ચૌધરીના માથે ઠીકરું ફોડ્યું
તૃણમૂલના સાંસદ ડેરેક ઓ બ્રાયને દાવો કર્યો હતો કે, 'I.N.D.I.A. ગઠબંધનના ઘણાં ટીકાકારો હતા, પરંતુ માત્ર બે જ ભાજપ અને અધીર રંજન ચૌધરી વિપક્ષી ગઠબંધનના વિરુદ્ધ બોલતા હતા. જો કોંગ્રેસ સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવે છે, તો તૃણમૂલ ચોક્કસપણે મોરચાનો ભાગ બનશે કારણ કે તૃણમૂલ બંધારણ માટે લડી રહી છે.' મમતા બેનરજીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે રહ્યું હતું કે, 'મમતા બેનરજી વિના વિપક્ષી ગઠબંધનની કલ્પના કરી શકાતી નથી.'
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું હતું. આ દરમિયાન I.N.D.I.A. ગઠબંધનના સભ્યો પણ બેઠકોની વહેંચણી મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય સુધી પહોંચી શક્યા નહોતા. આ દરમિયાન મમતા બેનરજીએ કહ્યું કે 'અમે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે સમજૂતી કરવા માટે ઘણાં પ્રસ્તાવ અને ઓફર આપી હતી પરંતુ તે તમામ ફગાવી દેવામાં આવ્યા જેને લઈને અમારે આ નિર્ણય લેવો પડ્યો છે.' મમતા બેનરજી અને તેમની પાર્ટીનો આ નિર્ણય કોંગ્રેસ-ડાબેરી પક્ષો સહિત I.N.D.I.A. ગઠબંધન માટે પણ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.