Get The App

હિન્દુઓના હાથમાં જ રહેશે તિરૂપતિ મંદિર, નાયડુએ સરકાર બનતા જ કેમ કરી મોટી જાહેરાત? જાણો ઈનસાઇડ સ્ટોરી

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
હિન્દુઓના હાથમાં જ રહેશે તિરૂપતિ મંદિર, નાયડુએ સરકાર બનતા જ કેમ કરી મોટી જાહેરાત? જાણો ઈનસાઇડ સ્ટોરી 1 - image


Image: Facebook

Nara Chandrababu Naidu: ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એન.ચંદ્રબાબુ નાયડુએ પરિવાર સહિત તિરુપતિમાં વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યાં. પૂજા-અર્ચના બાદ તેમણે દેશના સૌથી ધનિક મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) ના સંચાલનમાં મોટા પરિવર્તનના સંકેત આપ્યા. ચંદ્રબાબુએ મંદિરમાં બિન હિંદુને ચેરમેન બનાવવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તિરુમાલામાં માત્ર ગોવિંદાના નામ સિવાય કંઈ અન્ય સંભળાશે નહીં. અહીં ઓમ નમો વેંકટેશ્વરાય સિવાય કોઈ અન્ય જયઘોષ થશે નહીં. આ પ્રકારે ઈશારામાં સીએમ નાયડુએ સ્પષ્ટ કરી દીધું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) ટ્રસ્ટના ચેરમેન હવે હિંદુ જ બનશે. 

જગન મોહન રેડ્ડીના કાર્યકાળમાં ટીટીડીના ચેરમેન ભુમના કરુણાકર રેડ્ડીને તિરુપતિ દેવસ્થાનમ સંચાલનના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. કરુણાકર રેડ્ડીનો પરિવાર ક્રિશ્ચિયન ધર્મનું પાલન કરે છે, આ કારણે તેમની નિમણૂક પર ખૂબ વિવાદ થયો હતો. હિંદુ સમુદાયના ધર્મગુરુઓની સાથે ટીડીપી અને ભાજપે આ નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા. આંધ્ર પ્રદેશની વસતી 8.24 કરોડ છે, જેમાંથી 82 ટકા હિંદુ છે. ચંદ્રબાબુનો આ નિર્ણય રાજ્યની સૌથી મોટી વસતીને આકર્ષિત કરી રહ્યો છે.

દેશના સૌથી અમીર મંદિરનું બજેટ પણ જાણો

તિરુપતિનું શ્રી વેંકટેશ્વર મંદિર દેશનું સૌથી અમીર મંદિર છે. અહીં દરરોજ સરેરાશ 60 હજાર શ્રદ્ધાળુ આવે છે. દર વર્ષે દેશના તમામ ભાગોમાંથી 3 કરોડથી વધુ શ્રદ્ધાળુ તિરુપતિ બાલાજીના મંદિર પહોંચે છે. તિરુમલા બ્રહ્મોત્સવના 10 દિવસ દરમિયાન અહીં દરરોજ 3 લાખથી વધુ શ્રદ્ધાળુ પહોંચે છે. મંદિરની પાસે 37 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે અને વર્ષમાં 1500 કરોડ રૂપિયાથી વધુનું દાન આવે છે. આ સિવાય મંદિરની પાસે 10.5 ટન સોનાનો ભંડાર પણ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) ટ્રસ્ટ ભક્તોના ભોજન, સુવિધાની સાથે તેનાથી જોડાયેલા સંસ્થાઓની દેખરેખ પર દર વર્ષે 4000 કરોડ રૂપિયા વધુ ખર્ચ કરે છે. ગયા વર્ષે ટીટીડી બોર્ડે 4.411 કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું હતું.

ક્રિશ્ચિયન ધારાસભ્ય બન્યાં હતાં ટીટીડી ટ્રસ્ટનાં ચેરમેન

આંધ્ર પ્રદેશ ધર્માર્થ અને હિંદુ ધાર્મિક સંસ્થા અને બંદોબસ્તી અધિનિયમ, 1987 હેઠળ બનાવવામાં આવેલા ટીટીડીની પાસે જ નિયમ બનાવવાનો હક છે. તિરુપતિ મંદિરને લઈને વિવાદ 2022માં શરૂ થયો જ્યારે જગન મોહન રેડ્ડીએ ટીટીડી ટ્રસ્ટ બોર્ડમાં પોતાના ખાસ સિપાહસલાર ભુમના કરુણાકર રેડ્ડીને બીજી વખત ચેરમેન નિયુક્ત કર્યાં. જગન મોહન રેડ્ડી અને કરુણાકર રેડ્ડી ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. તેમની નિમણૂકની તેલુગુ દેશમ અને ભાજપે વિરોધ કર્યો હતો. જોકે કરુણાકર રેડ્ડીએ સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે તેમનો પરિવાર ક્રિશ્ચિયન ધર્મનું પાલન કરે છે પરંતુ તે હિંદુ ધર્મને માને છે. બાદમાં તેમની પર મંદિર સંચાલનમાં હિંદુ પરંપરા અને ટ્રસ્ટના નિયમોને અવગણવાના આરોપ પણ લાગ્યા.

જગન સરકાર પર નિયમોની અવગણનાનો આરોપ

તિરુમાલા તિરુપતિ મંદિરમાં બીજી વખત વિવાદ સપ્ટેમ્બર 2023 ત્યારે શરૂ થયો જ્યારે વાર્ષિક બ્રહ્મોત્સવમાં ભગવાન વેંકટેશ્વરને રેશમી વસ્ત્ર ભેટ કરવા તત્કાલીન સીએમ જગન મોહન રેડ્ડી ત્યાં પહોંચ્યા. ખ્રિસ્તી ધર્મનું પાલન કરનાર જગન મોહન પર તિરુમલાના નિયમોને અવગણવાનો આરોપ લાગ્યો હતો. તેમણે મંદિરમાં એન્ટ્રી માટે ફેથ ફોર્મ ભર્યું નહોતું. ટીટીડી ટ્રસ્ટની નિયમ સંખ્યા 136 અને 137 અનુસાર જો કોઈ બિન હિંદુ મંદિરમાં દર્શન ઈચ્છે છે તો તેણે ફેથ ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મમાં તેણે પોતાના ધર્મ વિશે જાણકારી આપતા મંદિરમાં એન્ટ્રી માટે વિશેષ પરવાનગી લેવી પડે છે. 2003માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ફેથ ફોર્મ ભર્યા બાદ જ મંદિરમાં દર્શન કર્યા હતા. નિયમના અમુક અપવાદ પણ છે. 1999માં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને તત્કાલીન સીએમ જગન મોહન રેડ્ડીના પિતા વાઈ એસ રાજશેખર રેડ્ડીએ આ નિયમને અવગણ્યો હતો.


Google NewsGoogle News