પશ્ચિમ બંગાળમાં TMC નેતાની ગોળી મારીને હત્યા, બદમાશોએ બોમ્બ પણ ફેંક્યો, અનેક ઘાયલ
Image Source: Freepik
TMC Leader Shot Dead: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના જગતદલ વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની બુધવારે અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૃતકની ઓળખ જગતદલ વોર્ડ નંબર 12ના તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક શૉ તરીકે થઈ છે. આ ઘટનાની માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જગતદલ પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે આવેલી એક ચાની દુકાનની સામે ઉભેલા અશોક શૉ પર બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તેમની પર બોમ્બ પણ ફેંક્યો હતો.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આસપાસના લોકો તાત્કાલિક અશોક શૉને નજીકની ભાટપારા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે, આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ હુમલામાં કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બેરકપુર પોલીસ કમિશનર આલોક રાજોરિયા પણ ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી હતી.
હત્યામાં કોઈ રાજકીય કનેક્શન નથી મળ્યું
બેરકપુર પોલીસ કમિશનર આલોક રાજોરિયાએ મીડિયાને જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદોને કસ્ટડીમાં સઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. અમને હજુ સુધી આ હત્યામાં કોઈ રાજકીય કનેક્શન નથી મળ્યું. હત્યા બાદ સ્થાનિક લોકોએ જગતદલ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.